જીતની નહીં, જીવવાની ભાષા શીખવાની છે

21 February, 2024 08:23 AM IST  |  Mumbai | Morari Bapu

જીવવાની ભાષા જે કોઈ શીખી ગયું, અપનાવી ગયું, સહજ રીતે જાણી ગયું એ ક્યારેય દુખી થતો નથી,

પૂજ્ય મોરારી બાપુ

તમારા માટે પાંચ તેજસ્વી તારલા છે. આ પાંચ ચમકતાં સૂત્ર છે, પાંચ સિતારા છે હૃદયના આકાશ માટે. જેમ માણસના ભાગ્યમાં ગ્રહો હોય છે, એવા જ આ સિતારા છે. એ પાંચ સિતારામાંથી આપણે નિર્ભય, તટસ્થતા અને સ્વસ્થતાની વાત કરી. હવે વાત કરવાની છે બાકી રહેલા છેલ્લા બે સિતારાની, જેમાં સૌથી પહેલા આવે છે, નિષ્પક્ષ.

કોઈ માટે નિર્ણય ન લો. કોઈની એક ચોક્કસ આકૃતિ ન બનાવો કે આ માણસ તો આટલામાં જ છે. તમે તેની ભાવશુદ્ધિ જાણો છો. વાત આગળ વધારતાં પહેલાં કહી દઉં, ગીતાનો એક શબ્દ છે—ભાવશુદ્ધિ. મનમાં પણ ભાવશુદ્ધિ રાખો અને કોઈનો પણ નિર્ણય ન લો. ઉપરછલ્લો તો બિલકુલ નહીં લેવાનો. કોઈનું માપ ન કાઢો, તુલના કે સરખામણી ન કરો. એવું કરવાનું આવે ત્યારે પહેલાં પોતાને જુઓ અને એ પછી પણ બીજાનું માપ ન કાઢો. કોણ જાણે છે કે ઈશ્વરે કોને કેટલું આપ્યું છે? આપવું એ ઈશ્વરની ઇચ્છા છે તો પછી તમે કેવી રીતે નક્કી કરી શકો કે આ માણસ આટલામાં છે અને એની પાસે આટલું જ છે. ના, ક્યારેય નહીં. નિષ્પક્ષ રહો.

હવે વાત કરીએ અંતિમ એટલે કે પાંચમા સિતારાની, અહિંસા.અહીં માત્ર શારીરિક હિંસાની વાત નથી, જૈનો જે અહિંસાની વાત કરે છે એ જ અહિંસાનું પાલન કરવાનું છે. કોઈની હિંસા ન કરો. મનથી, કર્મથી, વચનથી કોઈને ન મારો, કોઈને ન જલાવો. કોઈના મનને, આત્માને જલાવવું, દુભાવવું, પીડાવવું એ બહુ મોટું પાપ છે. કોઈને ખરાબ શબ્દો કહીને અંદરથી તેનો આત્મા દુભાવવો, કોઈનું અપમાન કરી એને અંદરથી ધક્કો આપવો કે પછી કોઈ પ્રત્યે ઘૃણા રાખી તેના આત્માને દુખાવવો મોટું પાપ છે. જીવનમાં ક્યારેય એ પાપ લેવું નહીં.

નિર્ભય, તટસ્થતા, સ્વસ્થતા, નિષ્પક્ષ અને અહિંસા. આ પાંચ સિતારા જેણે પણ અપનાવી લીધા એનું જીવન ચમત્કૃત થઈ જશે એની ગૅરન્ટી હું આપું છું અને આ સિતારામાં જ જીવનનો સાર છે બાપ, કારણ કે જીવન જીવવા માટે જીતની ભાષા ભૂલવાની છે અને જીવવાની ભાષા શીખવાની છે. જીવવાની ભાષા જે કોઈ શીખી ગયું, અપનાવી ગયું, સહજ રીતે જાણી ગયું એ ક્યારેય દુખી થતો નથી, ક્યારેય તેને રંજ પણ રહેતો નથી, પણ પ્રશ્ન એ છે કે આ પાંચ સિતારા પ્રાપ્ત ક્યારે થાય.

ત્યારે જ્યારે, માણસ ભૌતિક એવી તમામ વસ્તુ છોડે, પણ એ વસ્તુ છોડવામાં તેણે ત્રણ વસ્તુ નથી છોડવાની અને એ અગત્યની ત્રણ વસ્તુ છે યજ્ઞ, દાન અને તપ. આ ત્રણ વસ્તુનો પ્રભાવ શું છે એની વાત હવે કરીશું, આપણે આવતી કાલે.

astrology columnists life and style Morari Bapu