જો આ પ્રાણી તમારી આસપાસ હોય તો માનો કે તમારી પ્રગતિ નક્કી છે

25 August, 2024 07:14 AM IST  |  Mumbai | Acharya Devvrat Jani

ફોટોના સ્વરૂપમાં કે મૂર્તિના રૂપમાં કે પછી રિયલમાં એ તમારી આસપાસ હોય, પણ એટલું નક્કી કે જો એ તમારી આજુબાજુમાં હોય તો ચોક્કસપણે તમારો વિકાસ નિશ્ચિત છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય - મિડ જર્ની)

દરેક પ્રાણીની પોતાની એક અસર છે એ ક્યારેય ભૂલવું નહીં તો એ પણ એટલું જ સાચું છે કે કોઈ એક પ્રાણી જો તમને વારંવાર જોવા મળતું હોય તો એ કોઈ સંદેશો લઈને તમારી પાસે આવે છે. આજે આપણે એવાં જ કેટલાંક પ્રાણીઓની વાત કરવી છે જેમનું આસપાસ હોવું બહુ શુકનવંતું છે. પ્રોગ્રેસના પ્રતીક સમાન એ પ્રાણી કોઈ પણ રૂપમાં તમારી આજુબાજુમાં હોય તો એનો લાભ અચૂક મળે છે. એ લિસ્ટમાં સૌથી પહેલાં આવે છે દેડકો.

દેડકો શું સૂચવે છે?

તમને જાણીને નવાઈ લાગશે, પણ આખું જગત ખાઈ શકતા ચાઇનીઝ લોકોએ ફેંગશુઈમાં દેડકાને શુકનવંતો દેખાડ્યો છે અને એટલે જ આજે પણ ચીનમાં એક વર્ગ એવો છે જે દેડકાને પવિત્ર માનીને એને ખાવાનું ટાળે છે. દેડકાને હિન્દુ શાસ્ત્રોમાં પણ વિકાસશીલ અને શુકનવંતો ગણવામાં આવ્યો છે. ફેંગશુઈમાં મોઢામાં કૉઇન લઈને બેઠેલા દેડકાની પ્રતિકૃતિ રાખવાની પરંપરા છે, જે પાળવામાં કશું ખોટું નથી. દેડકાની એ મૂર્તિને કાં તો તમારા કન્સલ્ટન્ટ કહે એ સ્થાને મૂકવી જોઈએ અને જો કોઈએ સૂચવ્યું ન હોય તો દેડકાની મૂર્તિને સાઉથ-વેસ્ટ કૉર્નરમાં કે પછી તિજોરીમાં મૂકવી. એક વાત યાદ રાખવી કે જ્યારે પણ કોઈ મૂર્તિ રાખવાની વાત થાય ત્યારે ધ્યાન રાખવું કે એ મૂર્તિ પોલી ન હોય. ઘરમાં હંમેશાં નક્કર મૂર્તિ જ રાખવી જોઈએ.

દેડકો પૈસાને ખેંચી લાવવાનું અને વિકાસને ઝડપી બનાવવાનું કામ કરે છે.

કાચબો શું સૂચવે છે?

કાચબાને પણ ફેંગશુઈમાં અત્યંત પવિત્ર માનવામાં આવ્યો છે અને એટલે જ ફેંગશુઈના જાણકારો ઘરમાં કાચબાની મૂર્તિ રખાવે છે, પણ બહુ ઓછા લોકોને ખબર છે કે તમે એ મૂર્તિ જે દિશામાં રાખો એ દિશાને લક્ષમાં રાખીને એ મૂર્તિ લાભ આપે છે. જો તમે મૅન્યુફૅક્ચરર હો અને તમારું સેલ વધતું ન હોય તો વેસ્ટ-નૉર્થ કૉર્નરમાં રાખવામાં આવેલો કાચબો મક્કમ ગતિએ તમારા સેલને વધારવાનું કામ કરે છે તો શરીરમાં બહુ આળસ રહેતી હોય એવી વ્યક્તિએ પોતાના રૂમના ઈસ્ટ-સાઉથ કૉર્નરમાં કાચબાની મૂર્તિ રાખવી જોઈએ. પ્રગતિ ઇચ્છતા, ઘરમાં લક્ઝરી આવે એવું ઇચ્છતા લોકોએ કાચબાની મૂર્તિ નૉર્થમાં એટલે કે કાચબો સાઉથ દિશા તરફ જોતો હોય એ રીતે રાખવી જોઈએ.

કાચબાને ક્યારેય ખુલ્લામાં એમ જ મૂકવો નહીં. એને હંમેશાં પ્લેટમાં રાખવો અને કાચબાના પગનાં તળિયાં ભીનાં રહે એટલું પાણી પ્લેટમાં અચૂક રાખવું. કાચબો ધીમો પણ મક્કમ ગતિનો વિકાસ લાવે છે.

ઘોડો શું સૂચવે છે?

વાસ્તુશાસ્ત્રની સામાન્ય જાણકારી ધરાવતા લોકોને પણ ખબર છે કે નૉર્થ દિશામાં દોડતા સાત ઘોડાનું પોસ્ટર રાખવું હિતાવહ છે. કહેવાનો ભાવાર્થ એ કે ઘોડો પ્રગતિ લાવવાનું કામ કરે છે એ આપણે ત્યાં વર્ષોથી સૌ જાણે છે. ઘોડાના પોસ્ટરનો ઉપયોગ કરવામાં કશું ખોટું નથી, પણ જો એની સાથોસાથ ઘોડાની નક્કર મૂર્તિ ઘરમાં રાખવામાં આવે અને એને ઉત્તર દિશામાં મૂકવામાં આવે તો એ વધારે લાભદાયી પુરવાર થાય છે. ઘોડાની મૂર્તિમાં પણ બે પ્રકાર હોય છે. ચાર પગ જમીન પર રાખીને ઊભેલો ઘોડો અને ઝડપથી દોડતો હોય એવી મુદ્રાની મૂર્તિ. દોડતા ઘોડાની મૂર્તિ ઝડપી વિકાસની સાથોસાથ એ વિકાસ દરમ્યાન થનારા સંપર્કોમાં આંધળો વિશ્વાસ મૂકી શકાય એવા સંબંધો આપવાનું કામ કરે છે.

શ્વાન શું સૂચવે છે?

આપણે જાણીએ છીએ કે શ્વાન પ્રામાણિકતા અને વફાદારીનું પ્રતીક છે. શ્વાન કે શ્વાનની મૂર્તિ, ફોટો કે પોસ્ટર ઘરમાં હોય તો પારિવારિક સંબંધોમાં પ્રામાણિકતાનું પ્રમાણ ઉચ્ચ સ્તરનું રહે છે. તમને જાણીને નવાઈ લાગશે પણ જે ઘરમાં શ્વાન હોય છે એ કપલમાં એક્સ્ટ્રા-મૅરિટલ અફૅર્સના કિસ્સા ઓછા બનતા જોવા મળ્યા છે. શ્વાન ઘરમાં હોવાથી ઘરમાં હકારાત્મક ઊર્જાનું પ્રમાણ અકબંધ રહે છે જેનું કારણ પણ છે. જે ઘરમાં શ્વાન હોય છે એ ઘરની આસપાસ નકારાત્મક ઊર્જાની વાહક એવી બિલાડી ફરકતી નથી. 

સર્વાંગી વિકાસ આપતાં પ્રાણીઓ
આર્થિક રીતે મદદ કરે એવા આ ચાર ઍનિમલ પછીના ક્રમે જો કોઈ આવતું હોય તો એ ગાય અને શ્વાન છે, પણ ગાય અને શ્વાન સીધો જ આર્થિક લાભ આપવાને બદલે સર્વાંગી વિકાસ આપવાનું કામ કરે છે.

ગાય શું સૂચવે છે?

ગાય અન્નપૂર્ણાનું પ્રતીક છે. ગાય ઘરમાં હોવી કે પછી ગાયની મૂર્તિ કે પોસ્ટર ઘરમાં હોવું એ પરિવારના સંબંધોને દૃઢતા આપવાનું અને એકમેકને લાગણીથી પરસ્પર જોડી રાખવાનું કામ કરે છે. જો ગાય કે પછી ગાયની મૂર્તિ કે પોસ્ટર ઘરમાં રાખવામાં આવે તો પરિવારની મહિલા સભ્યોની તંદુરસ્તી અકબંધ રહે છે તો વડીલોએ પણ પાછલી જિંદગીમાં શારીરિક વ્યાધિ ભોગવવી નથી પડતી. ગાય આર્થિક વિકાસ આપે છે, પણ એ વિકાસમાં ઝડપ નથી હોતી. એનાથી ઊલટું એ પરિવારને અનુકૂળ રહે અને પરિવાર સાથે રહી શકે એ પ્રકારનો વિકાસ આપવાનું કામ કરે છે.

astrology columnists life and style