12 April, 2023 05:17 PM IST | Mumbai | Morari Bapu
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
હવે આપણે વાત કરીએ છીએ ભક્તિની શુદ્ધિમાં ધ્યાન રાખવા જેવી પાંચ વાતોની, જેમાં પહેલા નંબરે આવતી ઉપાસકની શુદ્ધિ અને બીજા નંબરે આવતી ઉપાસ્ય શુદ્ધિની વાત આપણે કરી. હવે વાત કરવાની છે અન્ય શુદ્ધિઓની, જેમાં આવે છે પૂજાવિધિની શુદ્ધિ.
તાંત્રિક લોકો પણ પૂજા કરે છે, કમ નહીં કરતે, હમ હમ કરે છે. રાતે સ્મશાનમાં બેસી જાય છે, ખુલ્લી તલવાર લઈને, બે-ત્રણ લીંબુ લઈને, તેમની દૃષ્ટિએ સરસ લાગે છે. ખૂબ પૂજા કરે છે. પૂજા વગર તો સિદ્ધિ ક્યાંથી મળે? ભૈરવની કરે, કાલિની કરે, દુર્ગાની કરે, તમે આવી તાંત્રિક વિધિમાં ન પડો, તાંત્રિક મંત્ર પણ લેવાનો થતો નથી. પવિત્ર મંત્ર લો અને પવિત્રતાના સહારે આગળ વધો. કૃષ્ણનું નામ લો, રામનામનો મંત્ર જપો. હરિમાર્ગ છોડીને ક્યારેય મેલો મંત્ર ન લો. એ સિદ્ધિ શું કામની? જે પછીથી આપણને હેરાન કરે! જો તમે માંદા હો અને ખોટી દવા કરો કે પછી તમારા શરીરને અનુકૂળ ન હોય એવી દવા લેવાઈ જાય તો એનું રીઍક્શન આવે છે, એવી રીતે તાંત્રિક મંત્રનાં પણ બહુ રીઍક્શન આવે છે, ફૂટી નીકળે છે આખા શરીર પર. ભગવાનની સેવા કરતાં અપાનવાયુ પર તમારો કાબૂ હોવો જોઈએ એમ લખ્યું છે. કારણ કે તમે સેવાગ્રહમાં બેઠા છો!
પૂજાવિધિની શુદ્ધિ બહુ મહત્ત્વની છે અને એટલી જ મહત્ત્વની છે પૂજાના દ્રવ્યની શુદ્ધિ. હા, ભક્તિની શુદ્ધિમાં ચોથા ક્રમે આવે છે પૂજાનાં દ્રવ્યની શુદ્ધિ.
પૂજા માટે તમે જે દ્રવ્ય લાવો છો એ પણ શુદ્ધ હોવું જોઈએ. સેવાની સામગ્રી શુદ્ધ, પુષ્પ, તુલસીદલ પણ શુદ્ધ હોય. તમે તાજા દૂધની ચા પીઓ અને ભગવાનને વાસી દૂધ ધરાવો અને મન મનાવો કે તેઓ ક્યાં દૂધ પીવાના છે તો એ ગેરવાજબી વાત છે. બધું શુદ્ધ, સારામાં સારું ધરાવો. ભલે બજારમાંથી લાવ્યા હો. પુષ્પ, તુલસીદલ તાજાં હોવાં જોઈએ. ધોઈને પછી ભગવાનનું સ્મરણ કરતાં-કરતાં ચડાવો અને તમે જે ધરાવશો એનો ફાયદો તમને જ થશે એટલે પૂજાનાં દ્રવ્યોમાં પણ શુદ્ધતા હોવી જોઈએ અને એ શુદ્ધતાની સાથે મન પણ સંપૂર્ણ શુદ્ધ હોવું જોઈએ.
હવે આવે છે પાંચમા ક્રમે આવતી મંત્રશુદ્ધિની વાત.
વિશુદ્ધ-વૈષ્ણવી. કોઈ પણ ધર્મનો મંત્ર શુદ્ધ રાખો. મેલી સાધનાવાળા પોતે ભયંકર દેખાવ અને વેશભૂષાવાળા હોય છે. તમે સૌમ્ય વેશ રાખો. સૌમ્યતા હરિને વહાલી છે અને એટલે તો આપણો હરિ પણ આટલો સૌમ્ય દેખાય છે. સૌમ્યતામાં પ્રેમ હોય, ભયંકરતામાં આક્રમકતા હોય. સૌમ્યતામાં સંયમ હોય, ભયાનકતામાં રોષ હોય. સૌમ્યતા સૌને ગમે, ભયાનકતા સૌને ડરાવે.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)