ઘરમાં વધતી નેગેટિવિ‌ટીને કેવી રીતે ઓળખી કાઢશો?

04 December, 2022 06:11 PM IST  |  Mumbai | Acharya Devvrat Jani

એનર્જી બહુ મહત્ત્વની છે. પૉઝિ‌ટિવ એનર્જી મરતા માણસમાં નવી ઊર્જા ભરવા સક્ષમ છે તો નેગેટિવ એનર્જી સમૃદ્ધ અને સુખી પરિવારને પણ તહસનહસ કરવાની ક્ષમતા ધરાવે છે

ઘરમાં વધતી નેગેટિવિ‌ટીને કેવી રીતે ઓળખી કાઢશો?

લાઇફની સાથે એનર્જીનું બહુ મહત્ત્વપૂર્ણ કનેક્શન છે એ ક્યારેય ભૂલવું ન જોઈએ. એનર્જી અવકાશી પ્રોગ્રેસ આપવાને પણ સમર્થ છે તો સાથોસાથ નેગેટિવ એનર્જી ધનોતપનોત કાઢવામાં પણ પૂરતી પાવરધી હોય છે. પોતાની સાથે આવું ન બને એ માટે બહુ જરૂરી છે કે માણસ નેગેટિવ અને પૉઝિટિવ એનર્જીને ઓળખતો થઈ જાય. સામાન્ય રીતે તમે કોઈને મળો ત્યારે ઘણી વાર એવું ફીલ થાય કે એ માણસને મળ્યા પછી અંદરથી ખુશી ન થાય. એક જ વ્યક્તિમાં આવું વારંવાર બને તો એ નેગેટિવ એનર્જીની અસર છે એટલે તે વ્યક્તિથી અંતર કરી લેવું હિતાવહ છે. એવું જ ઘરની બાબતમાં છે. જો ઘરમાં નેગેટિવ એનર્જી આવી ગઈ હોય તો એને જાણવી ખૂબ જરૂરી છે. જોકે મુદ્દો એ છે કે ઘરમાં આવેલી આ નકારાત્મક ઊર્જાને ઓળખવી કેવી રીતે?
ઘરમાં આવેલી નેગેટિવ એનર્જીને જાણવાના કેટલાક સરળ રસ્તા છે. આજે એની ચર્ચા કરવાની છે.
૧. જો ઘરમાં વારંવાર લાલ કીડી, વાંદા, કાનખજૂરો કે પછી એ પ્રકારની જીવાત જોવા મળે તો માનવું કે ઘરમાં નેગેટિવ એનર્જી વધી રહી છે. એકાદ વાર અચાનક જ એવું બને તો એને સંજોગવશાત્ સમજી શકાય, પણ જો વાંરવાર એવું બનતું હોય તો એનો ઇલાજ અનિવાર્ય બની જાય છે. નેગેટિવ એનર્જી ફૅમિલીમાં કંકાસ, મતભેદ અને એની સાથોસાથ મનભેદ સર્જવાનું કામ કરે છે તો આર્થિક સંકડામણ અને કામ આગળ ન વધવા દેવા જેવી નકારાત્મક અસર પણ દેખાડે છે.
૨. ઘરમાં રાખેલા પ્લાન્ટ કે ફૂલો જો મૂરઝાઈ જતાં હોય કે પછી એ વાંરવાર બળી જતાં હોય તો માનવું કે એ નેગેટિવ એનર્જીની અસર છે. સાથોસાથ એ પણ સ્પષ્ટતા કરવાની કે આવું બનવાનું કારણ પણ શોધવાની કોશિશ કરી લેવી. યોગ્ય પોષણ કે પછી પાણી મળવાના અભાવે પણ પ્લાન્ટ કે ફૂલો મૂરઝાઈ શકે છે, પણ ધારો કે એ નિયમિત તમે આપી રહ્યા હો એ પછી પણ જો મૂરઝાઈ જતાં હોય તો ધારવું કે નેગેટિવ એનર્જીનો તમારા ઘરમાં પ્રવેશ થયો છે.
વારંવાર દૂધ બગડવું કે પછી જાળવણી પછી પણ અનાજમાં જીવાત થવી એ પણ નેગેટિવ એનર્જીનું પ્રમાણ છે.
૩. જો મધરાતે ઊંઘ ઊડી જતી હોય અને પછી છેક મળસકે ઊંઘ આવતી હોય તો એને નેગેટિવ એનર્જીનું પરિણામ ગણવું. આવું ક્યારેક બને તો એને અકસ્માત ધારી શકાય, પણ જો મિનિમમ ત્રણ રાત આવું બને તો એને હળવાશથી લેવું ન જોઈએ અને ઘરમાં રહેલી નેગેટિવ એનર્જીને દૂર કરવા પગલાં લેવાં જોઈએ.
ઊંઘ ઉપરાંત જો ઘરમાં આવ્યા પછી પેટમાં કે માથામાં દુખાવો શરૂ થઈ જતો લાગતો હોય તો એને પણ નકારાત્મક ઊર્જાની ક્ષમતા ધારી શકાય. નકારાત્મક ઊર્જાની અસર સ્વાસ્થ્ય અને વિચારો પર સવિશેષપણે જોવા મળે છે. આ બન્નેના કારક મન અને પેટ છે. 
(નેગેટિવ એનર્જીથી દૂર થવું બહુ સરળ છે. નકારાત્મક ઊર્જા ઘરમાંથી દૂર કરવાના સરળ કીમિયાની ચર્ચા કરીશું આપણે આવતા રવિવારે)

astrology columnists