29 April, 2024 09:14 AM IST | Mumbai | Acharya Rajratnasundersurishwarji Maharaj
રત્નસુંદરસૂરીશ્વરજી મ. સાની તસવીર
દુર્ભાવ અને દુષ્ટભાવ, આભ્યંતર જગતનાં આ બે પરિબળો એવાં છે જેમાંના એકાદ પણ પરિબળનો શિકાર જો કોઈ ઉચ્ચ કોટિનો સાધક બની જાય તો તેય સાધનાની તેની તમામ તાકાત ગુમાવી બેસે છે. જ્યારે શુભભાવ, સદ્ભાવ અને સમર્પણભાવ એ ત્રણ પરિબળો એવાં છે જેમાંના એકાદ પણ પરિબળનો સ્વામી જો કોઈ બની જાય તો એ આત્મા સાધના ક્ષેત્રે કદાચ કંગાળ હોય છે તો પણ સદ્ગતિ મેળવવામાં એને કોઈ જ તકલીફ પડતી નથી.
દુર્ભાવ સરળતમ છે, દુષ્ટભાવ સરળ છે, શુભ ભાવ કઠિન છે, સદ્ભાવ કઠિનતર છે તો સમર્પણ ભાવ તો કઠિનતમ છે.થોડા દિવસ પહેલાં એક રવિવારની સાંજના પ્રતિક્રમણ બાદ એક યુવક મળવા આવ્યો. પ્રવચનમાં તે રોજ આવી રહ્યો છે, તેના પર મારું ધ્યાન. એક વાર રૂબરૂ મળી ગયો હતો એટલે એ પણ ખબર કે યુવક જૈનેતર છે અને છતાં નિયમિત આરાધનામાં તે જોડાતો રહ્યો છે.
વાતની શરૂઆત કરતાં પહેલું વાક્ય તે આ બોલ્યો કે ‘અત્યારે જે સાંભળવા મળી રહ્યું છે, જે ભાવ જાણવા મળી રહ્યા છે એનો તો હૈયે પારાવાર આનંદ છે જ છે, પણ સાથોસાથ મનમાં એક પ્રકારની ગ્લાનિ પણ અનુભવાય છે કે હું આટલો બધો મોડો કેમ પડ્યો, કેમ હું પહેલાં આવ્યો નહીં.’
‘એક સરસ ઉક્તિ છે, જાગ્યા ત્યારથી સવાર એટલે બાકીના દિવસોની રાત વિશે બહુ વિચારવું નહીં.’ મેં સવાલ કર્યો, ‘આજે મળવાનું કોઈ ખાસ કારણ?’ ‘હા ગુરુદેવ, એક સવાલ લઈને આવ્યો છું.’ તે યુવકે કહ્યું, ‘અમારા સંપ્રદાયમાં એવી માન્યતા પ્રવર્તે છે કે સમર્પિત શિષ્યના જીવનમાં રહેલી તમામ પ્રકારની પીડાઓ અને દુખો ગુરુ લઈ લે છે. આ માન્યતા સાચી છે કે ખોટી એ મારે નથી જાણવું, પણ જાણવું એટલું જ છે કે આપના સંપ્રદાયમાં આવી કોઈ માન્યતા ખરી?’ ‘ના, શિષ્યની પીડાઓમાં ગુરુ તેને સમ્યક્ સમજ આપવા દ્વારા સમાધિમાં નિમિત્ત જરૂર બની શકે, પણ તેની પીડા લઈ તો ન જ શકે...’
‘મારી આપને એક વિનંતી છે...’ યુવકે હાથ જોડીને કહ્યું, ‘મારી પીડા આપ લઈ લો કે ન લો, મારે એ વિશે કશું કહેવું નથી, પણ આપના જીવનની જે પણ પીડાઓ હોય એ તમામ પીડાઓ મારામાં સંક્રાન્ત થઈ જાય એવી મારી અંતરની ઇચ્છા છે. પ્રાર્થું છું કે પ્રભુ મારી આ ઇચ્છાને સફળ બનાવીને જ રહે.’ જરા વિચારો કે આ સ્તરનો ભાવ ધરાવતા શિષ્ય જો ઈશ્વર આપી શકતો હોય તો એ ઈશ્વર બીજું શું-શું આપવાનું સામર્થ્ય ધરાવતો હશે.