02 March, 2023 03:33 PM IST | Mumbai | Morari Bapu
મિડ-ડે લોગો
ગયા અઠવાડિયે આપણે ભક્તિસૂત્રોની વાત પૂર્ણ કરી ત્યારે કહ્યું હતું કે હવે વાત કરવાની છે ભક્તિ સાધવાના પ્રકારોની.
ભક્તિ સાધવાના છ પ્રકાર છે. જે ભાવક એ છ પ્રકારને હસ્તગત કરી લે તે ભક્તિ સાધી લેતો હોય છે. ભક્તિ સાધવાના છ પ્રકાર પૈકીનો પહેલો પ્રકાર છે, ઉત્સાહ.
વ્યક્તિ ઉત્સાહી બને તો ભક્તિવાન થઈ શકાય. ધીરજ ખૂટે પણ ઉત્સાહ ન ઘટે. કોઈ પણ પ્રસંગે ઘરમાં ઉત્સાહ જળવાઈ રહે. બીજા નંબરે આવે છે ધીરજ. ધીરજ જળવાયેલી રહેવી જોઈએ. સંજોગો કોઈ પણ ઊભા થાય, પણ ધીરજ જળવાઈ રહે એ બહુ જરૂરી છે. ત્રીજા નંબરે આવે છે, અડગતા. નિઃસહાય પણ અડગ રહે, ડગે નહીં તો ભક્તિ સાધવાની દિશામાં આગેકૂચ અકબંધ રહે. ચોથા સ્થાન પર આવે પ્રયત્ન. ગુરુએ જે પ્રયત્ન કરવાનું કહ્યું એ પ્રયાસ સતત કરતા રહેવાનો અને એમાં નિષ્ફળતા મળે તો પણ સહેજે ગભરાયા વિના અડગ રહી, ધીરજ સાથે ઉત્સાહપૂર્વક ફરી પ્રયાસ કરવાનો. પાંચમા નંબર પર જે આવે છે એ વાતને ધ્યાનથી સમજવાની છે.
જે હરિને ન ભજતા હોય, જે હરિથી અંતર રાખતા હોય એવા લોકોના સંગનો ત્યાગ કરવો. તેમના પ્રત્યે ઉદાસીન નથી થવાનું, તેમને નફરત નથી કરવાની, બસ, તેમનો સંગ છોડીને અંતર ઊભું કરી દેવાનું છે. જે પોતાના ગુરુ, આચાર્ય કે પછી ગુરુત્વના સ્થાન પર જે પણ હોય એના શબ્દોનું મહત્ત્વ ન જાળવી શકે તેમનાથી અંતર બનાવીને રાખવું હિતાવહ છે. એ પછી આવે છે ભક્તિ સાધવાના છઠ્ઠા પ્રકારનો. જે તમારા ગુરુ છે તેમનું અનુસરણ કરવું. આ અનુસરણ તમને હરિના માર્ગ તરફ આગળ લઈ જશે, હરિનો માર્ગ શોધવામાં પણ તમને મદદરૂપ બનશે અને હરિના માર્ગ પર દૂર સુધી લઈ જવામાં પણ આ અનુસરણ મદદગાર બનશે.
આ છ ઉપાય કરવાથી ભક્તિ સાધી શકાય છે, તે પુષ્ટ થાય છે અને સફળ થાય છે. અહીં એક વાત એ પણ કહેવાની કે ભક્તિ ક્યારેય કરી શકાતી નથી, પ્રભુ કૃપા કરીને એ તમારી પાસે કરાવડાવે છે. પ્રભુકૃપા જો તમારી પાસે ભક્તિ કરાવે તો એ ભક્તિરૂપી દીકરીને સાત પ્રકારનો આહાર આપી તેને પુષ્ટ કરવી જોઈએ. આ સાત પ્રકારનો આહાર કયો અને એનાથી ભક્તિરૂપી પુત્રી કેવી રીતે પુષ્ટ થાય એની ચર્ચા હવે આપણે કરીશું આવતા બુધવારે.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)