07 March, 2024 02:45 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મહાશિવરાત્રી માટે વાપરવામાં આવેલી ભગવાન શિવની મૂર્તિની તસવીર (ફાઈલ)
મહાશિવરાત્રી (Mahashivratri 2024) હિંદુ ધર્મમાં સૌથી શુભ તહેવારોમાંનો એક છે. આ મહાન તહેવાર શિવ અને શક્તિનું પ્રતીક છે અને ભોળાનાથના ભક્તો માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોય છે. હિંદુ પંચાંગ પ્રમાણે મહાશિવરાત્રિ દર વર્ષે માઘ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિના ઉજવવામાં આવે છે.
આ દિવસે શિવભક્તો મંદિરોમાં જાય છે અને ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરે છે અને મંત્રોચ્ચાર કરે છે. આ સાથે ભક્તો પણ આ દિવસે વ્રત રાખે છે અને ભગવાન શિવના આશીર્વાદ માટે પ્રાર્થના કરે છે. પરંતુ આ વર્ષે મહાશિવરાત્રીની તારીખને લઈને લોકોમાં મૂંઝવણ છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ આ વર્ષે મહાશિવરાત્રી ક્યારે ઉજવવામાં આવશે, પૂજાનો શુભ સમય પણ જાણી લો.
2024 માં મહાશિવરાત્રી ક્યારે છે:
હિંદુ કેલેન્ડર મુજબ આ વર્ષે મહાશિવરાત્રી 8 માર્ચ 2024ના રોજ ઉજવવામાં આવશે. આ ખાસ અવસર પર શિવભક્તો વિધિપૂર્વક ભગવાન ભોલેનાથ એવા દેવોના દેવ મહાદેવની પૂજા કરે છે અને ઉપવાસ પણ રાખે છે. આ સાથે જ મહાશિવરાત્રીના દિવસે લોકો સવારથી રાત સુધી જાગરણ કરીને ભગવાન શિવની પૂજા કરે છે.
મહાશિવરાત્રી 2024 શુભ સમય:
પંચાંગ અનુસાર, માઘ મહિનાની કૃષ્ણ પક્ષ ચતુર્દશી તિથિ 08 માર્ચ, 2024 ના રોજ રાત્રે 09:57 વાગ્યે શરૂ થશે અને 09 માર્ચ, 2024 ના રોજ સાંજે 06:17 વાગ્યે સમાપ્ત થશે.
ઉપવાસનો સમય:
મહાશિવરાત્રિ પર આખો દિવસ ઉપવાસ કર્યા પછી બીજા દિવસે એટલે કે 9 માર્ચે પારણા કરવામાં આવશે. આ દિવસે પારણા માટેનું શુભ મુહૂર્ત સવારે 06:37 થી બપોરે 03:28 સુધી છે.
મહાશિવરાત્રી શા માટે ઉજવવામાં આવે છે
ધાર્મિક માન્યતાઓ અનુસાર, મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન રાત્રે થયા હતા. એવી પણ માન્યતા છે કે મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવ પ્રથમ વખત પ્રગટ થયા હતા. કહેવાય છે કે આ દિવસે 64 અલગ-અલગ સ્થળોએ શિવલિંગ પ્રગટ થયા હતા. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી વ્યક્તિની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે.
નોંધનીય છે કે મહાશિવરાત્રીના દિવસે અનેક શિવ ભક્તો સવારે વહેલા નાહી-ધોઈને શિવ આરાધના માટે તૈયાર હોય છે તો કેટલાક ચાર પહોરની પૂજા કરીને શિવની આરાધના કરે છે. શિવના અસંખ્ય નામોમાં કોઈ તેમને ભોળાનાથ માનીને પૂજે છે તો કોઈ તેમના અર્ધનારીશ્વર સ્વરૂપને, તો કોઈક તેમના મહાકાલ રૂપને આમ એક જ શિવના અનેક રૂપ જે પ્રખ્યાત છે તે પૂજનીય છે પણ શિવના અનેક એવા પણ સ્વરૂપ છે જે ઓછા જાણીતા છે પણ તેમ છતાં એ શિવભક્તો દ્વારા પૂજનીય તો છે જ.
ભગવાન શ્રીરામ ભક્તિમાં જેમ હનુમાન મોખરે રહ્યા, શિવ ભક્તિમાં રાવણ અને કૃષ્ણ ભક્તિમાં મીરા, નરસિંહ અને સુદામાના ઉદાહરણ આપવામાં આવે છે ત્યારે અનેક એવા જ્ઞાની સંતો થઈ ગયા છે જેમણે શિવ સુધી પહોંચવાના અનેક સરળ માર્ગો જણાવ્યા છે અને શિવને પામ્યા છે. પણ આવા માર્ગો મોટેભાગે સંસ્કૃત અથવા અન્ય ભાષાઓમાં લખાયેલા હોવાથી ગુજરાતી શિવભક્તો માટે ભાષા દ્વારા છુપાયેલો ગૂઢાર્થ તેમની ભક્તિ, અધ્યાત્મમાં બાધારૂપ બને છે. ત્યારે ગુજરાતી ભાષામાં શિવપુરાણ આવી ગયું છે પરંતુ આજથી લગભગ 1100 વર્ષ પહેલા જે ઉત્પલ દેવ થઈ ગયા તેમણે જે શિવસ્તોત્રાવલિની રચના સંસ્કૃતમાં કરી હતી તેની શોધ કરી સંપૂર્ણ રિસર્ચ બાદ ગૌરાંગ અમીને ગુજરાતીમાં ખાસ આ પુસ્તક બહાર પાડ્યું છે.
ગુજરાતી ભાષામાં લગભગ આવું કોઈ પુસ્તક આ પહેલા લખાયું નથી. જો તમે શિવભક્ત છો અથવા અધ્યાત્મમાં માનો છો ત્યારે તો આ પુસ્તક તમારે માટે જ છે. તો જાણો આ પુસ્તકમાં એવું શું ખાસ છે કે તમારે આ પુસ્તક જીવનમાં એકવાર તો વાંચવું જ જોઈએ. તો ગૌરાંગ અમીને જણાવેલી એવી ખાસ વાતો જે તમને આ પુસ્તક ખરીદવા અને વાંચવા માટે જગાડશે ઉત્સુકતા.