13 September, 2023 03:15 PM IST | Mumbai | Morari Bapu
મિડ-ડે લોગો
કોઈને જાણવા માટે, કોઈની પહેચાન કરવા જો ચાર ચાવીનો ઉપયોગ કરો તો તમે સાચા ઠરો. આ ચાર ચાવી જાણવા જેવી છે,
નીતિ, પ્રીતિ, સ્વાર્થ અને પરમાર્થ.
પહેલા વાત કરીએ નીતિની.
નીતિથી વ્યક્તિને જાણી શકાય. તમે નીતિવાન છો કે નહીં એ જાણવું જ જોઈએ. તેની નીતિ જોઈ તમે જાણી જશો કે તે વ્યક્તિ કેટલામાં છે. નીતિ, ચાણક્ય નીતિ, વિદુર નીતિ, ભર્તૃહરિ નીતિ. કોઈ વ્યક્તિ તમારા માટે શું બોલે છે એનાથી તેનું માપ નીકળે છે, તમારું નહીં. બોલવાવાળો તેનો પરિચય આપે છે, એ પોતાની ખાનદાની બતાવે છે. બીજાઓના બોલવા પર સાધકે હર્ષ-શોક ન કરવો.
હવે વાત કરીએ બીજા નંબરે આવતી પ્રીતિની.
પ્રીતિથી તમે જાણી શકશો કે એ વ્યક્તિનો કેટલો ભરોસો કરવો. સામેવાળાની આંખથી જાણી જશો કે આ માણસ પ્રીતિથી ભરેલો છે. કોઈના હૃદયમાં પ્રેમ છે કે નહીં, એ જાણવું હોય તો પહેલાં પોતાની આંખમાં પ્રેમનો વાસ કરતા શીખો. જો એ કરતા આવડી ગયું તો તમારા હૃદયમાં રહેલો પ્રેમ સામેવાળાને સ્પર્શ્યા વિના રહેશે નહીં.
હવે આવે છે વાત સ્વાર્થની.
સ્વાર્થના કારણે તમે ઓળખી શકશો કે વ્યક્તિમાં સ્વાર્થ છે. કોઈ માત્ર પોતાની ગરજ પૂરતો સંબંધ રાખે અને પછી ભૂલી પણ જાય. કહે છેને, ગરજ સરી કે વૈદ વેરી...! સ્વાર્થી મનુષ્યો તરત પરખાઈ જાય છે. એને માટે કોઈ વિશેષ પ્રયત્ન નથી કરવો પડતો. બસ, થોડો સમય સાથે રહો એટલે એ પોતાના મૂળ રંગમાં આવી જાય. આવી સ્વાર્થી વ્યક્તિનો એક જ રંગ હોય છે, એ ગોરા નથી હોતા, કાળા નથી હોતા, એ હોય છે તો માત્ર સ્વાર્થી અને આ પ્રકારની વ્યક્તિ સાથે સંબંધ હોય કે ન હોય, દુન્યવી દૃષ્ટિએ કોઈ ફરક નથી પડતો.
હવે વાત પરમાર્થની.
પરમાર્થ કેટલો છે એનાથી પણ વ્યક્તિ ઓળખાઈ જાય છે. કોઈ સદા બીજાને માટે જ જીવતું હોય, બીજાનો જ ખ્યાલ રાખતું હોય તો એ પરમાર્થ કરે છે. આવી વ્યક્તિ સમાજમાં ભલે બહુ ઓછી જોવા મળતી હોય, પણ એ તો સૌકોઈએ સ્વીકારવું રહ્યું કે આવી પરમાર્થ વ્યક્તિને લીધે જ આ દુનિયા ટકી શકી છે.
જો આ ચારેચારમાં ચણાયેલો કોઈ માણસ યાદ આવે તો એનું નામ રોજ લેવું, કારણ કે સવારના પહોરમાં જેની જીભે શુભ નામ, એનું બપોરે શુભ કામ અને એની રોજ હોય શુભ શામ.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)