જો આ ત્રણ વાત મળે તો મરવું કોને છે?!

25 May, 2023 05:05 PM IST  |  Mumbai | Morari Bapu

શરીર સ્વસ્થ હોય, પાછું મન પણ સ્વચ્છ હોય અને પરમાત્માની સ્મૃતિ નિરંતર ચાલુ હોય. એની યાદ બની રહે તો મરીને કરવું છે શું?’

મોરારી બાપુ ફાઇલ તસવીર

આપણે વાત કરતા હતા અમેરિકાના ન્યુ યૉર્ક ઍરપોર્ટ પર મને મળેલા જ્યુરીસ સાયન્ટિસ્ટની, જેણે ઍરપોર્ટ પર મારો અચાનક જ હાથ પકડ્યો અને મને કહ્યું, ‘મારે તમને એક પ્રશ્ન પૂછવો છે.’ આપણને અંગ્રેજી આવડે નહીં એટલે મારી સાથે ભણેલા છોકરાઓ, વડીલો હતા એ બધાને બોલાવ્યા કે ભાઈ, તમે મદદ કરો. તે સાયન્ટિસ્ટે મને પૂછ્યું, ‘હું એક સાયન્ટિસ્ટ છું. મારે તમને એટલા માટે પ્રશ્ન પૂછવો છે કે તમારી ચાખડી મેં જોઈ. તમારો વેશ જોઈને મને એમ લાગ્યું કે તમે કંઈ ધર્મજગતના વ્યક્તિ છો અને એટલે મને થયું કે મારે તમને પૂછવું જોઈએ.’ તેણે વાત આગળ ચલાવી. પોતાની ઓળખાણ આપતાં કહ્યું, ‘હું સાયન્ટિસ્ટ છું. અમારું આખું ગ્રુપ એક મિશન સાથે જોડાયું છે. અત્યારે માણસની સરેરાશ વય ૮૦ વર્ષ છે. આ સરેરાશ આયુ ૧૨૫થી ૧૫૦ વર્ષ થાય એવું અમારે કરવું છે. તમે ધર્મજગતના વ્યક્તિ હો એવું લાગે છે, તો તમે આ વાતમાં સહમત છો? મારે અભિપ્રાય જોઈએ છે. હું તમને ઓળખતો નથી, પણ મારે તમારી પાસેથી જાણવું છે કે ૧૫૦ વર્ષની જિંદગી થાય તો એમાં તમારી સહમતી છે?’ 

તે અંગ્રેજીમાં બોલે અને છોકરો મને સમજાવે. 

મેં કહ્યું, ‘તમે આ સાહેબને કહો કે ૧૫૦ નહીં, હજી એક મીંડું ચડાવો, મારે  ૧૫૦૦ વર્ષ જીવવું છે, પણ ત્રણ શરત જો વિજ્ઞાન પૂરી કરી આપે તો મરવું છે જ કોને યાર...! જીવવા જેવું જગત છે. આનંદ કરવા જેવું આ જગત છે એટલે ૧૫૦ વર્ષ કબૂલ. આપણે જીવવું છે, પણ ત્રણ વસ્તુ હોવી જોઈએ, ૧. શરીરમાં રોગ ન હોવો જોઈએ, ૨. મનને વિશ્રામ હોવો જોઈએ અને ૩. હરિનું ભજન હોવું જોઈએ. આ ત્રણ વસ્તુ વિજ્ઞાન આપે તો આપણે ૧૫૦૦ વર્ષ જીવવું છે. શરીર સ્વસ્થ હોય, પાછું મન પણ સ્વચ્છ હોય અને પરમાત્માની સ્મૃતિ નિરંતર ચાલુ હોય. એની યાદ બની રહે તો મરીને કરવું છે શું?’

 સાયન્ટિસ્ટ જવાબ સાંભળીને બહુ રાજી થયો. ફરી વખત તેમણે મારી સાથે હાથ મિલાવ્યો અને મને કહે, ‘બરાબર છે, તમે અમારા મતના છો. અમે બધા એક થઈ ગયા.’ - પણ પછી એક જ મિનિટમાં વિજ્ઞાન એને રસ્તે અને ધર્મ એને રસ્તે, કારણ એનો ગેટ જુદો અને મારો ગેટ જુદો! ધર્મ અને વિજ્ઞાન બન્ને એક જ વાત કહે છે કે આ જગત, આ જીવન જીવવા જેવું છે.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists Morari Bapu astrology life and style