29 October, 2024 08:48 AM IST | Mumbai | Acharya Devvrat Jani
પ્રતીકાત્મક તસવીર
શાસ્ત્રોમાં કહેવાયું છે એ મુજબ વર્ષના અમુક દિવસ દરમ્યાન મા લક્ષ્મી પોતે સ્વર્ગમાંથી સાક્ષાત્ પૃથ્વી પર આવે છે. આ દિવસો દરમ્યાન જે તેમને પ્રસન્ન કરે છે તેમને ત્યાં લક્ષ્મીજી પોતાનો વાસ કરે છે. લક્ષ્મીજીના પૃથ્વીગમનના દિવસોમાંનો એક દિવસ ધનતેરસ છે. ધનતેરસ ઉપરાંત મા લક્ષ્મી દેવદિવાળી એટલે કારતકી પૂનમના દિવસે, અક્ષયતૃતીયા અને અખાત્રીજના દિવસે પણ પૃથ્વી પર આવે છે. અહીં કહ્યા એ બધા દિવસો માટે રાહ જોવાની છે, જ્યારે આજે ધનતેરસ છે. આજે જ્યારે મા લક્ષ્મીજી પૃથ્વી પર છે ત્યારે એ આખું વર્ષ તમારી સાથે રહે અને આવતી ધનતેરસ સુધી તમને ધનની કોઈ આવશ્યકતા ઊભી ન થાય એ માટે શું કરવું એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ.
અથાગ પ્રયાસ અને પરિશ્રમ પછી પણ ઘણાને જીવનમાં વાજબી રીતે ધનપ્રાપ્તિ નથી થતી. આવું ન બને અને પરિશ્રમ મુજબનું પરિણામ મળે એ માટેના કેટલાક સરળ રસ્તાઓ અહીં દર્શાવ્યા છે.
લક્ષ્મીજી અને કન્યા
વાંચવા કે સાંભળવામાં બહુ સામાન્ય લાગશે, પણ આ હકીકત છે. જે ઘરમાં મહિલાઓને સન્માન નથી મળતું, જ્યાં મહિલાઓને આદર આપવામાં નથી આવતો એ ઘરમાં મા લક્ષ્મી ક્યારેય પ્રવેશ કરતાં નથી. પરિવારની મહિલાઓનું માન જાળવો, તેમને આદર-સત્કાર આપો. જો મા હયાત હોય અને તમારી સાથે રહેતાં હોય અને તમને સંકોચ ન થતો હોય તો ઘરેથી નીકળતી વખતે તેમને પગે લાગીને કામ પર જવું. પત્નીને પૂરેપૂરું માન આપો અને દરેક નવા કામના આરંભ પહેલાં તેમને એ કામ વિશે વાત કરો અને સાથે પત્નીને વિનંતી પણ કરો કે એ કામ થાય એને માટે તે લક્ષ્મીજીને પ્રાર્થના કરે. એ ઉપરાંત દીકરી અને બહેનને સમાન ગણીને તેમને સ્નેહ આપો. પરિવાર ઉપરાંતની મહિલાઓનો આદર આપવો અત્યંત જરૂરી છે.
બે ખાસ વાત, ઉઘાડા પગે ફરતી મહિલાઓને ચંપલ ભેટ આપવાથી મા લક્ષ્મી અત્યંત પ્રસન્ન થાય છે અને બીજી વાત, રસ્તા પર પસાર થતી વખતે જો કોઈ લેડી આડી ઊતરે તો એને શુકન ગણીને પહેલાં તેને રસ્તો ક્રૉસ કરવા દો.
લક્ષ્મીજી અને મંદિર
ઘરમાં નિયમિત આરતી-દીવા કર્યા પછી જો ઘરમાં તુલસી-ક્યારો હોય તો તુલસીજીને પણ આરતીની આશ્કા આપવી જોઈએ. મોટા ભાગના ઘરના મંદિરમાં કુળદેવી અને દેવતાને સ્થાન આપવામાં આવે છે, પણ લક્ષ્મીજીને સ્થાન નથી હોતું. તમે જ કહો, તો લક્ષ્મીજી ઘરે શું કામ આવે? લક્ષ્મીજીને મંદિરમાં સ્થાન આપો અને તેમની સાથે ગણેશજીને પણ મંદિરમાં બિરાજમાન કરો. લક્ષ્મીનો વાસ જ્યાં એકલો હોય છે ત્યાં તકલીફો આવવાની સંભાવના રહે છે એટલે વિઘ્નહર્તા પણ તેમની સાથે હોય એ આવશ્યક છે.
ધનપ્રાપ્તિ માટે દર શુક્રવારે નિયમિત રીતે મા લક્ષ્મીજીનાં દર્શને જવું જોઈએ. લક્ષ્મીજીનાં દર્શન પછી ૧૨ વર્ષથી નાની ઉંમરની દીકરીઓને ચૉકલેટ કે મીઠાઈ આપવાનું કાર્ય નિયમિત કરો. લક્ષ્મીજીને ખુશ કરવાનો આ કારગત કીમિયો છે.
લક્ષ્મીજી અને શ્રી સુક્ત
ઘણા શ્રી સુક્ત્મ પણ બોલે છે, એ પણ ખોટું નથી. મા લક્ષ્મીજીની આરાધના માટેનો આ સૌથી શ્રેષ્ઠ રસ્તો છે. શ્રી સુક્તનો ઉલ્લેખ રુગ્વેદના પાંચમા મંડળમાં છે. પહેલાંના સમયમાં નિયમિતપણે રાજા-મહારાજા શ્રી સુક્તનો જાપ કે હવન કરતા. ધનપ્રાપ્તિ માટે કરવામાં આવતા શ્રી સુક્તનો હવન કરવામાં આવે તો એનું પરિણામ જલદી મળે છે. હવનમાં ગાયનાં છાણાં, કપૂર અને ગાયનું દેશી ઘી એમ ત્રણ જ સામગ્રીની જરૂર પડે છે. ઘરમાં થઈ શકતા આ શ્રી સુક્તમાં કુલ ૧૬ રુચાઓ છે, જે દરેક રુચા પછી હવનમાં ઘી હોમતા જવાનું છે. શ્રી સુક્ત કઈ રીતે થાય એ પણ હવે તો ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે તો શ્રી સુક્તની ૧૬ રુચા પણ હવે યુટ્યુબ પર અવેલેબલ છે. હા, એક ખાસ વાત. શ્રી સુક્તના હવનના ૨૧ આવર્તન ફરજિયાત છે, જેમાં કોઈ બ્રેક ન આવવો જોઈએ. એક જ સમયે શ્રી સુક્ત હવન થાય એ પણ જરૂરી છે.