18 January, 2023 09:36 AM IST | Mumbai | Morari Bapu
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
માત્ર ભક્તિ જ નહીં, ભક્તિ થકી ભક્તિમણિ બનવાની તૈયારી હોવી જોઈએ. તમને થાય કે એ ભક્તમણિ કોણ અને એ કેવી રીતે બની શકાય?
જેનામાં ચાર વાત હોય એ સમજી લે કે તેમની અંદર ભક્તિમણિ છે. આ ચારમાંથી પહેલી વાત છે ઇષ્ટનિષ્ઠા. મતલબ કે ઈશ્વર પ્રત્યે પૂરતી શ્રદ્ધા. પોતાના ઇષ્ટ પર, પોતાના ભગવાન પર પૂરો ભરોસો હોય એ ઇષ્ટનિષ્ઠા છે. જો એ હોય તો સમજી લેવું કે તમારામાં પૂરેપૂરી ભક્તિ, પૂરી આસ્થા, નિષ્ઠા છે. શાસ્ત્રમાં આસ્થા શબ્દ આવ્યો છે. તમારા પરમાત્માના ભલે તમે નિર્ગુણના ઉપાસક હો કે સગુણના ઉપાસક, મને એમાં કોઈ વાંધો નથી; પણ જ્યાંથી તમને કંઈક મળ્યું છે અને એમાં તમને રસ પડી ગયો હોય તો ત્યાં તમારી નિષ્ઠા પૂર્ણ હોવી જોઈએ. આમ પહેલી વાત પૂર્ણ નિષ્ઠા છે.
મારો ઠાકુર મને પકડીને અગ્નિમાં નાખી દે તો હું બળી જઈશ અને મને પોતાને ધન્ય સમજીશ, કારણ કે મને તેના પર પૂરો ભરોસો છે.
મેં જાનહું નિજ નાથ સુભાઊ.
તે ગમે તે કરે, મારું કલ્યાણ જ કરશે. તે કઠોર ન થઈ શકે. તે મને ઘડે છે, મૂર્તિ બનાવે છે કદાચ એટલે એમ કરતો હશે. આવી પૂરી નિષ્ઠા રાખો.
ભક્તિમણિ માટે જો બીજા નંબરે કોઈ આવશ્યકતા હોય તો એ છે ઇષ્ટજ્ઞાન.
આ પણ વાંચો : મંત્ર વિના પણ અન્ન મળે તો હરિનામથી શું મળે?
જેનાં ચરણોમાં તમારી નિષ્ઠા છે તેનું જ્ઞાન હોવું એ ભક્તિની નિશાની છે. તમારું કલ્યાણ થવું જોઈએ. જો મારી રામનાં ચરણોમાં ભક્તિ હોય તો મને એ વિશેનું જ્ઞાન હોવું જોઈએ કે આ મારા રામ છે
અને એવું જ્ઞાન ન હોય તો કોઈ સદ્ગુરુ પાસે જઈને તેમને એ વિશે પૂછો. જ્ઞાન વગર ભરોસો ન થઈ શકે એટલે જ્ઞાન હોવું જરૂરી છે.
ત્રીજા નંબરે છે ઇષ્ટ સુમિરન. જેનાં ચરણોમાં નિષ્ઠા છે, જેના વિશે જ્ઞાન છે તેની યાદ, તેનું સુમિરન. તેને ભૂલી ન જવાય. તેની યાદ હંમેશાં રહે. તનમાં, મનમાં અને રોમેરોમમાં તે સમાયેલા રહે. જે રીતે સમુદ્રને ગમે ત્યાંથી ચાખો, ખારો જ લાગે છે એ જ રીતે તન-મન તેમની યાદમાં ડૂબેલું રહે. તેમનું સુમિરન જ ભક્તિની નિશાની છે.
વાત હવે ચોથા ભક્તિમણિની. ઇષ્ટપ્રેમ.
તેમના પર પ્રેમ, તેમની સાથે મહોબ્બત, તેમની સાથે પ્યાર, બધાની સેવા. બધામાં જે સમાયો છે તેની સાથે પ્રેમ. આ ચાર વાતો ભક્તોએ સમજી લેવી જોઈએ. તમને સમજાઈ જાય એટલે વિસ્તારપૂર્વક કહ્યું. આ ભક્તિની નિશાની એવા ભક્તિમણિ છે.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં) નહીં.