Makar Sankranti 2024: 14 કે 15 કઈ તારીખે ઉજવાશે ઉત્તરાયણ? આ રીતે કરજો સૂર્યપૂજા

20 December, 2023 10:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Makar Sankranti 2024: જ્યોતિષ અને પંચાંગ અનુસાર મકરસંક્રાંતિનો તહેવાર 15 જાન્યુઆરીએ ઉજવવામાં આવશે. આ દિવસે સૂર્ય ભગવાન ધનુરાશિમાંથી નીકળીને 02:54 કલાકે મકર રાશિમાં પ્રવેશ કરવાના છે.

મકરસંક્રાંતિની પ્રતીકાત્મક તસવીર

થોડાક જ દિવસોમાં મકરસંક્રાંતિનો પર્વ (Makar Sankranti 2024) આવી રહ્યો છે. હિન્દુ ધર્મમાં તો આ પર્વનું વિશેષ મહત્વ રહેલું છે. ઘણા લોકો તો ગંગા સ્નાન પણ કરતાં હોય છે. જાણવું એ રહ્યું કે આ વર્ષે ઉતરાયણનો તહેવાર જાન્યુઆરી મહિનાની કઈ તારીખે ઉજવવામાં આવશે? આમ તો  આ તહેવાર જાન્યુઆરીની ચૌદમી કે પંદરમી તારીખે જ આવતો હોય છે.

આ પર્વના દિવસે દિવસ અને રાતનો સમય સમાન હોતો હોય છે. આ વખતે મકરસંક્રાંતિને લઈને લોકોના મનમાં મૂંઝવણ છે કે આ વર્ષે આ તહેવાર 14 જાન્યુઆરી કે 15 જાન્યુઆરીએ ઉજવવો? ચાલો જાણીએ કે વર્ષ 2024માં મકરસંક્રાંતિ ક્યારે ઉજવવાની છે. 

આ વર્ષે સંક્રાંતિ કઈ તારીખે ઉજવવામાં આવશે?

જ્યોતિષ અને પંચાંગ અનુસાર મકરસંક્રાંતિનો તહેવાર (Makar Sankranti 2024) 15 જાન્યુઆરીએ ઉજવવામાં આવશે. આ દિવસે સૂર્ય ભગવાન ધનુરાશિમાંથી નીકળીને 02:54 કલાકે મકર રાશિમાં પ્રવેશ કરવાના છે. માટે જ આ દિવસે આ તહેવાર ઉજવવામાં આવશે. મકરસંક્રાંતિનો પુણ્યકાલ સવારે 07:15થી સાંજે 06:21 સુધી હોવાનું માનવામાં આવી રહ્યું છે. સાથે જ મકરસંક્રાંતિનો મહા પુણ્યકાલ સવારે 07:15થી 09:06 સુધીનો રહેશે. 

મકરસંક્રાંતિને દિવસે કઈ રીતે પૂજા કરવી જોઈએ?

આ વર્ષે મકરસંક્રાંતિ (Makar Sankranti 2024) 15 જાન્યુઆરીએ ઉજવવામાં આવનાર છે. પૂજા કરવા માટે આ દિવસે વહેલું ઉઠવાનું હોય છે. સ્નાન કર્યા બાદ મોટેભાગે આ દિવસે પીળા વસ્ત્રો પહેરવા શુભ માનવામાં આવે છે, તેથી પીળા વસ્ત્રો પહેરીને સૂર્યદેવની પૂજા કરવી જોઈએ. ત્યારબાદ સૂર્ય ચાલીસાનો પાઠ કરવૉ જોઈએ. અંતે આરતી અને દાન કરવામાં આવે તો તે પુણ્ય આપે છે. માટે જ આ દિવસે દાન કરવાનું વિશેષ મહત્વ રહેલું છે.

શું છે મકરસંક્રાંતિનું મહત્વ? આ દિવસે કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ?

સૂર્ય જ્યારે ઉત્તરાયણ (Makar Sankranti 2024) કરે છે ત્યારે આ સમય દેવતાનો એટલે કે શુભ સમય માનવામાં આવે છે. એવી પણ માન્યતાઓ છે કે આ દિવસે સ્વર્ગના દરવાજા ખૂલતાં હોય છે. આ સમયે મોક્ષ પણ મળતો હોય છે. માટે જ મહાભારતમાં તીર વાગ્યા બાદ ભીષ્મ પિતામહે પોતાના પ્રાણ ત્યજવા માટે ઉત્તરાયણનો જ સમય પસંદ કર્યો હતો. હિન્દુ શાસ્ત્ર અનુસાર મકરસંક્રાંતિના દિવસે ગંગા સ્નાન કરવાથી સાત જન્મના પાપોમાંથી મુક્તિ મળે છે. ઘણા લોકો તો આ દિવસે તલ, અનાજ, તલ, ગોળ, કપડાં અને ધાબળા વગેરેનું દાન કરતાં હોય છે. આ રીતે દાન કરવાથી શનિદેવ અને સૂર્યદેવની કૃપા વરસતી હોય છે. આ સાથે જ આ દિવસે જે કોઈ નાનું મોટું દાન કરવામાં આવે પણ જો એ પૂરા દિલથી કરવામાં આવે તો તેનું ફળ સારું મળતું હોય છે.

makar sankranti hinduism astrology culture news life and style festivals