20 May, 2024 08:14 AM IST | Mumbai | Acharya Rajratnasundersurishwarji Maharaj
જૈનાચાર્ય વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મ. સા.
મન અને અંતઃકરણ, વિચાર અને લાગણી, તર્ક અને શ્રદ્ધા, દલીલ અને દિલ, આગ્રહ અને સમર્પણ, સુખ અને આનંદ આ તમામ દ્વંદ્વોના પરિણામને સહજતાથી સમજવું હોય તો કહી શકાય કે પોતાના સુખને સલામત રાખવા સામેની વ્યક્તિને દુઃખ દેવું પડે કે સામાના દુઃખની ઉપેક્ષા કરવી પડે તો એ માટે જે તૈયાર હોય છે એનું નામ મન હોય છે, વિચાર હોય છે, તર્ક હોય છે, દલીલ હોય છે, આગ્રહ હોય છે. જ્યારે સામાના સુખને સલામત રાખવા કે સામાને સુખી કરવા પોતાને દુઃખી રહેવું પડે કે પોતાને દુઃખ વેઠવું પડે તો એ માટે જે તૈયાર હોય છે એનું નામ અંતઃકરણ હોય છે, લાગણી હોય છે, શ્રદ્ધા હોય છે, દિલ હોય છે, સમર્પણ હોય છે. આ સંદર્ભમાં એમ કહી શકાય કે આ જગતમાં જીવો સામાન્યપણે ચાર પ્રકારના છે...
પહેલો પ્રકાર છે બીજાને સુખી કરીને રાજી થાય.
જે આત્મા પુણ્યના ઉદયથી પોતાને જે પણ શક્તિ, સંપત્તિ કે સામગ્રી મળી હોય એનો બીજાને સુખી કરવામાં, શાતા અને સમાધિ આપવામાં સદુપયોગ કરતો રહે એ આત્માનો નંબર આ પ્રથમ નંબરના જીવોમાં આવે.
બીજાને સુખી જોઈને રાજી થાય એ આ બીજા પ્રકારનો જીવ છે.
પોતાના પુણ્ય અને પુરુષાર્થના જોરે જે પણ વ્યક્તિ સફળતાના, શક્તિના, સંપત્તિના, સાધનના કે સાધનાના ક્ષેત્રે આગળ વધી રહી હોય તેને જોઈને જેના હૈયામાં ઈર્ષ્યાનો ભાવ ન જાગતાં પ્રસન્નતાનો ભાવ જાગતો હોય એ આત્માનો નંબર આ બીજા નંબરના જીવોમાં આવે.
હવે વાત કરીએ ત્રીજા નંબરના લોકોની, જેઓ બીજાને દુઃખી જોઈને રાજી થાય.
પાપકર્મના ઉદયે કે અવળા પુરુષાર્થે સામી વ્યક્તિ કષ્ટોમાં કે અગવડોમાં મુકાઈ ગઈ હોય, દુઃખ કે તકલીફોને વેઠી રહી હોય તો એ જોઈને જે જીવ રાજી થતો હોય એનો નંબર આ ત્રીજા નંબરના જીવોમાં આવે.
હવે વાત ચોથા નંબરની વ્યક્તિની જે બીજાને દુ:ખી કરીને રાજી થાય.
રાજરમત અને છળકપટ કરીને સામી વ્યક્તિને જે દુઃખી કરતો રહે અને એને દુઃખમાં સબડતો જોઈને જેને આનંદ આવતો હોય એ જીવનો નંબર આ ચોથા નંબરના જીવોમાં આવે. સ્થૂળદૃષ્ટિથી કહેવું હોય તો એમ કહી શકાય કે પ્રથમ નંબરના જીવોનો સમાવેશ ‘ઉત્તમ’માં થાય, બીજા નંબરના જીવોનો સમાવેશ ‘મધ્યમ’માં થાય, ત્રીજા નંબરના જીવોનો સમાવેશ ‘ધમ’માં થાય અને ચોથા નંબરના જીવોનો સમાવેશ ‘અધમાધમ’માં થાય. નક્કી તમે કરજો કે તમે કઈ કૅટેગરીમાં આવો છો?