પંચતત્ત્વમાં પાંચ તત્ત્વો ભળે તો પવનપુત્રનો સાક્ષાત્કાર થાય

01 February, 2023 05:02 PM IST  |  Mumbai | Morari Bapu

પશુની સેવા, પક્ષીની સેવા, વૃક્ષોની સેવા અને હું તો ત્યાં સુધી કહીશ કે માત્ર સજીવ નહીં, પરંતુ નિર્જીવની પણ સેવા થવી જોઈએ.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

હનુમાનજી અને ભક્તિ એકમેકનાં પર્યાય છે. હનુમાનજીનો સાક્ષાત્કાર એટલે ભક્તિનો સાક્ષાત્કાર. હનુમાનજીનો સાક્ષાત્કાર કરવા માટે શું કરવું જોઈએ? મારી સમજ પ્રમાણે એનો ઉકેલ એવો છે કે જે વ્યક્તિ પાસે નીચે મુજબનાં પાંચ તત્ત્વ હશે તેને હનુમાનજીનો એટલે કે ભક્તિનો સાક્ષાત્કાર થઈ ગયો છે એમ માનવું.

પૃથ્વી, આકાશ, પવન, પાણી અને અગ્નિ નામનાં પાંચ તત્ત્વના બનેલા મનુષ્યમાં બીજાં પાંચ તત્ત્વનો મેળાપ થાય એટલે પવનપુત્રનો સાક્ષાત્કાર થયો ગણાય એવું કહેવામાં અતિશયોક્તિ નથી. હવે આવીએ હનુમાનજી પાસેથી મેળવવા જેવાં પાંચ તત્ત્વોની વાત પર, જેમાં પ્રથમ સ્થાને આવે છે સેવા.

જે માણસના જીવનમાં સેવાનો જન્મ થાય એટલે જાણવું કે હનુમંતતત્ત્વને પામવાનું પ્રથમ કદમ ભરી ચૂક્યા છીએ. સેવા કરતાં પહેલાં સેવા શબ્દને સમજી લેવાની જરૂર છે. અત્યારે જેટલા લોકો માટે સેવક કે સેવિકા શબ્દ વપરાય છે એ લોકોએ સેવાની વ્યાખ્યાને સાચા અર્થમાં સમજી લેવાની જરૂર છે. 

આ પણ વાંચો :  ભગવાનના ભજનમાં કસોટી આવે, વિઘ્ન ક્યારેય ન આવે

પ્રેમ નિર્ગુણ છે, નિરાકાર છે, પ્રેમ નામના નિર્ગુણ અને નિરાકાર તત્ત્વનું સગુણ અને સાકાર સ્વરૂપ સેવા છે, સેવાના કેન્દ્રમાં પ્રેમનું હોવું અનિવાર્ય છે. જે સેવાના કેન્દ્રમાં પૈસો, પદ કે પ્રતિષ્ઠાનું પ્રલોભન છે એ સેવા નથી, પરંતુ સમજૂતી છે. યાદ રાખજો કે સ્વાર્થી સેવા ઈશ્વરના સાક્ષાત્કારનું પ્રથમ ચરણ બની શકતી નથી.

સેવા એટલે માત્ર માણસની સેવા એવો સંકુચિત અર્થ કરશો નહીં. પશુની સેવા, પક્ષીની સેવા, વૃક્ષોની સેવા અને હું તો ત્યાં સુધી કહીશ કે માત્ર સજીવ નહીં, પરંતુ નિર્જીવની પણ સેવા થવી જોઈએ. નદીના પાણીમાં ગંદકી ન ફેંકવી એ નદીની સેવા છે.

હવામાં બિનજરૂરી પ્રદૂષણ ન ફેલાવવું એ વાયુની સેવા છે. અગ્નિનો સમજપૂર્વક અને માનવહિતમાં ઉપયોગ કરવો અને દુરુપયોગ ક્યારેય ન કરવો એ અગ્નિની સેવા છે. પાણી, વાયુ અને અગ્નિની સેવા થશે એટલે પૃથ્વી અને આકાશની સેવા આપોઆપ થઈ જશે. ટૂંકમાં વિશ્વની દરેક વ્યક્તિ અને વસ્તુમાં ઈશ્વરનું દર્શન કરવું એનું નામ સેવા છે. ઈશ્વર આ સૃષ્ટિનો સર્જક છે માટે કોઈ વ્યક્તિ કે વસ્તુ પ્રત્યે વેર રાખવું એ સર્જકનું અપમાન છે માટે હનુમાનજીના સાક્ષાત્કાર માટે પ્રથમ અનિવાર્ય લક્ષણ સેવા છે.

હનુમંતતત્ત્વ સમાન અન્ય ચાર તત્ત્વોની વાત હવે પછી કરીશું, જેમાં બીજા નંબરે આવે છે સ્મરણ, પણ એની વાત કરીશું આવતી કાલે.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists Morari Bapu astrology life and style