શરીરમાં અચાનક આવતા ફેરફારો શું સૂચવે છે?

30 June, 2024 06:53 AM IST  |  Mumbai | Acharya Devvrat Jani

કોઈ એવી વાતો હોય જે સહજ રીતે જ ઊડીને આંખે વળગતી હોય તો ધારી શકાય કે એ વાતોનું પ્રતિનિધિત્વ કરતા ગ્રહો તમને કંઈક કહેવા માગે છે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

તન, મન અને ધનને ગ્રહોનો સીધો સંબંધ છે. જેમ બીમારી આવતાં પહેલાં અણસાર આપવાના ભાગરૂપે શરીરમાં ફેરફારો આપવાના શરૂ કરે છે એવી જ રીતે ગ્રહોમાં થતા ફેરફારો પણ જીવનમાં અગત્યના કહેવાય એવા તન, મન અને ધન દ્વારા તમને સૂચવવાનું કામ કરે છે. ગ્રહોમાં થતા ફેરફારો જો સારા હોય તો એ તન, મન કે ધનના ક્ષેત્રમાં સકારાત્મકતા દર્શાવે છેે. જો એ ફેરફારો નકારાત્મક હોય તો તન, મન અને ધનના મામલે ખરાબ અસર દેખાડવાનું શરૂ કરે છે, જેની નોંધ જો યોગ્ય રીતે લેવામાં આવે તો એ ચોક્કસપણે લાભદાયી પુરવાર થાય છે.
જોઈએ એવા કેટલાક સામાન્ય અને નોંધનીય ફેરફારો જે સરળતાપૂર્વક વ્યક્તિ નોંધી શકે છે.

૧.  જો એકધારું વજન વધતું હોય તો...
પહેલાં એક નાનકડી સ્પષ્ટતા, આ વાતને બાયોલૉજિકલ ચેન્જ સાથે તો સીધો સંબંધ છે જ, પણ એની સાથોસાથ એકધારું વધતું વજન એ પણ સૂચવે છે કે તમારો ગુરુ પ્રબળ બનવાનો શરૂ થઈ ગયો છે. પ્રબળ ગુરુ લાભદાયી છે, એ લીડરશિપ સૂચવે છે તો સાથોસાથ પ્રબળ ગુરુ પ્રભુત્વ પણ સૂચવે છે. જો વજન વધારવા માટેની કોઈ પ્રક્રિયા ન કરતા હો અને રાબેતા મુજબ વજન વધે તો એને સકારાત્મક નિશાની સમજવી. કન્ટ્રોલ બહાર વજન વધ્યું ન હોય કે એ નુકસાનકર્તા પુરવાર થાય એમ ન હોય તો વજન ઘટાડવાને બદલે એનર્જી વધારવાનું કામ કરવું જોઈએ.

૨.જો એકધારું વજન ઘટવાનું શરૂ થાય તો...
પહેલું કામ ડૉક્ટરને દેખાડવાનું કરવું અને એ પછી નિરાંતે એ દિશામાં વિચારવું કે ગુરુ તરીકે મેળવેલું સન્માન કે પ્રભુત્વ ઘટી રહ્યું છે કે નહીં. જો એવું લાગે કે હા, એવું થયું છે તો ગુરુને પ્રબળ કરવાનું કામ તાત્કાલિક ધોરણે શરૂ કરી દેવું. ગુરુ અને મંગળ લીડરશિપ સૂચવે છે, પણ ગુરુ એકમાત્ર એવો ગ્રહ છે જે લીડરશિપની સાથોસાથ કિંગમેકરની ભૂમિકા પણ દર્શાવે છે. ઉદાહરણ સાથે સમજાવવાનું હોય તો કહી શકાય કે મંગળ સેનાપતિ બનાવે તો પ્રબળ ગુરુ ચાણક્ય બનાવે છે.

૩. જો રક્તસ્રાવ વધવા માંડે તો...
ઉદાહરણ સાથે વાત કરીએ તો પડવા-આખડવાનું વધી જાય, નાની-નાની વાતમાં લાગે અને લોહી નીકળે, રજસ્વલા મહિલાને નિયમિત કરતાં વધારે બ્લીડિંગ થવું કે પછી એની સાથે પણ ઈજા થવાનું વધવા માંડવું. જો એવું બને અને એમાં નિયમિતતા આવી ગઈ હોય એવું લાગે તો માની શકાય કે નબળા પડતા કે પછી નારાજ થયેલા મંગળ ગ્રહની એ અસર છે. જ્યારે લોહી નીકળે ત્યારે પહેલું કામ તો એ ઈજાની સારવાર કરવાનું જ કરવાનું હોય જે પ્રૅક્ટિકલ વાત છે; પણ એ પછી જો શક્ય હોય તો લાલ કલરનાં ફ્રૂટ્સ, મીઠાઈ, અનાજ કે કપડાંનું દાન કરવું જોઈએ. ઈજામાં લોખંડનો ફાળો વધારે હોય તો નબળા શનિની અસર ધારી શકાય. લોખંડ અને શનિને સીધો સંબંધ છે. આવું બનતું હોય તો બાળકોને મીઠાઈ ખવડાવવી ઉત્તમ છે. એક આડવાત, જેને લાંબી બીમારી હોય કે પછી સર્જરી કરાવવાની હોય તેમણે પ્રયાસ કરવો જોઈએ કે એ લાલ રંગ પહેરવાનું અવૉઇડ કરે. બીમારી ધરાવતી વ્યક્તિનાં વસ્ત્રોમાં સફેદ રંગ સર્વોત્તમ છે. પહેલાંના સમયમાં હૉસ્પિટલોમાં પણ મહત્તમ સફેદ રંગનો ઉપયોગ કરવામાં આવતો. ચાદરથી માંડીને દીવાલના કલર અને પેશન્ટને પહેરાવવામાં આવતાં કપડાં પણ સફેદ રંગનાં રહેતાં, પણ પછી સફાઈના નામે શાસ્ત્રોમાં સૂચવેલા એ રંગની બાદબાકી કરી નાખવામાં આવી.
સફેદ રંગ પેઇન-રિલીફનું કામ કરે છે.

૪. જો અચાનક સ્કિન-પ્રૉબ્લેમ દેખાય તો...
આર્થિક નુકસાની પણ આ જ કૅટેગરીમાં આવે છે એટલે એની વાત પણ કરી લઈએ. શૅરબજાર સાથે જોડાયેલી વ્યક્તિ નુકસાનીને ઑબ્ઝર્વ કરી શકે, જ્યારે અન્ય માટે આ કામ સરળ નથી અને નોકરિયાત માટે તો બિલકુલ શક્ય નથી. એ લોકોએ અચાનક આવતા ખર્ચને નુકસાની સમજવી જોઈએ.

જો આર્થિક રીતે સતત નુકસાની જોવા મળતી હોય તો ધારવું કે શુક્ર કે શુક્રના વાહક કહેવાય એ સૌની નારાજગીનું પરિણામ હોઈ શકે છે. શુક્ર લક્ષ્મીનું પ્રતિનિધિત્વ કરે છે. શુક્ર નારાજગી દર્શાવવા માટે આર્થિક નુકસાની દેખાડે છે તો ઘણી વાર એ ​​સ્કિનનો પ્રૉબ્લેમ પણ જનરેટ કરે છે. નુકસાની જોવા મળે ત્યારે બિઝનેસને ધ્યાનથી સમજવો અને ​​સ્કિન-રિલેટેડ ઇશ્યુ આવે ત્યારે ડૉક્ટરને કન્સલ્ટ કરવા. એ ઉપરાંત સાથોસાથ એ પણ જોઈ લેવું કે વ્યક્તિ ક્યાંક પોતાના ઘરની મહિલાઓને માન-સન્માન આપવામાં ઊણી તો નથી ઊતરીને? ઘરની લક્ષ્મીનું એટલે કે મા-બહેન-પત્ની કે દીકરીનું અપમાન કરવાથી શુક્ર નારાજ થાય છે અને મળતા ઐશ્વર્યને બ્રેક આપી નુકસાની દર્શાવે છે તો રૂપને પણ અસર પહોંચાડે છે.

astrology gujarati mid-day life and style