11 January, 2023 05:44 PM IST | Mumbai | Morari Bapu
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
આજની વાત આગળ વધારતાં પહેલાં એક વાત કહેવી છે.
હોકાયંત્રને તમે ક્યાંય પણ મૂકો, એ માણસને ઉત્તર દિશા જ દેખાડે છે એવી જ રીતે, સંત ક્યાંય પણ હોય, તે હંમેશાં ઉત્તમ દિશા જ દેખાડે છે. આજની વાત પણ આવી જ છે કંઈક. આપણા જૂના કથાકારો એક વાત કહે છે કે મેં એ વાત બહુ સાંભળી છે. કદાચ તમારામાંથી પણ ઘણાએ સાંભળી હોય.
ચાર ચોર હતા. ચારેય ચોર ક્યાંક ચોરી કરવા માટે ગયા. ચોરી ન કરી શક્યા અને ખાલી હાથે પાછા આવવું પડ્યું. ચારેય ચોરે સવારથી કંઈ ખાધું નહોતું એટલે ચારેયને એકદમ કકડીને ભૂખ લાગી હતી. રસ્તામાં પાછા આવતાં ચારેયનું ધ્યાન એક ભગતના આશ્રમ પર ગયું. ચારેય પહોંચ્યા આશ્રમ અને આશ્રમમાં જઈને ઊભા રહ્યા. ચારેયને એટલી ખબર હતી કે પોતે જે કામ કરે છે એ યોગ્ય નથી એટલે એવું તો કહી ન શકે કે અમે ચોર છીએ. રાતે મોડું પણ થઈ ગયું હતું. ભગત હતા ભજનાનંદી, તેઓ જાણતા હતા, પણ ચૂપ રહ્યા.
આ પણ વાંચો : ઈશ્વરનાં દર્શનની ઉત્કંઠા, મનમાં જાગે એ સમુત્કંઠા
આશ્રમમાં જઈને ચોરોએ કહ્યું, ‘બાબા, અમે ઘણે દૂરથી આવીએ છીએ, અમને ભૂખ લાગી છે.’
બાબાએ પૂછ્યું, ‘શું કામ કરો છો?’
ચોરોએ જવાબ આપ્યો, ‘બસ અમસ્તા ફરવા નીકળ્યા છીએ.’ એવું તો કહી શકે એમ નહોતા કે ગામમાં આવ્યા હતા ચોરી કરવા, પણ કાંઈ મળ્યું નહીં.
બાબાએ તો પ્રેમથી પૂછ્યું, ‘ભોજન કરશો?’
ચોરોને તો એ જ જોઈતું હતું, તરત જ એ બોલ્યા, ‘હા બાબા, જરૂર કરીશું.’
બાબાએ ધીમેકથી કહ્યું કે ‘એકાદ કલાક લાગશે. હું રાંધી દઉં છું, પછી તમને ભોજન મળશે, પણ આશ્રમનો નિયમ છે કે જે અહીં એક કલાક મંત્ર જાપ કરે તેને જ હું રોટલી આપું છું. તમારે જે મંત્ર જપવો હોય તે જપો, એમાં મારો કોઈ ખાસ આગ્રહ નથી, પણ મંત્ર જાપ કરવો પડે એ નિર્ધારિત છે.’
રસોડામાં જતાં પહેલાં બાબાએ બધાને એકેક માળા આપી. ચારેય જણ બાબાએ દેખાડ્યું હતું એમ, બે-બે ફુટ જગ્યા છોડીને બેસી ગયા. તેઓ વિચારવા લાગ્યા કે બાબાએ માળા પકડાવી દીધી છે, કોઈ મંત્ર આવડતો નથી તો શેનો જાપ કરીએ? ચારેય ચોરના મનની વાત આવતી કાલે કરીશું, પણ આજે એક વાત કહી દઉં કે ભક્તિ વિચાર નથી, એ હૃદયનો પોકાર છે.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)