સદ‍્ભાવ, અન્નદાન ને ભણતરની ગણના વિશ્વનાં શ્રેષ્ઠ દાનમાં થાય છે

12 January, 2025 08:35 AM IST  |  Mumbai | Acharya Devvrat Jani

સદ્‍ભાવ એવી ભાવના છે જે મેળવવા દુઃખદ યાતનામાંથી પસાર થવું પડે અને આ જ કારણે સદ્‍ભાવ આપનારી વ્યક્તિને શાસ્ત્રોમાં શ્રેષ્ઠ દાનવીર ગણવામાં આવી છે

ફાઇલ તસવીર

મકરસંક્રાન્તિમાં દાન આપવાની પરંપરા સદીઓ જૂની છે અને સેંકડો લોકો એનું પાલન કરે છે તો અઢળક એવા પણ છે જે વર્ષ દરમ્યાન પણ દાન આપવાનું કાર્ય કરતા રહે છે. દાન આપવા માટે ધનવાન હોવું જરૂરી નથી એ વાત યાદ રાખજો. બને કે તમે આર્થિક દાન ન કરી શકો પણ એની સામે તમે શારીરિક, માનસિક અને સામાજિક સ્તર પર ઘણું એવું કામ કરી લેતા હો જે શ્રીમંત ન કરી શકતો હોય. એટલે જ શાસ્ત્રોમાં કહેવાયું છે કે યથાશક્તિ દાન કરતાં રહેવું જોઈએ. આજે આપણે અહીં ત્રણ એવાં દાનની વાત કરવી છે જેને વિશ્વનાં શ્રેષ્ઠ દાન ગણવામાં આવ્યાં છે, જેમાં સૌથી પહેલા સ્થાન પર આવે છે સદ્ભાવ.

કોઈનો સદ્ભાવ ત્યારે જ મળે જ્યારે કોઈ યાતના, પીડા કે તકલીફમાંથી પસાર થતો હોય. આ જે યાતના કે તકલીફ છે એ ક્યારેય કોઈ સામે ચાલીને માગે નહીં એટલે સદ્ભાવ મેળવવા માટે કોઈ નાટક કરે એવું બને નહીં.

સદ્ભાવ છે શ્રેષ્ઠ

દુન્યવી ચીજવસ્તુ કોઈ પણ આપી શકે કે કોઈ પણ રીતે એ મેળવી શકાય; પણ વ્યક્તિ જ્યારે ભાંગી પડી હોય, તૂટી ગઈ હોય એવા સમયે તેને આપવામાં આવેલી સાંત્વના ‘હું તમારી સાથે છું’ જેવા શબ્દો તેને નવેસરથી ઊભા થવાની હિંમત આપે છે. સદ્ભાવનાને હિંમતદાન ગણવામાં આવ્યું છે. સદ્ભાવનું દાન સૌથી વિશિષ્ટ ગણવામાં આવ્યું હોવાથી જ આપણે ત્યાં મરણ પ્રસંગે ઉઠમણું, બેસણું અને પ્રાર્થનાસભાની પ્રથા પડી છે. તૂટતાને સહારો આપવો, સારા શબ્દો કહેવા કે સધિયારો આપવો સહેજ પણ અઘરું નથી પણ આજની આ ફાસ્ટ લાઇફમાં લોકો પાસે એટલો પણ સમય નથી, જેને લીધે સમય આવ્યે તેને પણ વળતરમાં આ સદ્ભાવ નથી મળતો એટલે તમારી તકલીફના સમયમાં કોઈ સાથે રહે એવી ક્યાંક ઊંડ-ઊંડે અપેક્ષા હોય તો આજે એ કામ તમે કરજો.

બીજા નંબરે આવે છે અન્નદાન.

અન્નદાન છે અદકેરું

આપણે ત્યાં કહેવાયું છે, પેટ કરાવે વેઠ. જો માણસ વેઠ ન કરે એવું આપણે ઇચ્છતા હોઈએ તો તેના પર ભૂખ હાવી થાય એ પહેલાં જ તેને અન્નદાન મળવું જોઈએ. અન્ન ન મળવાના કારણે વ્યક્તિનું જીવન આખું બદલાઈ શકે છે અને એટલે જ અન્નને શાસ્ત્રોમાં આવશ્યક દાન ગણાવ્યું છે. તમે જ વિચારો કે જેને ભૂખ લાગી છે તેને વર્સાચીનું શૂટ કે ગુચીનાં શૂઝ મળી જાય તો કોઈ ફરક પડવાનો નથી. ઊલટાનું તેને મળેલા એ દાનનું મૂલ્ય પણ નહીં રહે અને તે એ ફેંકી દે એવું પણ બની શકે. બિનજરૂરી કરવામાં આવેલું દાન એળે જતું હોય છે, પણ ધારો કે ભૂખ્યાને ભોજન મળે તો તે અંતરથી આશીર્વાદ આપશે અને શિવપુરાણમાં કહેવાયું છે કે અંતરથી આશીર્વાદ મળે એ દાન સર્વોચ્ચ દાન. એટલે દાન કરતી વખતે એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે સામેવાળાની આવશ્યકતા કઈ છે અને તેને શેની તાતી જરૂર છે.

ત્રીજા નંબરે આવે છે ભણતર. શાસ્ત્રોમાં કહેવાયું છે કે અભ્યાસથી ઉત્તમ કોઈ દાન ન હોઈ શકે, કારણ કે અભ્યાસ થકી વ્યક્તિનું ભવિષ્ય સુધરતું હોય છે.

અભ્યાસ છે અવ્વલ

અનેક જ્ઞાની પુરુષ કહી ચૂક્યા છે કે જો સંભવ હોય, આર્થિક સગવડ હોય તો એવા કોઈને ભણાવો જે પોતાની નબળી આર્થિક અવસ્થા વચ્ચે સ્કૂલ જઈ ન શકતું હોય. ભણતરથી ઊંચું કોઈ દાન નથી, કારણ કે ભણતર થકી વ્યક્તિનું ભવિષ્ય સુધરતું હોય છે. ભણતરનું દાન એક એવું દાન છે જેને વ્યક્તિ ક્યારેય ભૂલી નથી શકતી. તેનામાં કૃતજ્ઞભાવ અકબંધ રહે છે અને એ ભાવના કારણે ભણતરનું દાન કરનારાને સતત સદ્ભાવ મળતો રહે છે. શિક્ષક દ્વારા ભણાવવામાં આવે છે, જેને સર્વોચ્ચ દાન ગણવામાં આવ્યું છે અને આ જ કારણે શિક્ષકોને ગુરુનું સ્થાન આપવામાં આવ્યું છે. શિક્ષણ આપવાનું બીજું કામ મા કરે છે, જેને કારણે માને પણ ગુરુનું સ્થાન આપવામાં આવ્યું છે. જો સંભવ હોય તો શિક્ષણનું દાન અવશ્ય કરો. ધારો કે એ જવાબદારી કાયમ માટે લઈ શકાતી ન હોય તો જરૂરિયાતમંદને પુસ્તકો લઈ આપીને પણ શિક્ષણદાનમાં સહયોગી બની શકાય છે.

જો આ ત્રણ પૈકી કોઈ દાન કરવું સંભવ ન હોય તો યાદ રાખો, વ્યક્તિની આવશ્યકતા મુજબનું એટલે કે જેને જેની જરૂર હોય એનું દાન કરો. જરૂરિયાત સમયે મનમાંથી નીકળેલો ભાવ સ્વર્ગ સુધી લઈ જવાનું કામ કરે છે.

astrology horoscope life and style columnists