પાંચ તત્ત્વો ભગવાનના શરણમાં, તો તમે કેમ દૂર?

06 April, 2023 05:45 PM IST  |  Mumbai | Morari Bapu

ભક્તિની શુદ્ધિમાં બીજા નંબરે આવે છે, ઉપાસ્ય શુદ્ધિ.

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

હવે આપણે વાત કરવાની છે ભક્તિની શુદ્ધિની. ભક્તિમાં શુદ્ધિ માટે પાંચ વાતનું ધ્યાન રાખવું આવશ્યક છે, જેમાં પહેલા નંબરે છે ઉપાસકની શુદ્ધિ. જે ભક્તિ કરી રહ્યો છે, ઉપાસના કરી રહ્યો છે તેની શુદ્ધિ કરો. પાત્રમાં ઘી જામી ગયું હોય, થીજી ગયું હોય તો એ પાત્રને અગ્નિ પાસે રાખો, ઘી પીગળી જશે અને એને દૂર કરતાં ઘી એના મૂળ રૂપમાં આવી જશે. ઉપાસનાનો અર્થ છે, એની પાસે આસન લગાવી બેસવું. જીવનના પાત્રમાં વિકારોનું ઘી જામી ગયું છે તો એની પાસે બેસીને ઘીને પીગળાવીને કાઢી નાખો. સાધક વિકારોથી મુક્ત થઈ શકે છે. આ અતિ આવશ્યક છે.

પાણી ઠંડું હોય, ઇચ્છા ન હોય, આળસુ હોય અને કોઈ પરમહંસની જેમ કહે કે આત્મા પવિત્ર છે, મારે તો નહાવાની જરૂર નથી, સ્નાનની આવશ્યકતા નથી તો એ તમારી એક અપ્રામાણિકતા છે. ઠાકોરજીના મંદિરમાં સ્નાન કર્યા સિવાય, પવિત્ર વસ્ત્રો ધારણ કર્યા સિવાય કેમ નથી જઈ શકાતું? આવશ્યક છે, કારણ કે બ્રહ્મશુદ્ધિની મન પર બહુ અસર પડે છે.

તમે પૂજા માટે વસ્ત્ર પહેરો, ત્યારની તમારી મનોદશા વિચારો અને કોઈને ત્યાં રિસેપ્શન માટે જવાના હો ત્યારે તમે તૈયાર થાઓ છો, એ વખતની તમારી મનોદશા વિચારો. બન્ને સાવ જુદી છે. પહેલામાં અનુરાગ છુપાયેલો છે, બીજામાં રાગ છે. આ રાગ અને અનુરાગ જ સમજાવે છે કે ઉપાસકની શુદ્ધિ અત્યંત આવશ્યક છે.

ભક્તિની શુદ્ધિમાં બીજા નંબરે આવે છે, ઉપાસ્ય શુદ્ધિ.

જેની ઉપાસના કરીએ છીએ, તેની શું શુદ્ધિ? એ તો શુદ્ધ જ નહીં, એ તો પરમ શુદ્ધ છે, પણ ભક્તિમાર્ગમાં દ્વૈતને કબૂલ કર્યું છે! લોકો ભક્તિ કરતા હોય છે. પૂજન-અર્ચન કરે છે, પણ ઉપાસ્યને શુદ્ધ નથી રાખતા. તમે સ્નાન કરો, પણ તમારા ઠાકુરને રોજ સ્નાન કરાવો છો? પંચામૃતથી સ્નાન કરાવો કે સાદું સ્નાન કરાવો, પણ શુદ્ધ રાખો.

કોઈ તીર્થમાં હું જોઉં છું, કેટલી ગંદકી હોય છે. વિચારી પણ ન શકાય એવી ગંદકી.

સડી ગયેલાં ફૂલ, ફળ, શ્રીફળનાં છોતરાં અને એવું કંઈનું કંઈ પડ્યું હોય! તમારું મંદિર, તમારું પૂજાગૃહ સ્વચ્છ, શુદ્ધ રાખો. નિયમ છે એ ક્યારેય નહીં ભૂલો.

‘યથા દેહે તથા દૈવે.’ 

દેહ પર જેવી ક્રિયા કરો એવી દેવ પર પણ કરવી જોઈએ. જો એ કરવામાં તમે ધ્યાન નથી આપતા તો એ ભક્તિની શુદ્ધિ ચૂકો છો એવું માનવાનું.

આ સિવાયની પણ ત્રણ શુદ્ધિ શાસ્ત્રોમાં વર્ણવવામાં આવી છે, પણ એની વાત હવે આપણે કરીશું આવતા બુધવારે.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists astrology Morari Bapu