જાણો ચંદ્રને મજબૂત કરવાના સરળ અને અદ્ભુત રસ્તાઓ

27 October, 2024 07:37 AM IST  |  Mumbai | Acharya Devvrat Jani

આજના કટ્ટર હરીફાઈ અને પ્રતિસ્પર્ધીના કાવાદાવાના સમયમાં મગજ પર કાબૂ ન હોવાનો મતલબ છે કે તમે ડર્બી જીતવા માટે રેસમાં ઊતરી ગયા, પણ તમારો અશ્વ બેકાબૂ બન્યો છે

પ્રતીકાત્મક તસવીર

મનોસ્થિતિ સાથે સીધો સંબંધ ધરાવતા ચંદ્રને મજબૂત કરવાનો સીધો અર્થ કે તમે તમારા મગજ પર કાબૂ મેળવો. આજના કટ્ટર હરીફાઈ અને પ્રતિસ્પર્ધીના કાવાદાવાના સમયમાં મગજ પર કાબૂ ન હોવાનો મતલબ છે કે તમે ડર્બી જીતવા માટે રેસમાં ઊતરી ગયા, પણ તમારો અશ્વ બેકાબૂ બન્યો છે

જ લેખના હેડિંગમાં કહ્યું એમ ચંદ્ર મારક પણ છે અને તારકની ભૂમિકા પણ ચંદ્ર જ ભજવે છે. ચંદ્રને મન સાથે સીધો સંબંધ છે. ચંદ્ર મસ્તક પર રાજ કરે છે અને એટલે જ જો તમે ચંદ્ર પર કાબૂ ન મેળવો તો અશાંતિ, વિમાસણ, મૂંઝવણ અને દુવિધાની અવસ્થા તમારે ભોગવવાની આવી શકે છે. ધારો કે તમે ચંદ્રને કાબૂમાં કર્યો તો તમે કોઈ પણ કટોકટીવાળી અવસ્થામાં પણ મગજને કાબૂમાં રાખીને સ્વસ્થતા સાથે નિર્ણય લેવાને સક્ષમ બનો છો. ચંદ્રનો સ્વભાવ દરિયા જેવો છે. એ સતત ભરતી અને ઓટ આપવાનું કાર્ય કરે છે. આ કાર્યમાં પણ જો મહતમ ભરતી જોઈતી હોય એટલે કે વિકાસશીલ વિચારધારા જોઈતી હોય તો તમારે ચંદ્રને વધુ ને વધુ મજબૂત કરવો જોઈએ.

ભારતીય જ્યોતિષશાસ્ત્ર ચંદ્ર આધારિત છે, જે દર્શાવે છે કે માનવના જીવનમાં ચંદ્રનું મહત્ત્વ કેટલું અદકેરું છે. ચંદ્રને કાયમી ધોરણે મજબૂત બનાવવાના કેટલાક સરળ રસ્તાઓ નીચે મુજબના છે.

ચંદ્ર અને મહાદેવ

ચંદ્ર અને મહાદેવને સીધો સંબંધો છે. તમે જોયું હોય તો મહાદેવની જટામાં બીજનો ચંદ્ર જોઈ શકાય છે. ચંદ્ર અને મહાદેવનો વાર પણ એક જ છે, સોમવાર અને ચંદ્ર તથા મહાદેવને પ્રસન્ન કરવાની વિધિમાં પણ મહાદેવ નિમિત્ત બને છે. સોમવારે મહાદેવ પર દૂધનો અભિષેક કરવાથી ચંદ્ર મજબૂત બને છે તો સાથોસાથ સોમવારના દિવસે ઘરે રાખેલા મંદિરની સફાઈ કરવાથી પણ ચંદ્ર મજબૂત બને છે તો ચંદ્રને મજબૂત કરવા માટે સોમવારે ગાયને બાફેલા ચોખા કે શેરડી ખવડાવવાથી પણ ચંદ્ર પ્રભાવશાળી બને છે.

ચંદ્રને મજબૂત કરવા માગતી વ્યક્તિએ શ્રાવણ મહિનો પણ કરવો જોઈએ.

ચંદ્ર અને પાણી

ચંદ્ર અને પાણીને સીધો સંબંધ છે. પાણીને કારણે ચંદ્રમાં મજબૂતી આવે છે. આ જ કારણ છે કે વધુમાં વધુ પાણી પીવું એ પણ ચંદ્ર માટે હિતદાયી છે. સવારે જાગીને સૌથી પહેલાં પાણી પીવામાં આવે અને એ પાણી પીતાં પહેલાં જો મનોમન તમારા ઈષ્ટદેવનું નામ લેવામાં આવે તો એનાં સકારાત્મક પરિણામો મળતાં હોય છે. સવારે જે રીતે પાણી પીધું એ જ રીતે રાતે પણ ઈષ્ટદેવનું સ્મરણ કરીને પાણી પીવામાં આવે તો મગજ શાંત થાય છે અને શાંત મગજની પહેલી સારી અસર એ છે કે એનાથી સાઉન્ડ સ્લીપ મળશે.

પ્લાન્ટેશન કરવું અને એને નિયમિત પાણી પીવડાવવું એ પણ ચંદ્રને મજબૂત કરવાની પ્રક્રિયા છે. જો ધાર્યાં કામ ન થતાં હોય તો અર્જુનનો છોડ વાવવો અને એને નિયમિત પાણી પીવડાવવું. અર્જુન વૃક્ષ છે એટલે એ કૂંડામાં લાંબો સમય રહેશે નહીં. છોડ મોટો થાય એટલે એને બહાર ખુલ્લામાં રોપી દેવો અને ફરીથી ઘર માટે નવો છોડ લાવવો.

ચંદ્ર અને ત્રાટકવિધિ

ચંદ્રને મજબૂત કરવાનો સૌથી અસરકારક જો કીમિયો હોય તો એ ચંદ્ર-ત્રાટક છે. એક પણ પ્રકારનો પ્રકાશ ન હોય એવી જગ્યાએ બેસીને ચંદ્ર સામે ત્રાટક કરવાથી ચંદ્રની પ્રકાશ-ગરિમા આંખો વાટે શરીરમાં ઊતરે છે. આ ઉપરાંત ચંદ્રના પ્રકાશમાં અને અન્ય પ્રકાશ ઓછામાં ઓછો આવતો હોય એવી જગ્યાએ આકાશની નીચે સૂવું પણ ચંદ્રને મજબૂત કરવાનું કામ કરે છે. જોકે મુંબઈ જેવાં શહેરોમાં ટેરેસનો અભાવ હોવાથી આ રીત અપનાવવી અઘરી છે, પણ એવું હોય તો વર્ષમાં બેથી ત્રણ દિવસ માટે ખુલ્લું આકાશ ધરાવતા હિલ-સ્ટેશન પર જઈને ત્યાં કૉટેજની બહાર સૂઈને પણ ચંદ્રને ઉજાગર કરવાની પ્રક્રિયા કરવી જોઈએ.

ચંદ્રને મજબૂત કરવાની અન્ય પણ એક રીત છે. ગાયના ઘીનો દીવો પ્રગટાવી રોજ રાતે અંધકાર કરી એ દીવા સામે પાંપણ ફરકાવ્યા વિના એકધારું જોવું. શરૂઆતમાં થોડી ક્ષણોથી વધારે જોઈ નહીં શકાય પણ પ્રૅક્ટિસ પછી વધારે સમય ત્રાટક કરી શકાશે. આ વિધિ કરતાં પહેલાં જરૂરી હોય તો આંખના ડૉક્ટરની સલાહ લઈ લેવી.

ચંદ્ર અને ચોખા

ચોખા અને ચંદ્રને પણ સીધો સંબંધ છે એટલે ચોખાનું દાન કરવામાં આવે તો એનાથી ચંદ્ર મજબૂત થાય છે અને મનોબળ મક્કમ થાય છે. જો શક્ય હોય તો દર મહિને સુદની એકાદશીના દિવસે જરૂરિયાતમંદને ચોખા દાનમાં આપવા. આ ઉપરાંત પ્રાણીઓને દૂધ પીવડાવવું એ પણ ચંદ્રને મજબૂત કરે છે.

ચંદ્ર માનસિક શાંતિનું કામ કરે છે. જે વધારેમાં વધારે ચાંદી ધારણ કરે છે તે પણ મનથી શાંતિ પ્રાપ્ત કરતો થાય છે.

 

astrology life and style columnists