સત્યમ્, શિવમ્, સુંદરમ્ઃ અપનાવો તો જીવન ન્યાલ

03 April, 2024 11:10 AM IST  |  Mumbai | Morari Bapu

જીવનનાં ત્રણ પરમ સત્ય છે સત્યમ્, શિવમ , સુંદરમ્.

પૂજ્ય મોરારી બાપુની તસવીર

જીવનનાં ત્રણ પરમ સત્ય છે સત્યમ્, શિવમ , સુંદરમ્. જો તમે આ ત્રણ સત્યને જાણી લો, ઓળખી લો અને જીવનમાં અપનાવી લો તો ક્યારેય કોઈ દુઃખ તમારા સુધી પહોંચે નહીં. આ જે ત્રણ પરમ સત્ય છે એમાંથી આપણે સૌથી પહેલાં તો જાણીએ સત્યમ્.

બીજાને આનંદ આપવો હોય તો ખરો જ, પણ સામે આપણે પણ જો આનંદ પામવો હોય તો જીવનમાં સત્યને સ્વીકારવું રહ્યું. ઘણા લોકો ખોટું બોલતા હોય છે. ક્યારેક મમતા ખોટું બોલાવડાવે છે તો ક્યારેક માણસની મૂઢતા કાંઈક તેને ખોટું બોલવા પ્રેરે છે. કોઈકનો તો સ્વભાવ જ હોય છે ખોટું બોલવાનો. તેમને ખોટું પણ સત્ય બરાબર લાગે. કારણ વિના, નાહકનું અસત્ય આચરણ કરવું એનાથી મોટી ભૂલ જીવનમાં બીજી કોઈ નથી. હું તો કહીશ કે સત્યથી આગળ કે સત્યથી વિશેષ કંઈ હોય જ નહીં. જો રામની નજીક જવું હોય તો સત્યને સ્વીકારવું જોઈએ.

હવે વાત આવે છે શિવમ્‍‍ની.
શિવમ્‍‍ એટલે શિવ એવું માનવું, એવું ધારવું અધૂરું જ્ઞાન છે. શિવમ્ એટલે કલ્યાણ. કલ્યાણકારી પ્રવૃત્તિ કરે તે રામાનંદી. પોતાનું નહીં, બીજાનું કલ્યાણ કરવું જોઈએ. પરોપકાર તે ઉત્તમ ધર્મ છે. બધું શિવરૂપ છે એમ માનીને ચાલો. જેણે શિવમ્ સ્વીકાર્ય બનાવ્યો છે એના જીવનમાં કલ્યાણથી ઓછું કશું હોતું નથી. એ કરે પણ કલ્યાણ છે અને એનું પણ કલ્યાણ જ થતું રહે છે.

હવે વાત આવે છે સુંદરમ્‍‍ની.
સુંદરમ્ બહુ સહજ શબ્દ છે અને એનો ભાવાર્થ પણ એટલો જ સહજ છે. પ્રભુને સુંદર ગમે છે. એનો અર્થ એવો બિલકુલ નથી કે એને અસુંદર ન ગમે, એ અસુંદરનો પણ સ્વીકાર તો કરે જ છે, પણ અહીં જે સુંદરમની વાત છે એ ઈશ્વરને બેહદ વહાલી છે. વ્યક્તિના મન, ચિત્ત, વિચાર, દૃષ્ટિ, આચાર, ઉચ્ચાર સુંદર હોવાં જોઈએ. આ સુંદરતા હરિને ગમે છે. ઈશ્વરને આનંદિત રાખવો હોય તો આપણે બાહ્ય રીતે ભલે સુંદર ન હોઈએ, ચાલશે, કારણ કે શરીર નાશવંત છે, ઉંમર એની મેળે જ ફેરફાર લાવી દે છે, અતિ સુંદર દેખાતી વ્યક્તિ પણ ઉંમરની સાથે પોતાનું રૂપ ગુમાવવાનું શરૂ કરે છે તો ઉંમરની સાથે રૂપનો નિખાર આવતો હોય એવું પણ આપણે જોયું છે, પણ એ બાહ્ય સુંદરતાની વાત છે, ભીતરની સુંદરતાને કોઈ કાળ બાધિત નથી કરી શકતો. સાધુ ઉંમરલાયક થાય તો તેના શરીર પર કરચલીઓ આવશે, પણ ચિત્તમાં કરચલીઓ નહીં આવે.

columnists life and style Morari Bapu astrology