આજે વાક્બારસ : વાણીમાં પ્રભાવ અને મીઠાશ ઉમેરવાના સર્વોચ્ચ રસ્તાઓ તમને ખબર છે?

28 October, 2024 07:34 AM IST  |  Mumbai | Acharya Devvrat Jani

જે વાણીમાં પ્રભાવ અને મીઠાશ ઉમેરવા માગે છે તેમણે નિયમિતપણે કેસર, ચોખા અને દહીંનો વપરાશ કરતા રહેવું જોઈએ

મા સરસ્વતી

કેટલીક વખત એવું બને છે કે કહેવાયેલી વાત સો ટકા સાચી હોય તો પણ સામેવાળા એનો ભાવાર્થ ખોટો કાઢે. વાત સાંભળવાને બદલે સમજવાનો પ્રયાસ કરે અને પછી એનો અનર્થ કરે. આવું મોટા ભાગે દરેક સાથે બને છે, જેનું કારણ છે અસરહીન વાણી. વાણીમાં મીઠાશ આવે અને કહેવાયેલી વાત અસરકારક બને એ માટે શું કરવું જોઈએ એ જોઈએ આજના વાક્બારસના શુભ દિવસે.

મા સરસ્વતી એટલે બુધ, ગુરુ અને શુક્ર ગ્રહનો ત્રિવેણી સંગમ. આ જ કારણ છે કે તમે જુઓ છો કે જે ખૂબ સારા વક્તા હોય છે તેના જન્માક્ષરમાં આ ત્રણેય ગ્રહ બહુ સારી અવસ્થામાં અને મજબૂત સ્થાનમાં હોય છે.

યલો કલર અને સરસ્વતી

માત્ર લખાયેલો જ નહીં, કહેવાયેલો શબ્દ પણ મા સરસ્વતી છે અને એનો પ્રભાવ ઊભો થાય એ પણ મા સરસ્વતી છે. વાણીમાં પ્રભાવ લાવવો હોય તો સૌથી પહેલું કામ મંદિરમાં મા સરસ્વતીને સ્થાન આપીને નિયમિતપણે મા સરસ્વતીને ચંદનનું તિલક કરો અને પછી એ જ ચંદનમાંથી સ્વયંને પણ તિલક કરો. મા સરસ્વતીએ સફેદ વસ્ત્રો પહેર્યાં છે એટલે ઘણા એવું માને છે કે મા સરસ્વતીને સફેદ વસ્ત્ર કે રંગ પસંદ છે; પણ ના, માને યલો કલર પસંદ છે. વાણી પર પ્રભાવ ઊભો કરવો હોય તો નિયમિતપણે આંખ સામે યલો કલર રહે એ મુજબનું આયોજન કરો. મોટા ભાગની ઑફિસમાં વર્ક-સ્ટેશન પર લાલ કલરનું સૉફ્ટ બોર્ડ આપવામાં આવે છે, જેનું કારણ સાફસૂફીમાં સરળતા રહે એ હોઈ શકે છે. જોકે હકીકતમાં ઑફિસમાં સેલ્સ અને માર્કેટિંગ ટીમને તો યલો કલરનું જ સોફ્ટ બોર્ડ આપવું જોઈએ, જેથી તેમના વાક્ચાતુર્યનો લાભ કંપનીને મળે.

મા સરસ્વતીને પ્રસન્ન રાખવા માગતી વ્યક્તિએ ગોલ્ડની જ્વેલરી પણ મહત્તમ પ્રમાણમાં પહેરવી જોઈએ.

મૌન અને મા સરસ્વતી

ચૂપ રહેવાનું નથી કહેવાઈ રહ્યું, કહેવાઈ રહ્યું છે મૌનનું. મૌન રહેવાનો અર્થ છે શબ્દોનું મૂલ્ય સમજ્યા પછી પણ એના વિના રહેવાની આદત કેળવવી. વીકમાં એક વાર કે પછી દિવસ દરમ્યાન અમુક ચોક્કસ કલાકો પૂરતું મૌન પાળવાથી પણ મા સરસ્વતીની આરાધના થાય છે. જોકે અહીં અંગત સવલત નથી જોવાની. જ્યારે કોઈ ન હોય ત્યારે આપણે ચૂપ રહીએ છીએ, પણ એ મૌન નથી.

મૌન દરમ્યાન વિચારોને શાંત રાખવામાં આવે અને મહત્તમ વાંચન કરવામાં આવે તો અતિ ઉત્તમ. વાંચન માટે ગૅજેટ્સનો ઉપયોગ કરવાને બદલે પુસ્તકનો ઉપયોગ થાય તો સૌથી સારું. મૌન દરમ્યાન લખીને પણ વ્યવહાર કરવાનો કે ઇશારાનો ઉપયોગ માત્ર જાણકારી પૂરતો જ કરવો જોઈએ કે અત્યારે મૌન ચાલે છે. મૌન દરમ્યાન બીજી કોઈ પ્રક્રિયા ન હોય તો સરસ્વતી માના બીજ મંત્ર... સરસ્વત્યૈ નમઃનો મનમાં જાપ કરવો. જાપ કરવાનો છે, રેસ નહીં કે ફટાફટ બોલો. આ નિયમ દરેક મંત્રમાં લાગુ પડે છે.

ફૂડ અને મા સરસ્વતી

જે વાણીમાં પ્રભાવ અને મીઠાશ ઉમેરવા માગે છે તેમણે નિયમિતપણે કેસર, ચોખા અને દહીંનો વપરાશ કરતા રહેવું જોઈએ. કેસરવાળા ભાત અને ગળ્યું દહીં મા સરસ્વતીનો પસંદીદા ભોગ છે. શક્ય હોય તો એનાથી દિવસની શરૂઆત થાય તો બેસ્ટ અને ધારો કે એ રોજ શક્ય ન હોય તો ઘરની બહાર નીકળતાં પહેલાં એક સ્પૂન કેસર શ્રીખંડની ખાઈ શકાય.

બુધવારે જો નાની દીકરીઓને કેસર પેંડા કે કેસર શ્રીખંડ ખવડાવી શકાય તો એ ભોગ સીધો મા સરસ્વતી સુધી પહોંચ્યાનું માનવામાં આવે છે.

astrology life and style culture news columnists