બુદ્ધિકારક બુધને વધારે મજબૂત બનાવવાના અદ્ભુત રસ્તાઓ

10 November, 2024 07:44 AM IST  |  Mumbai | Acharya Devvrat Jani

જો બુધને પ્રબળ બનાવવામાં આવે તો બુદ્ધિ સાચી દિશામાં કામ કરે અને તકને ઓળખવાની ક્ષમતા પણ કેળવે, પણ એ માટે કરવું શું એ જાણવું બહુ જરૂરી છે

પ્રતીકાત્મક તસવીર

તક આંગણે આવીને ઊભી રહે ત્યારે મોઢું ધોવા ન જવાનું હોય.

આ કે આ પ્રકારનું વાક્ય વારંવાર સાંભળ્યું હશે, પણ મહત્ત્વનું એ છે કે માણસ તક જતી કેવી રીતે કરી દેતો હોય છે. તક જતી કરાવવાનું કામ જન્મકુંડળીમાં રહેલો નબળો બુધ કરાવે છે. ધારો કે જન્મકુંડળીમાં રહેલો બુધ પ્રબળ હોય તો પણ આવી ભૂલ થઈ શકે છે અને એનું કારણ એ છે કે બુધ પાણીકારક ગ્રહ છે. એ બીજા ગ્રહોની સોબતમાં તરત જ આવી જાય છે અને એટલે બુધને સતત પ્રબળ રાખવો અત્યંત આવશ્યક છે. એ કરવા માટે શું-શું કરવું તથા કેવાં-કેવાં પગલાં લેવાં એ જાણવું બહુ જરૂરી છે.

બુધને પ્રબળ બનાવવા માટેના કેટલાક સરળ રસ્તાઓ હાથવગા છે જેનો રોજબરોજના જીવનમાં ઉપયોગ કરવાથી બુધ સદાય સતેજ રહે છે. જન્મકુંડળીના બુધ અને ગુરુ બે ગ્રહ એવા છે કે એ ગમે એટલા સતેજ કે પ્રબળ બને તો પણ નુકસાનકર્તા નથી. અન્ય ગ્રહોને પ્રબળ કરવાથી આડઅસર આવી શકે છે, પણ આ બન્ને ગ્રહોને પ્રબળ કરવામાં કોઈ જાતનો મનમાં સંશય
રાખવો નહીં.

બુધ અને કલર

બુધનો મૂળભૂત રંગ ગ્રીન છે. બુધને મજબૂત કરવા ગ્રીન રંગનો ઉપયોગ મહત્તમ કરો. જો દરરોજ ગ્રીન વસ્ત્ર પહેરી શકાય તો ઉત્તમ. ગ્રીન સાથે જો વાઇટ રંગનું કૉમ્બિનેશન માફક આવી જાય તો બુધ અને શુક્ર બન્ને ગ્રહોમાં પ્રબળતા વધે છે જે ક્યાંક ને ક્યાંક બૌદ્ધિકતા સાથે ખ્યાતિ આપવાનું કામ કરે છે. તમે જોશો તો અનેક સેલિબ્રિટીઝના હાથમાં બુધનો પન્ના અને શુક્રનું પ્રતિનિધિત્વ કરતા ડાયમન્ડ જોવા મળશે જે સૂચવે છે કે ખરા સમયે બુદ્ધિ યોગ્ય રીતે કામ કરે અને હાથમાં આવેલી તક અજાણતાં પણ છટકી ન જાય.

રોજ ગ્રીન કલર પહેરી શકાય એમ ન હોય તો પ્રયાસ કરવો કે ઓછામાં ઓછું એક વસ્ત્ર (આંતરવસ્ત્ર સિવાયનું) ગ્રીન કલરનું હોય. ઍટ લીસ્ટ પ્રયાસ કરવો કે રૂમાલ ગ્રીન કલરનો હોય.

બુધ અને ખોરાક

બુધને સતેજ બનાવવા માટે મગ નિયમિત ખાવા જોઈએ. જો સવારે પહેલો ખોરાક મગ અને દિવસનો અંતિમ ખોરાક પણ મગ હોય તો એનું પરિણામ આરોગ્યની દૃષ્ટિએ પણ શ્રેષ્ઠ આવે છે તો જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ પણ એ ઉત્તમ પરિણામકારક બને છે. ગ્રીન વેજિટેબલ્સ ખાવાથી પણ બુધને પોષણ મળે છે તો સવારના સમયે ઘાસ પર ઉઘાડા પગે ચાલવું પણ ચાર કૅરૅટ જેટલા પન્નાનો નંગ પહેરવા જેવું સઘન પરિણામ આપે છે. અહીં એ પણ કહેવાનું કે જો પન્ના પહેરી ન શકાય કે બાળકને પહેરાવવામાં જોખમ લાગતું હોય તો તેના કાંડા કે ગળામાં મગના પાંચ દાણાની પોટલી બાંધવી જોઈએ. એ પણ એવી જ અસર આપશે જેવી પન્ના આપે છે. પહેલાંના સમયમાં આર્થિક રીતે અક્ષમ લોકો આ જ રસ્તો વાપરતા અને પન્નાથી થનારા ફાયદા જેટલો જ લાભ મેળવતા.

મગ ઉપરાંત લીલાં શાકભાજી પણ બુધને પ્રબળ બનાવવાનું કામ કરે છે એટલે એનો વપરાશ પણ વધારી શકાય.

બુધ અને દાનધર્મ

ચૅરિટી એટલે કે દાન બુધને અત્યંત પ્રિય છે એટલે નિયમિત ચૅરિટી કરતા રહો. હાથ લંબાવનારાનો હાથ ખાલી પાછો ન ફરે એનું ખાસ ધ્યાન રાખો અને એ માટે યથાશક્તિ છૂટા પૈસા ખિસ્સામાં રાખો જ રાખો. બાળકો પણ બુધને બહુ પ્રિય છે એટલે બાળકોને જેટલાં ખુશ રાખી શકો એટલાં ખુશ રાખવાનાં પગલાં લો. બહાર જમવા ગયા હો એવા સમયે બાળભિક્ષુકને ભિક્ષા આપવાને બદલે તેને એવી ખાવાની ચીજ લઈ આપો જે તેના માટે સપના સમાન હોય.

બુદ્ધિની ખાસિયત છે કે એ સમયે-સમયે જુદી રીતે વર્તે. આ જ કારણ હશે કે બુધને હંમેશા સીઝનલ ફ્રૂટ્સ પસંદ આવ્યાં છે. પ્રયાસ કરવો કે બાળકોને ખાવા માટે સીઝનલ ફ્રૂટ્સનું દાન કરવું. હૉસ્પિટલમાં પણ ફ્રૂટ્સનું દાન કરનારા બુધને પ્રિય છે.

 

astrology life and style exclusive