રોજબરોજની તકલીફો સામે ગ્રહ કઈ રીતે મદદ કરી શકે?

09 June, 2024 07:30 AM IST  |  Mumbai | Acharya Devvrat Jani

જો મનને શાંત કરવું હોય કે પછી રોજબરોજની તકલીફો સામે જો શાંતિ જોઈતી હોય તો પ્રશ્ન મુજબ એનું નિરાકરણ નીકળી શકે છે અને એ લાભદાયી પણ પુરવાર થાય છે.

પ્રતીકાત્મક તસવીર

આજની આ ફાસ્ટ લાઇફ વચ્ચે નૅચરલી રોજબરોજ અગણિત પ્રશ્નો સામે આવતા હોય અને આવતા એ અગણિત પ્રશ્નો વચ્ચે મનોદશા વ્યાકુળ પણ રહેતી હોય. આવું ત્યારે જ બનતું હોય છે જ્યારે સંજોગો અને ગ્રહો વચ્ચે મનમેળ બંધાતો હોય છે. જો મનને શાંત કરવું હોય કે પછી રોજબરોજની તકલીફો સામે જો શાંતિ જોઈતી હોય તો પ્રશ્ન મુજબ એનું નિરાકરણ નીકળી શકે છે અને એ લાભદાયી પણ પુરવાર થાય છે.

૧. મનમાં વિચાર-વંટોળ શરૂ થાય તો...
ઓવરથિ​ન્કિંગ. વિચારવાયુ. વિચારો અટકવાનું નામ જ ન લે અને એમાં પણ નકારાત્મકતા ચરમસીમા પર હોય. એવું ત્યારે જ બને છે જ્યારે સમય અને સંજોગો સાથે બુધ ગ્રહ પણ એ વિચારોને હવા આપવાનું કામ કરે છે. મનમાં સતત ઓવરથિન્કિંગ ચાલતું હોય અને જો નકારાત્મકતા ચરમસીમા પર હોય તો એવા સમયે બુધ ગ્રહને શાંત કરવામાં આવે તો એ માનસિકતામાં રાહત મળે છે અને બુધને શાંત કરવા માટે જો ગ્રીન કલરનું કંઈ પણ ખાવામાં આવે તો એ લાભદાયી પુરવાર થાય છે. ગ્રીન સૅલડ કે પછી મગ ખાવામાં આવે તો એ મનને રાહત આપે છે. આ ઉપરાંત ખુલ્લી હવા કે ગાર્ડનમાં ઉઘાડા પગે કરેલું વૉક પણ મનને શાંત કરે છે.

૨. તબિયત વારંવાર બગડતી હોય તો...
નાદુરસ્તી કે પછી પરિવારમાં કોઈનું ને કોઈનું બીમાર હોવું એ ગુરુની નિરાશાનું પરિણામ હોઈ શકે છે તો સાથોસાથ બુધની નારાજગીનું ​રિઝલ્ટ પણ હોઈ શકે છે. જો વારંવાર તબિયત બગડતી હોય અને ખાસ કરીને જો પેટના દર્દની ફરિયાદ રહેતી હોય તો એવી વ્યક્તિએ ગુરુ ગ્રહના પ્રતિનિ​ધિ સમાન હળદરનું સેવન વધારવું જોઈએ. આ ઉપરાંત બુધ માટે ગ્રીન સૅલડ અને મગ પણ ખાવાનું વધારવું જોઈએ. ગ્રીન કલરનાં ઍપલ જો ખાવામાં આવે તો એ બુધ-ગુરુ બન્ને ગ્રહને શાંત કરવાને સક્ષમ છે. મજાની વાત જુઓ, આ ખોરાક એવો પણ છે જેને મેડિકલ ફીલ્ડ પણ આવકારે છે અને જ્યોતિષશાસ્ત્ર પણ એનું સજેશન કરે છે.

૩. વસ્તુઓની તૂટ-ફૂટ બહુ થવા લાગે તો...
ઘર કે ઑફિસમાં રહેલી ચીજવસ્તુઓમાં થતી તૂટ-ફૂટ શુક્ર સાથે સીધો સંબંધ ધરાવે છે. તમને ખબર છે એમ શુક્ર સુખ-સુવિધા અને ઐશ્વર્યાનો કારક છે. સામાન્ય ચીજવસ્તુઓની તૂટ-ફૂટ શુક્રની સામાન્ય નારાજગી દર્શાવે છે, પણ જો મોંઘી અને કીમતી ચીજવસ્તુઓમાં 
તૂટ-ફૂટ થાય તો શુક્રને શમન આપવાથી રાહત થઈ શકે છે. શુક્રને શમન આપવા માટે સફેદ કલરની મીઠાઈ સૌથી શ્રેષ્ઠ છે અને એમાં પણ ખીરનું જો દાન કરવામાં આવે તો એ અત્યંત લાભદાયી બને છે. ખીર આપવાને બદલે પ્રયાસ કરવો કે જે-તે વ્યક્તિ તમારા ઘરના આંગણે બેસીને ખીરનું સેવન કરે. આ ઉપરાંત શુક્રને ખુશ કરવા માટે જો કન્યાને કૉસ્મેટિક્સની ગિફ્ટ આપવામાં આવે તો પણ શુક્ર લાભકારી બને છે, પણ એવું કરવા કરતાં ભૂખ્યાને સરસમજાની મીઠાઈ ખવડાવવી દયાના ભાવથી પણ ઉત્તમ છે.

૪. કરો એ કામની કદર ન થાય તો...
શનિ મહારાજ સૌથી ઉત્તમ પરિણામ આપી શકે. તમે મહેનત કરો છો, અથાગ પ્રયાસ કરીને સરસ રિઝલ્ટ આવે એ માટે પ્રયાસ કરો છો અને એમાં સફળ પણ થાઓ છો અને એ પછી પણ બૉસ કે પરિવારજન તમને જશ નથી આપતા તો એ શનિને કારણે હોઈ શકે છે. શનિનું કામ બધું મોડું અપાવવાનું છે. જો દર શનિવારે હનુમાનજીના મંદિરે આરાધના કરવામાં આવે તો એનું સકારાત્મક રિઝલ્ટ મળી શકે છે તો સાથોસાથ શનિવારના દિવસે જો ગરીબને તેલનું દાન કરવામાં આવે તો એનું ​રિઝલ્ટ પણ અતિ ઉત્તમ મળે છે. જરૂરી નથી કે તમે કયું તેલ આપો છો. બસ, એટલું ધ્યાન રાખો કે જે આપો એ તમે પોતે ઘરે ઉપયોગ કરતા હો. દાનની બાબતમાં એક વાત અચૂક યાદ રાખવી કે એ જ આપવું જેનો ઉપયોગ તમે કે તમારા પ્રિયજનો કરે તો તમે ખુશ થતા હો. ઓછું આપશો તો ચાલશે, પણ જ્યારે પણ આપો ત્યારે સર્વોચ્ચ આપો.

astrology life and style columnists