આ વખતે બે અમાસ હોવાથી દિવાળીનું લક્ષ્મીપૂજન ક્યારે કરવું? ૩૧ ઑક્ટોબર કે ૧ નવેમ્બર?

08 October, 2024 08:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લોકોને આ પ્રશ્ન સતાવી રહ્યો છે ત્યારે જ્યોતિષીઓમાં પણ છે મતમતાંતર : કાશી સહિત દેશના ઘણા ઍસ્ટ્રોલૉજર્સ ૩૧ ઑક્ટોબરે દિવાળી મનાવવા પર ભાર મૂકી રહ્યા છે, જ્યારે કાલનિર્ણયના રચયિતા જયંત સાળગાવકર ૧ નવેમ્બર કહે છે

પ્રતીકાત્મક તસવીર

દેશમાં ૨૯ ઑક્ટોબરે ધનતેરસથી દિવાળીના મહાપર્વનો આરંભ થશે અને આ વર્ષે અમાસની બે તિથિ હોવાથી કયા દિવસે દિવાળી મનાવવામાં આવે એ માટે જે મતમતાંતર દેખાઈ રહ્યા છે એ જોતાં કાશી સહિત દેશના ઘણા જ્યોતિષીઓએ ૩૧ ઑક્ટોબરે દિવાળી મનાવવા જણાવ્યું છે.

આ વર્ષે ૩૧ ઑક્ટોબર અને પહેલી નવેમ્બર એમ બે દિવસ અમાસની તિથિ છે. આથી ઘણા લોકોમાં દિવાળી કયા દિવસે મનાવવી એ બાબતે વિવાદ થયો છે. ઘણાં પંચાંગમાં પણ દિવાળીની તારીખો અલગ-અલગ આપવામાં આવી છે, પણ ખગોળ વિજ્ઞાન કેન્દ્રમાંથી નીકળતા રાષ્ટ્રીય પંચાંગમાં ૩૧ ઑક્ટોબરે જ દિવાળી દર્શાવવામાં આવી છે.

ખગોળ વિજ્ઞાન કેન્દ્રનું પંચાંગ અમેરિકાની અવકાશ-સંસ્થા નૅશનલ ઍરોનૉટિક્સ ઍન્ડ સ્પેસ ઍડ્‍મિનિસ્ટ્રેશન (NASA) પાસેથી મળતી ખગોળીય જાણકારીના આધારે તૈયાર કરવામાં આવે છે. અમાસમાં પ્રદોષકાળ એટલે કે સંધ્યાકાળ અને રાત્રિનાં મુહૂર્ત રહેશે. આ કારણથી દિવાળી ૩૧ ઑક્ટોબરે મનાવવા જણાવવામાં આવ્યું છે.

જોકે જાણીતા જ્યોતિષી અને કાલનિર્ણય કૅલેન્ડરના સ્થાપક જયંત સાળગાવકરનો આ બાબતે ભિન્ન મત છે. તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ વર્ષે ૩૧ ઑક્ટોબર અને ૧ નવેમ્બર એમ બન્ને દિવસે અમાસ છે. અમે જ્યોતિષવિદ્યાના ઑથે​ન્ટિક ગ્રંથો ધર્મસિંધુ, પુરુષાર્થ ચિંતામણિ, તિથિનિર્ણય અને વ્રત પર્વ વિવેકનો અભ્યાસ કરીને એમાં શું આપ્યું છે એ પ્રમાણે અને ગ્રહોની સ્થિતિ અનુસાર નિર્ણય લીધો છે. ઘણી બધી બાબતોના આકલન બાદ ૧ નવેમ્બરે દિવાળી, લક્ષ્મીપૂજન કરવું ઉચિત રહેશે એવું અમારું માનવું છે.’

કર્મકાંડ અને જ્યોતિષના જ્ઞાતા સંતોષ ​ત્રિવેદીએ કહ્યું કે ‘આ વર્ષે ૩૧ ઑક્ટોબરે બપોરે ૩.૫૨ વાગ્યે અમાસ બેસે છે જે ૧ નવેમ્બરે સાંજે ૬.૧૬ વાગ્યા સુધી રહેશે. લક્ષ્મીપૂજન મોટા ભાગે રાતના સમયે કરવામાં આવતું હોય છે એટલે ૩૧ ઑક્ટોબરે રાતે શુભ મુહૂર્તમાં લક્ષ્મીપૂજન કરી શકાય. બીજું, ઘણા લોકો ગોધૂલી-ગોરજ વેળા (સૂર્યાસ્ત પહેલાંનો સમય)એ લક્ષ્મીપૂજન કરે છે. તેમણે ૩૧ ઑક્ટોબરે પૂજન કરવાનું રહેશે, ૧ નવેમ્બરે સૂર્યાસ્ત પહેલાં જ અમાસ પૂરી થતી હોવાથી ૩૧ ઑક્ટોબરે એ પૂજન કરવાનું રહેશે. જ્યારે જે લોકો સ્વાતિ નક્ષત્રમાં જ લક્ષ્મીપૂજન કરતા હોય તેમણે ૧ નવેમ્બરે સ્વાતિ નક્ષત્ર હોવાથી એ દિવસે પૂજન કરવાનું રહેશે.’

ઇન્દોર સહિતના ઘણા જ્યોતિષીઓ પણ પહેલી નવેમ્બરે દિવાળી મનાવવા અને લક્ષ્મીપૂજા કરવા જણાવી રહ્યા છે. તેમણે કહ્યું છે કે બીજા દિવસની અમાસમાં પણ પૂજા થઈ શકશે, બે દિવસ અમાસ હોય તો બીજા દિવસે પૂજા કરવી જોઈએ. ૩૧ ઑક્ટોબરે ચતુર્દશી તિથિયુક્ત અમાસ છે એથી એને બદલે બીજા દિવસે પૂજા કરવામાં આવે એવું તેમનું માનવું છે.

જ્યારે નિર્ણય સિંધુ અને ધર્મ સિંધુમાં જણાવ્યા મુજબ પ્રદોષકાળ અને રાત્રિમાં અમાસ હોય તો એ દિવસે લક્ષ્મીપૂજા અને દીપદાન કરવું જોઈએ. કાશી, મુંબઈ, કલકત્તા સહિતના વિદ્વાન જ્યોતિષીઓએ પણ ૩૧ ઑક્ટોબરે દિવાળી મનાવવા કહ્યું છે. પહેલી નવેમ્બરની અમાસે સ્નાન અને દાન કરવાનું જણાવવામાં આવ્યું છે.

diwali mahalaxmi astrology life and style columnists