26 October, 2022 04:52 PM IST | Mumbai | Morari Bapu
મોરારી બાપુ
નવ પ્રકારની ભક્તિ બિલકુલ સરળ સહજ બતાવી છે. રામજી શબરીને કહે છે, ક્યારેય ક્યાંય કોઈ સંત મળી જાય ત્યારે એ સંતનો સત્સંગ કરવો એ પહેલી ભક્તિ છે. કોઈ જગ્યાએ ભગવાનના ચરિત્રની કથા થતી હોય તો એ કથાના પ્રસંગોને પ્રેમ કરવો એ બીજી ભક્તિ છે. ગુરુપદ પંકજ સેવા ત્રીજી ભક્તિ છે. આ વાતને જરા સમજજો. અમાન-અભિમાન છોડીને પોતાના ગુરુની સેવા કરવી એનું નામ પંકજ સેવા અને એ સેવાને ત્રીજી ભક્તિ ગણવામાં આવી છે.
ચોથી ભક્તિ મમ ગુન ગાન કરી કપટ તજી ગાન. અર્થાત્, કષ્ટ છોડીને મારા ગુણોનું ગાન કરવું અને વિશ્વાસ રાખીને મારા મંત્રનો જાપ કરવો એ પાંચમ ભક્તિ. સજ્જનોની જેમ દુનિયામાં સદાચારમય જીવન જીવવું એ થઈ છઠ્ઠી ભક્તિ. સાતમી ભક્તિમાં સૌમાં પ્રભુને જુઓ અને સંતોને ભગવાન કરતાં પણ વધારે સમજો. વાત કરીએ આઠમી અને નવમી ભક્તિની.
આઠમી ભક્તિ પુરપાર્થના પરિણામે જે મળે એમાં સંતોષ રાખવો અને સપનામાં પણ ક્યારેય બીજાના દોષ ન જોવા. નવમી ભક્તિ સરળ જીવન, કોઈ સાથે છળકપટ ન થાય અને હરિના ભરોસે જીવન જીવવું ગમે એવી પરિસ્થિતિ હોય તો પણ ન હર્ષ કે નહીં શોક અને મુખારવિંદ એક જ અવસ્થામાં રહે.
આ ૯ પ્રકારની ભક્તિ પ્રભુએ બતાવી. શબરી સમી નવમાંથી એક પણ ભક્તિ જેનામાં હોય, ભલે પછી એ સ્ત્રી હોય, પુરુષ હોય કે સચરાચર. કોઈ પણમાં હોય, મને અત્યંત પ્રિય છે. તમારામાં તો શબરીજીની નવેનવ ભક્તિ છે.
અનિમિતા ભક્તિ નિમિતા ભક્તિ, બે વાત આવે છે. તમારો જે સ્વધર્મ છે એ નિમિત્તા ભક્તિ છે. તમારો જે પરમ ધર્મ છે તે અનિમિત્તા ભક્તિ છે. ભાગવતની ભક્તિ અનિમિત્તા ભક્તિ છે. જગતની જ્યારે પણ કોઈની સેવા કરો ત્યારે નિમિત્ત બનીને કરો. જ્યારે પરમધર્મની ભક્તિ કરી ત્યારે નિમિત્ત પણ છોડી દો. નિમિત્તે શબ્દનો અર્થ છે નિશાની, શિકન. પછી એ સારાં પણ હોય અને ખરાબ પણ હોય. જગતની સેવા કરશો ત્યારે સારું-ખરાબ, લાભ-અલાભ થશે જ. અનિમિતા ભક્તિ સર્વોચ્ચ વાત છે. જ્યાં સુધી તમારો સ્વભાવ એને અનુરૂપ ન બની જાય ત્યાં સુધી અનિમિતા ભક્તિ છે. કોશિશ કરવાથી એ નથી થતું. જ્યારે વૃત્તિ સ્વાભાવિક થઈ જાય ત્યારે અનિમિતા ભક્તિ થાય છે. ધર્મગુરુ નિમિતા ભક્તિ શીખવે છે, સદ્ગુરુ અનિમિતા ભક્તિ આપે છે. નિમિતા ભક્તિ એટલે ભગવાનનાં ચરણો સુધી પહોંચવું, અનિમિતા ભક્તિ શરણાગતિની બાબત છે. એક વાત હંમેશાં યાદ રાખવી કે ભક્તિ સાધન નથી, ફૂલ નથી, ફળ પણ નથી, પણ રસ છે અને એ રસ જીવનને રસપ્રદ બનાવી દે છે.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)