04 November, 2023 07:21 PM IST | Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj
ઈશ્વરને પ્રાર્થના કરતી વ્યક્તિની પ્રતીકાત્મક તસવીર
હમણાં પ્રવચન પછી મળવા આવ્યા એ ભાઈ. આમ તો રોજ પ્રવચનમાં આવે અને શાંતચિત્તે પ્રવચન સાંભળે. જતી વખતે નમસ્કાર પણ કરતા જાય, પણ આજે તેમના ખુદના મુખે તેમના જીવનની સાત્ત્વિકતાની વાત સાંભળવા મળતાં સ્તબ્ધ થઈ જવાયું. થયું કે આ સંસારમાં એવા લોકો પણ છે જેઓ કશું બોલ્યા વિના, અણસાર આપ્યા વિના પણ પોતાની સાત્ત્વિકતાનું પાલન ખરા મન અને દિલથી કરે છે.
બન્યું એમાં એવું કે રાબેતા મુજબ એ ભાઈ આવ્યા અને તેમણે નમસ્કાર કર્યા. સાવ અનાયાસ જ વાતો શરૂ થઈ અને એ વાતો દરમ્યાન એ ભાઈએ કહ્યું.
‘મહારાજસાહેબ, બહુ નાની ઉંમરથી મને ગાયો પ્રત્યે ગજબનાક લગાવ રહ્યો છે. લગાવ તો એવો કે એ વયમાં પ્રતિજ્ઞા કરી લીધી હતી કે ગાયને જ્યાં સુધી રોટલી નહીં ખવડાવું ત્યાં સુધી હું મોઢામાં પાણીનું એક ટીપું પણ નહીં નાખું.’
એ ભાઈના મોઢે વાત સાંભળી મારી આંખો પહોળી થઈ ગઈ, પણ વાત તો હજી ચાલુ જ હતી એટલે મેં અચરજને સંયમમાં રાખ્યો.
‘મહારાજસાહેબ, આ નિયમ લીધાને મને આજે ૩૦ વરસ થયાં છે. આપને એ જાણીને નવાઈ લાગશે કે ૩૦ વરસમાં એક પણ દિવસ એવો નથી ગયો જે દિવસે ગાયને રોટલી ખવડાવવાનું સદ્ભાગ્ય મને ન સાંપડ્યું હોય’
‘શું વાત કરો છો?’
‘હા, મહારાજસાહેબ, પરમેશ્વરની મહેરબાની તમે જુઓ...’ એ ભાઈના ચહેરા પર હર્ષ પથરાયેલો હતો, ‘ત્રણ-ચાર વાર તો એવું બન્યું છે કે ટ્રેનની મુસાફરી દરમ્યાન સામેથી ગાય સ્ટેશન પર આવી ગઈ અને ટ્રેનમાંથી નીચે ઊતરીને ગાયને રોટલી ખવડાવીને હું પાછો ટ્રેનમાં ચડી ગયો છું!’
હવે હું તાજ્જુબ છુપાવી શક્યો નહીં. આ અરિહંતની જ કૃપા કહો તમે કે એ પોતાના શ્રાવકને તકલીફ આપવા માગતા નથી એટલે તો શ્રાવક જ્યાં-જ્યાં જાય છે ત્યાં-ત્યાં તેની પાછળ તેની પ્રતિજ્ઞાના પાલનની વ્યવસ્થા ઊભી કરતા જાય છે.
એ ભાઈએ વંદન કર્યા ત્યારે તેમની આંખોમાં આંસુ હતાં.
‘મહારાજસાહેબ, હું એક વાત કહીશ કે મેં મહાવીરસ્વામીને જોયા નથી, પણ તેમની કૃપાનો અનુભવ હું સતત કરતો આવ્યો છું અને એ કૃપાના આધારે જ કહું છું કે સમસ્ત બ્રહ્માંડમાં તેમની હયાતી છે જ છે.’
વાત જરા પણ ખોટી નથી.