07 July, 2024 08:10 AM IST | Mumbai | Acharya Devvrat Jani
પ્રતીકાત્મક તસવીર
સારી ચીજવસ્તુ વાપરવી કે પછી સારી રીતે તૈયાર થયેલા રહેવું એ જેમ શુક્રને ખુશ કરનારી વાત છે તો એવી જ રીતે તૂટેલી ચીજવસ્તુઓનો ઉપયોગ કરવો એ રાહુ અને શનિને આકર્ષિત કરનારી પ્રક્રિયા છે. રાહુ જો આકર્ષિત થાય તો કેટલાંક કામોમાં ઉપયોગી બને, પણ એ કામો એવાં છે જે મોટા ભાગના સીધી લાઇનના લોકો કરતા નથી હોતા અને એવું જ શનિનું છે. જો શનિનું આકર્ષણ વધે તો કામ લંબાયા કરે, ખેંચાયા કરે અને એનું કોઈ પરિણામ મળે નહીં; માટે હંમેશાં પ્રયાસ કરવો કે રોજબરોજની ચીજવસ્તુઓ અકબંધ હોય, એ તૂટેલીફૂટેલી ન હોય. કઈ ચીજવસ્તુ તૂટેલી હોય તો નુકસાનકર્તા અને કામમાં વિઘ્નકર્તા બને છે એ જાણવા જેવું છે.
૧. ફાટેલું કે તૂટેલું પર્સ ન વાપરો
એ દરિદ્રતાની નિશાની છે, માટે ક્યારેય ફાટેલું કે તૂટેલું પર્સ વાપરવું ન જોઈએ. પર્સ માટે એક નિયમ બનાવવો જોઈએ કે વીકમાં એક વાર એ બરાબર ચેક થાય અને પર્સ ક્યાંયથી ફાટ્યું છે કે નહીં એ ચેક કરવામાં આવે તો સાથોસાથ એ પણ ચેક કરી લેવું કે પર્સમાં અર્થહીન ચીજવસ્તુઓ ન રહે. આ તમારું પર્સ છે, જેમાં તમે લક્ષ્મી રાખો છો જે કમાવવા માટેની બધી મથામણ હોય છે. આવા સમયે પર્સને કબાડીખાનું બનાવી દેવું યોગ્ય નથી. પર્સમાં કેટલીક ચીજો ખાસ રાખવી જોઈએ, પણ એ એક અલગ વિષય છે એટલે આપણે એની ચર્ચા ભવિષ્યમાં કરીશું, પણ અત્યારે મહત્ત્વનું એ છે કે દરિદ્રતાને આકર્ષતું ફાટેલું કે તૂટેલું પર્સ વાપરવું નહીં. મહિનાઓથી વાપરવાને કારણે આકાર બદલાઈ ગયો હોય એવું પર્સ પણ વાપરવું જોઈએ નહીં.
આ સઘળી વાત સ્ત્રી-પુરુષ બન્નેને લાગુ પડે છે. સ્ત્રીઓને ખાસ સલાહ. જો મોટા પર્સમાં એક અલાયદું પર્સ રાખીને એમાં મેકઅપનો સામાન રાખતાં હો તો એ પર્સ પણ ફાટેલું કે તૂટેલું ન હોય એનું ધ્યાન રાખવું.
૨. ચંપલ કે શૂઝ ક્યારેય તૂટેલાં વાપરવાં નહીં
આમ તો જોકે તૂટેલાં ચંપલ કે શૂઝ પહેરવાં ફાવે પણ નહીં એટલે મોટા ભાગે તો લોકો તરત એ રિપેર કરાવી લેતા હોય છે, પણ પ્રયાસ કરવો કે ચંપલ-શૂઝ તૂટે એ પછી જો નવાં લઈ શકાય તો એ નવાં લઈ લેવાં. જરૂરી નથી કે દરેક વખતે મોંઘી બ્રૅન્ડના જ એ લેવાતાં હોય. સામાન્ય ચંપલ-શૂઝ પણ રોજબરોજના વપરાશમાં પહેરી શકાય. ચંપલ-શૂઝ તૂટે ત્યારે એવું પુરવાર થતું હોય છે કે જો ધ્યાન નહીં રાખો તો આવતાં સમયમાં આગળ વધવામાં અડચણો વધી શકે છે. અડચણો ઊભી થાય એ પહેલાં જ એને ડામી દેવામાં શાણપણ છે, માટે પહેલો પ્રયત્ન કરવો કે નવાં ચંપલ-શૂઝ ખરીદવાં અને ધારો કે એ કામ ન થઈ શકે તો પ્રયાસ કરવો કે તૂટેલાં ચંપલ-શૂઝ એવી રીતે રિપેર કરાવવાં કે જેથી કોઈને એનો અણસાર ન આવે.
આજકાલ શૂઝમાં તો ક્લોથ મટીરિયલનો વપરાશ વધ્યો છે, જો એમાં ક્લોથ ફાટી ગયું હોય તો એને રિપેર કરાવવાને બદલે નવાં શૂઝ ખરીદવાં જોઈએ.
૩. ક્યારેય બંધ રિસ્ટવૉચ પહેરવી નહીં
સૌથી પહેલાં તો અગત્યની વાત, રિસ્ટવૉચ દરેકેદરેક વર્કિંગ-પર્સને પહેરવી જ જોઈએ અને એ પણ સ્માર્ટવૉચ નહીં, પહેલાં પહેરાતી એવી ડાયલવાળી વૉચ. ધારો કે સ્માર્ટવૉચ પહેરતા થઈ ગયા હો તો પ્રયાસ કરો કે એમાં ટાઇમ દેખાડવા માટે ડિજિટલ આંકડાઓને બદલે ડાયલવાળી વૉચ સેટ કરવી. રિસ્ટવૉચ બંધ પડી ગઈ હોય તો બધાં કામ પડતાં મૂકીને પહેલાં એ ચાલુ કરાવવાનું કામ કરવું જોઈએ. બંધ પડેલી રિસ્ટવૉચ સૂચવે છે કે સમય તમને રોકવાની પ્રક્રિયા કરવા તત્પર છે. બીજી વાત, તમારી આસપાસ રહેલી તમામ વૉચનો સમય એક જ સેટ કરેલો રાખવો. રિસ્ટવૉચથી માંડીને ઘરની, ઑફિસની કે મોબાઇલની ક્લૉક બધાનો ટાઇમ એક રાખવો. બધી ક્લૉકમાં અલગ-અલગ ટાઇમ રાખનારા સમય વચ્ચે ઝોલાં ખાવાં સિવાય બીજું કશું કરતા નથી હોતા.
રિસ્ટવૉચ ગિફ્ટ આપવી નહીં અને ધારો કે આપો તો એ બ્લૅક કલરના ડાયલવાળી રિસ્ટવૉચ ન હોય એનું ધ્યાન રાખવું. આ વિષય પર પણ ભવિષ્યમાં વિગતવાર વાત કરીશું કે કેવા કલરના ડાયલની રિસ્ટવૉચ કયા પ્રકારના પ્રોફેશનમાં લાભદાયી પુરવાર થાય છે.