05 April, 2023 06:20 PM IST | Mumbai | Morari Bapu
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
એક નવયુવક સંત પાસે ગયો અને જઈને તેણે કહ્યું, ‘બાબા! મને ભગવાનના શરણમાં લઈ લો, મને શરણાગત બનાવી દો. મેં વિભીષણની શરણાગતિ સાંભળી, મેં શ્રીમદ વલ્લભની સાધનરહિતપણાની ચર્ચા સાંભળી. આ પ્રપતિ (અનન્ય ભક્તિ), આ પ્રસન્નતા, આ પ્રપન્નભાવ (શરણાગત ભાવ) મેં સંતો પાસેથી સાંભળ્યો છે, પરંતુ હું શરણાગત નથી બની શક્યો. કૃપા કરી તમે મને ભગવાનનો શરણાગત બનાવી દો.’
સંતે સસ્મિત તેની સામે જોયું અને પછી ધીમેકથી જવાબ આપ્યો, ‘થોડી વાર વિચારી લે અને હું જે પૂછું એનો જવાબ આપ...’
‘બોલો, બાબા...’
‘આ ધરતી, ભગવાનના શરણમાં છે કે નહીં?’
‘હા બાબા, છે જ...’
‘આ વાયુ, આ જળ, ભગવાનના શરણમાં છે કે નહીં?’
સંતે બીજો સવાલ પૂછ્યો કે તરત જ યુવકે જવાબ આપ્યો, ‘હા બાબા, છે અને એમાં કોઈ શંકા નથી...’
સંતે ફરી સવાલ કર્યો, ‘આ તેજ, પ્રકાશ, ભગવાનના શરણમાં છે કે નહીં? એના વગર સૂર્યનો પ્રકાશ હોઈ શકે ખરો?’
યુવાને જવાબ આપતાં કહ્યું, ‘એ ભગવાનના શરણમાં છે. જો એ ભગવાનના શરણમાં ન હોત તો સૂર્ય આટલો પ્રકાશિત હોત જ નહીં...’
સંતે ફરી એક વાર યુવક સામે સ્મિત કર્યું અને પછી તેના માથા પર હાથ મૂકીને પ્રેમથી કહ્યું, ‘આ પાંચેય તત્ત્વ ભગવાનના શરણમાં છે. જો આ પંચતત્ત્વો ભગવાનના શરણમાં હોય તો પંચતત્ત્વથી બનેલું તારું શરીર ભગવાનને શરણે નથી એવું તું કઈ રીતે વિચારી શકે, એવું તું કઈ રીતે ધારી શકે?’
આ અજ્ઞાનતાનો પડદો દૂર કરવાનો છે. આપણા અહંકારને કારણે આપણે એવું સમજીએ છીએ કે આપણને સાચી ભક્તિ પ્રાપ્ત ન થઈ શકે. સંસારનાં સઘળાં તત્ત્વો ઈશ્વરના શરણમાં છે. આ જે આપણું પૂતળા જેવું શરીર છે એ પણ છેવટે તો પાંચ તત્ત્વોનું બનેલું છે અને એ પણ ભગવાનના શરણે જ છે. ભગવાન આપણને ભેટવા માટે તૈયાર છે, આપણે બસ આપણું જ શુદ્ધીકરણ કરવાનું છે.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)