તટસ્થ સ્થિતિ સારી ભલે લાગે, પણ મધ્યસ્થ શ્રેષ્ઠ

29 February, 2024 08:56 AM IST  |  Mumbai | Morari Bapu

ધર્મક્ષેત્રના ઘણા માણસો કહે છે કે અમે કર્મમાં માનતા નથી અને એક વર્ગ તો એવો છે જે ધર્મ કે કર્મ બેમાંથી કશામાં માનતો નથી.

પૂજ્ય મોરારી બાપુ

ધર્મ, અર્થ અને કામને મોક્ષ દ્વારા સીંચવાના હોય.

આપણે ધર્મને દંભ દ્વારા સીંચીએ છીએ, અર્થને બેઈમાનીથી અને કામને આસક્તિથી. ત્રણેને મુક્તભાવથી ભોગવો. ધર્મને કર્તવ્યબુદ્ધિથી સીંચો. જે કાર્ય કરવાનો તમે નિર્ણય કરો એ તમારા હિતમાં અને બીજાના કલ્યાણ માટે હોય તો એ કાર્ય કર્તવ્યબુદ્ધિથી કરેલું કહેવાશે. અર્થને નિર્લોભી ભાવથી સીંચો, કામને અનાસક્ત ભાવથી સીંચો. કામ સાથે એકચિત્ત ન બનો. સંસારના ભોગમાં પણ ભગવદ્ સ્મરણ ચાલુ રાખો. બ્રહ્મથી ક્યારે અલગ ન થાવ. સીંચો એટલે ઉપભોગ નહીં, ઉપયોગી બનાવો. મૂળમાં સીંચો. મોક્ષને ત્રણ - ધર્મ, અર્થ, કામને મુક્તભાવે સીંચો. એનું નામ જ મોક્ષ. સ્વચિત્તમાં મગ્ન થઈ જાવ. શેષ અન્ય મગ્નતા ઉધાર છે. પરમહંસોની જેમ મસ્તીમાં રહો. સંસારમાં કઈ રીતે રહેવું એની ચાવીઓ જાણી લો.

પહેલી ચાવી છે તટસ્થ નહીં મધ્યસ્થ.
ભગવાન કૃષ્ણ તટસ્થ નથી, પરંતુ મધ્યસ્થ છે. અમુક જગ્યાએ તટસ્થ સ્થિતિ સારી લાગતી હશે, પરંતુ માણસે મધ્યસ્થ રહેવું જોઈએ. કૃષ્ણ ક્યારેક મેદાનની મધ્યમાં છે તો ક્યારેક મહેલની મધ્યમાં, ક્યારેક રાસની મધ્યમાં છે તો ક્યારેક ગીતાની મધ્યમાં છે. માનવીના જીવનનો રથ પણ ધર્મક્ષેત્ર અને કર્મક્ષેત્રની મધ્યમાં હોવો જોઈએ. ધર્મક્ષેત્રના ઘણા માણસો કહે છે કે અમે કર્મમાં માનતા નથી અને એક વર્ગ તો એવો છે જે ધર્મ કે કર્મ બેમાંથી કશામાં માનતો નથી. કિનારે બેસીને તમાશો જુએ છે અને પોતે તટસ્થ હોવાનું ગૌરવ અનુભવે છે. એક હાથથી સંસારને પકડવો, બીજા હાથથી સંન્યાસને પકડવો અને બેમાંથી એક પણ દિશામાં સરકી ન જવાય એ માટે સમ્યકભાવ કેળવવો એ સાચી મધ્યસ્થી છે, જેને જાળવી રાખવાનો હોય.

બીજા નંબરે છે યજમાન-મહેમાન.
એક દિવસ એક સંતના ઘરે મહેમાન આવ્યો. સંસારીએ સંતની ઝૂંપડીમાં જોયું તો કોઈ પણ પ્રકારની સુવિધા નહોતી. વિરક્તની કુટિયામાં વિદ્યા હોય, પણ સુવિધા એટલે કે રાચરચીલું ન હોય એ સ્વાભાવિક છે. એ જોઈને મહેમાન બોલ્યો કે આપની પાસે ફર્નિચર નથી? યજમાને જવાબ આપવાને બદલે પ્રતિપ્રશ્ન કર્યો કે તમે ફર્નિચર સાથે ન લાવ્યા? સંસારીએ જવાબ આપ્યો કે હું તો મહેમાન છું. ત્યારે સંતે બહુ વેધક જવાબ આપ્યો...

‘તું મહેમાન હોય તો હું પણ મહેમાન છું અને મહેમાન થઈને સાથે ફર્નિચર રખાય નહીં!’વાતની વેધકતાને સમજજો અને એને જીવનમાં ઉતારજો.

columnists Morari Bapu astrology