08 February, 2023 05:27 PM IST | Mumbai | Morari Bapu
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
મનુષ્યમાં પાંચ તત્ત્વનો મેળાપ થાય એટલે પવનપુત્રનો સાક્ષાત્કાર થયો કહેવાય. આ પાંચ તત્ત્વ પૈકીના સેવા અને સ્મરણની વાત પૂરી કરી. આપણે ત્રીજા તત્ત્વ સમજણની વાત કરતા હતા. અગાઉ તમને કહ્યું એમ, ગાંધીજીના ત્રણ વાંદરા પૈકી પહેલો વાનર કહે છે કે હું અસત્ય બોલીશ નહીં. બીજો વાનર કહે છે કે હું અસત્ય જોઈશ નહીં અને ત્રીજો વાનર કહે છે કે હું અસત્ય સાંભળીશ નહીં. આ ત્રણ વાંદરા સામે મેં તો ચોથા વાંદરાની જરૂરિયાત પણ એક કથામાં કહી હતી. મેં કહ્યું હતું કે ગાંધીજીના ત્રણ વાંદરામાં ચોથો વાનર ઉમેરવાની જરૂર છે, જે પોતાના બન્ને હાથ પેટ પર રાખીને એમ કહે કે હું હરામનું ખાઉં નહીં.
આહાર શુદ્ધ હોય તો મન શુદ્ધ રહે અને મન શુદ્ધ હોય તો માનવીનાં વાણી, વર્તન અને વિચાર શુદ્ધ રહે અને સૌનાં વાણી-વર્તન અને વિચાર શુદ્ધ રહે તો આખું વિશ્વ શુદ્ધ રહે, જે શુદ્ધતાની સૌકોઈને તાતી જરૂર છે.
હવે વાત કરીએ ચોથા તત્ત્વની, જે છે સેતુ.
ચોથું સોપાન સેતુ છે. જે રીતે સેવાના કેન્દ્રમાં પ્રેમ છે, સ્મરણના કેન્દ્રમાં સત્ય છે, સમજણમાં જ્ઞાન છુપાયેલું છે, એવી જ રીતે સેતુમાં કરુણા છુપાયેલી છે. સમાજમાં એક બાજુ અમીર છે તો બીજી બાજુ ગરીબ છે, બન્ને વચ્ચે સંપત્તિના તફાવતનો દરિયો છે. સમાજમાં એક બાજુ શિક્ષિત છે તો બીજી બાજુ અભણ છે. બન્ને વચ્ચે શિક્ષણના તફાવતનો દરિયો છે. સમાજમાં એક બાજુ હિન્દુ છે તો બીજી બાજુ મુસ્લિમ છે, બન્ને વચ્ચે કોમના તફાવતનો દરિયો છે. સમાજમાં એક બાજુ સવર્ણ છે તો બીજી બાજુ પછાત છે, બન્ને વચ્ચે કુળના તફાવતનો દરિયો છે.
સીતા નામની શાંતિ સુધી પહોંચવા માટે ભગવાન રામે રીંછ અને વાનરોની સહાયથી ભારતથી લંકા સુધીનો સેતુ બાંધ્યો હતો, જેની કથા છેલ્લા ૬ દાયકાથી કરું છું, પરંતુ સમગ્ર વિશ્વને શાંતિરૂપી સીતા મળે એ માટે એક એવા સેતુની જરૂર છે જે અમીર અને ગરીબને જોડી શકે, જે શિક્ષિત અને અભણને જોડી શકે, જે હિન્દુ અને મુસ્લિમને જોડી શકે, જે સવર્ણ અને પછાતને જોડી શકે. જો આવો સેતુ બાંધી શકાય તો સમજવું કે હનુમાન આપણી સાથે જ છે, કારણ કે હનુમાનજીની સહાય વગર રામ પણ સેતુ બાંધી નહોતા શક્યા, એ ભૂલવું નહીં. સેતુ બનજો, સેતુ ખાઈ પૂરવાનું કામ કરે છે અને એ ખાઈ પૂરે છે જેની ભયાનક ઊંડાઈમાં અનેક લોકો ખેંચાઈ જાય છે, તણાઈ જાય છે માટે ખાઈ પૂરનારા સેતુ બની સમાજના બે છેડા એક કરે એના પર હનુમંતની અપરંપાર કૃપા છે એવું માનવું.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)