લોકોને ભગવાનના ધામ સુધી લઈ જવાને બદલે સ્વયં પ્રભુને ઘેર-ઘેર પધરાવ્યા

03 May, 2024 06:57 AM IST  |  Mumbai | Vaishnavacharya Dwarkeshlalji

જગતગુરુ મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજી એક ક્રાન્તિકારી આચાર્ય હતા.

પ્રતીકાત્મક તસવીર

જગતગુરુ મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજીના ૫૪૭મા પ્રાગટ્ય વર્ષની આપ સૌને ખૂબ-ખૂબ વધાઈ. ૮ મે, ચૈત્ર વદ અગિયારસના દિવસે શ્રી વલ્લભાચાર્યજીનો ૫૪૭મા વર્ષમાં પ્રવેશ થશે. જગતગુરુ મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજી એક ક્રાન્તિકારી આચાર્ય હતા. તેમના પહેલા યજ્ઞયાગ, કર્મકાંડમાં જ બધાએ પૂજાપદ્ધતિને સમેટી હતી. એ યજ્ઞયાગ પછી નારદ પંચરાત્રની પૂજાપદ્ધતિ હતી, જેમાં આવાહનથી લઈને વિસર્જન સુધી ષોડશોપચાર પૂજાપ્રદ્ધતિ અસ્તિત્વમાં આવી, પણ એમાં નવી ક્રાન્તિ કરી અને શ્રી મહાપ્રભુજીએ ઠાકોરજીની સેવા પદ્ધતિ વિ​કસિત કરી, જેમાં પ્રભુના સ્વરૂપમાં આવિર્ભાવ કરીને ભોગ, રાગ, શ્રૃંગાર સહિત વૈભવપૂર્વક પ્રભુના સુખનો વિચાર કરીને સેવા કરવાનું જીવને શીખવાડ્યું છે. 

શ્રી વલ્લભાચાર્યજી પહેલાં ઘણા બધા આચાર્યો થયા, સંતો થયા, મહંતો થયા. ઘણા-ઘણાએ કહ્યું કે ચાલો અમે તમને ભગવાનના ધામ સુધી પહોંચાડીએ. અમે તમને ભગવાનનાં દર્શન કરાવીએ. એકમાત્ર શ્રી વલ્લભાચાર્યજી એવા આચાર્ય હતા જેમણે કહ્યું ના, મારે તમને કોઈને ભગવાનના ધામ સુધી લઈ જવાનો પરિશ્રમ નથી કરાવવો અને સ્વયં ભગવાનને જ તેમના ધામમાં પધરાવીને એક-એક વૈષ્ણવના ઘેર-ઘેર પધરાવી એક-એક વૈષ્ણવનું ઘર હું નંદાલય બનાવી દઉં અને એક-એક વૈષ્ણવના ખોળામાં હું પ્રભુને ખેલતા કરી દઉં. 

જીવ માત્રને સેવાનો અધિકાર આપ્યો. સ્ત્રી અને શુદ્રોનો ઉદ્ધાર કરનારા શ્રી વલ્લભાચાર્યજી છે. સદીઓ પહેલાં સમાજમાં સ્ત્રી અને શુદ્રોને ભક્તિનો અધિકાર નહોતો. તેમના ઉદ્ધાર માટે વ્યાસજીએ મહાભારતની રચના કરી છે, જ્યારે શ્રી મહાપ્રભુએ વિચાર કર્યો કે સ્ત્રી અને શુદ્રો જો પ્રભુની ભક્તિમાં નહીં જોડાય તો તેમનો ઉદ્ધાર કઈ રીતે થશે? તમે તેમના સેવકોમાં જુઓ તો કેટલાય નીચલા, પછાત વર્ગવાળા જેને સમાજ અછૂત માનતો હતો તેમને સ્વીકારી, તેમને અપનાવી, તેમને બ્રહ્મસંબંધ આપી, પ્રભુની સેવા સાથે તેમને જોડ્યા છે અને ઠાકુરજી પણ તેમની સાથે ખેલ્યા છે. શ્રી ગોસાઈજીના વાર્તાપ્રસંગમાં જોઈએ... ‘ભીલ જાતિની કુંજરી ગરમીમાં પાણીથી તરસી રહી હતી. શાક વેચી રહી હતી અને તરસથી ગળું સુકાઈ રહ્યું હતું. ક્યાંય પાણી ન મળે. તેના પ્રાણ નીકળવાની તૈયારીમાં હતા. શ્રી ગોસાઈજી ત્યાંથી પસાર થયા અને તેમની સાથે શ્રીનાથજીની સોનાની ઝારી હતી જેમાં જળ ભરેલું હતું. તો શ્રીનાથજીની સોનાની ઝારીમાંથી એ કુંજરીને જળ પીવડાવ્યું. સાથે ચાલતી વ્યક્તિએ કહ્યું કે આ શ્રીનાથજીની ઝારી તો ચવાઈ ગઈ, ત્યારે તેમણે કહ્યું કે ઝારી તો નવી બની જશે, પણ અત્યારે તો મને તેનામાં શ્રીનાથજીનાં દર્શન થાય છે. તેના પ્રાણ બચાવવા એ આપણું પહેલું કર્તવ્ય છે.’ 

astrology life and style columnists