04 May, 2023 04:57 PM IST | Mumbai | Morari Bapu
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
પ્રાર્થના આત્માનો ખોરાક છે. જ્યારે સમય મળે, જ્યાં સમય મળે તથા જેટલો સમય મળે, દરેક વ્યક્તિએ પોતાના પરમને પ્રાર્થના કરવી જોઈએ. જે રીતે કોઈ પરદેશી પર્યટક ભારતના પ્રવાસે પધારે ત્યારે દરરોજ સાંજે પોતાના દેશમાં ફોન કરીને પોતાના પરિવારની ક્ષેમકુશળતા પૂછી લે છે અને પોતે અહીં કુશળ છે એ જણાવી દે છે એવી જ રીતે દરેક જીવ આ પૃથ્વી નામના ગ્રહ પર ૬૦, ૭૦ કે ૮૦ વર્ષના વિઝા લઈને ફરવા આવ્યો છે અને એથી પ્રાર્થના નામના ટેલિફોનથી પોતાના મૂળ ઘરને યાદ રાખવું અને પોતાના વિશે જાણ કરવી એ જીવની નૈતિક ફરજ છે.
પૃથ્વી નામના ગ્રહ પરના વિઝા પૂરા થશે એટલે પરદેશીને સ્વદેશ પાછા ફરવું ફરજિયાત છે. તમે કોઈ પણ દેશના પ્રવાસે હો અને તમારા વિઝા પૂરા થતા હોય તો તમે માંદગી કે બીજા કોઈ કારણથી એક્સટેન્ડ કરાવવા ચાહો તો જે-તે દેશના કાયદા-કાનૂન મુજબ કાગળ કરો તો કદાચ તમારી રોકાણની અવધિ વધારી શકાય એવું બને છે, પણ આ પૃથ્વી નામના ગ્રહ પર જે પરદેશી ફરવા માટે આવે છે, આમ તો ફરવા માટે નહીં, પણ કંઈ કરવા માટે આવે છે.
આ એક એવી યાત્રા છે જેમાં વિઝાની મુદત પૂરી થયા પછી એક પળનું એક્સટેન્શન શક્ય નથી. ભગવાન રામ પરબ્રહ્મ પરમાત્મા હતા, છતાં પોતાના પિતા દશરથના આયુષ્યમાં એક ક્ષણનો પણ વધારો કરી શક્યા નહોતા. અરે, ભગવાન કૃષ્ણ ખુદ અવતાર હોવા છતાં પોતાનો સ્વધામ જવાનો સમય થયો ત્યારે એક ઘડીનો વિલંબ કર્યા વગર પારધીના બાણથી પંચછેદ પામીને પૃથ્વી છોડી ગયા હતા.
આ જગતમાં અમર અવિનાશી એકમાત્ર આત્મા છે, મનુષ્યની ચેતના જ એનો આત્મા છે, જે સંપૂર્ણ મનુષ્યનો છે એ એનો આત્મા છે. આત્મા સિવાય આ વિશ્વમાં કશું આપણું નથી. આપણે સંસારમાં ઘણી વસ્તુને આપણી માની, પરંતુ એમાં થાપ ખાઈ ગયા. આ જગતમાં બધું છૂટી જશે. જ્ઞાનનો પણ અહંકાર કરવા જેવો નથી, કારણ કે અંતકાળ જ્યારે નજીક આવશે ત્યારે જ્ઞાન પણ છૂટી જવાનું છે અને એટલે તો વિદ્વાનોએ સાચું કહ્યું છે કે ઈશ્વર સિવાય કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ સાથે માયા લગાડશો તો અંતમાં દુઃખ સિવાય કશું જ પ્રાપ્ત થવાનું નથી. એથી આત્માને પરમાત્મા સાથે જોડવો એ શાશ્વત સુખપ્રાપ્તિનો એક માત્ર વિકલ્પ છે.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)