ધર્મ, અર્થ, કામ, મોક્ષ મહત્ત્વના ચાર પુરુષાર્થ

19 December, 2022 05:49 PM IST  |  Mumbai | Swami Satchidananda

ગર્ભ ધારણ કરવાના હેતુ વિના જ્યારે સંભોગ કરવામાં આવે છે ત્યારે તો બધાં જ જંતુઓ વ્યર્થમાં મરી જાય છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

આપણે વાત કરીએ છીએ અહિંસાની. અહિંસાની વાતમાં તો ઘેરબેઠાં એવાં-એવાં સંશોધનો થયાં છે કે ગધેડાને જ નહીં, સૃષ્ટિનાં તમામ પ્રાણીઓને તાવ આવી જાય. 

કેટલાક લોકોએ ખોળી કાઢ્યું છે કે નર-નારી જ્યારે સંભોગ કરે છે ત્યારે નર જે વીર્ય છોડે છે એમાં બે અબજ જેટલાં જંતુઓ હોય છે. એમાંથી એક જ જીવાણુ માદાના બીજને ફલિત કરીને ગર્ભરૂપે ધારણ થાય છે. બાકીનાં બધાં જીવાણુઓ યોનિમાર્ગનાં રસાયણોમાં મરી જાય છે. ગર્ભ ધારણ કરવાના હેતુ વિના જ્યારે સંભોગ કરવામાં આવે છે ત્યારે તો બધાં જ જંતુઓ વ્યર્થમાં મરી જાય છે. અધધધ! કેટલી મોટી હિંસા! પણ ત્યારે હવે આનાથી બચવાનો ઉપાય શું? એવું ન થઈ શકે કે વીર્યમાં માત્ર એક જ જંતુ વછૂટે અને નારી બીજનું વેધન કરી બાળકરૂપે પરિણમે? વગર જોઈતાં કરોડો-કરોડો જંતુઓ છૂટવાની પ્રક્રિયા શા માટે? અરે, નવી સૃષ્ટિ જ બંધ કરી દેવાય તો બધાં પાપ આપોઆપ બંધ થઈ જાય અને મહાપાપમાંથી ઊગરી જાય.

આ અને આ પ્રકારના ચિંતનને પરિણામે સંભોગને પણ મહાપાપ માનવામાં આવ્યું અને સંભોગનો સદંતર ત્યાગ કરનાર બ્રહ્મચારીને શ્રેષ્ઠ પદ અપાયું. ફરી-ફરીને એક મુદ્દો યાદ રાખવાનો કે કુદરતવિરોધી નકારાત્મક ચિંતન અને નકારાત્મક ઉપાયોથી કદી પણ પ્રશ્નો ઉકેલાતા નથી. સંભોગના મહાપાપથી બચવા લોકો બ્રહ્મચારી થઈ જવા માંડ્યા. પહેલાં તો માત્ર પુરુષો જ બ્રહ્મચારી થતા, પણ પછી, મોડે-મોડે સ્ત્રીઓ પણ બ્રહ્મચારિણી થવા માંડી અને એવું બન્યું કે આ દેશ સાધુ-ભિક્ષુ અને બ્રહ્મચારીઓનો દેશ થઈ ગયો. લગભગ બધા જ પરાવલંબી જીવન જીવનારા. બ્રહ્મચર્યને મોક્ષ સાથે જોડી દેવાયું એટલે સર્વોત્તમ અને અંતિમ લક્ષ્ય મોક્ષ માટે બ્રહ્મચર્ય અનિવાર્ય થઈ ગયું. 

આનાથી વિપરીત કહેવાય એવી વાત પણ સમજવી જોઈએ.

આ પણ વાંચો : પ્રશ્નો ઉકેલવાની પ્રેરણા આપે એ ધર્મ

પ્રાચીનકાળમાં એટલે કે વૈદિકકાળમાં ઋષિઓ પત્નીવાળા છે. સંભોગને પાપ નથી માનતા. ઊલટાના ચાર પુરુષાર્થમાં એને પણ મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું હતું. ચાર પુરુષાર્થ એટલે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. 

આ પણ વાંચો : કુદરતી પ્રક્રિયામાં સતત હિંસા જ હિંસા રહી છે

આ સકારાત્મક ચિંતન હતું. ઋષિઓ પરાવલંબી જીવન નથી જીવતા. તેઓ સ્વાવલંબી જીવન જીવે છે, પણ આજના સમયમાં એવું નથી રહ્યું. હવેના સમયમાં જે હજારો-લાખો બ્રહ્મચારીઓ ઊભા થયા એ કુદરતવિરોધી નકારાત્મક અને પરાવલંબી જીવન જીવતા થઈ ગયા. સંભોગરૂપી મહાપાપથી બચવા માટે તેમણે સ્ત્રીત્યાગને મહાત્યાગ માન્યો. સ્ત્રીત્યાગીઓની ઉજ્જ્વળ કથાઓ લખાવા માંડી, જેથી બીજા પણ પોતપોતાની પત્નીઓનો ત્યાગ કરીને બ્રહ્મચારી બને અને દુર્લભ મોક્ષ પ્રાપ્ત કરે.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists life and style astrology swami sachchidananda