અહિંસાનો નિયમ પાળો તો ખેતી થઈ જ ન શકે

12 December, 2022 05:30 PM IST  |  Mumbai | Swami Satchidananda

પૃથ્વી અને ખાસ કરીને ઉર્બરક પૃથ્વી તો બૅક્ટેરિયાથી ખદબદી રહી છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

આપણે વાત કરીએ છીએ અહિંસાના અતાર્કિક મુદ્દાની. એમાં આપણે વાત કરી પાણીમાં રહેતા જીવાણુઓની અને હવે આપણે વાત કરવાના છીએ પૃથ્વીમાંના જીવાણુઓની.
 
જેમ વાયુ અને જળમાં અસંખ્ય જીવાણુઓ છે અને લાખ પ્રયત્નો કરીને પણ એમની હિંસા કર્યા વિના આપણાથી જીવી શકાતું નથી એમ જ પૃથ્વી પર પણ અસંખ્ય જીવાણુઓ છે અને એમની હિંસા પણ અનિવાર્ય છે. પૃથ્વી અને ખાસ કરીને ઉર્બરક પૃથ્વી તો બૅક્ટેરિયાથી ખદબદી રહી છે. ખરું જોતાં તો જમીનના બૅક્ટેરિયા જ એને ફળદ્રુપ બનાવે છે. જે જમીનમાં કોઈ પણ પ્રકારના બૅક્ટેરિયા હોતા નથી એ ભાગ્યે જ ફળદ્રુપ હોઈ શકે. બૅક્ટેરિયા ઉપરાંત બીજાં પણ કેટલાય પ્રકારનાં જંતુઓ એમાં રહે છે. 
 
આપણે જ્યારે ખેતી કરીએ છીએ ત્યારે ખેડ કરવાથી અસંખ્ય જીવાણુઓ તથા જંતુઓ મરી જાય છે. જ્યારે વરસાદ થાય ત્યારે તો જમીન વધારે જંતુમય બની જાય છે. એવા સમયે પણ ખેતી તો કરવી જ પડે છે. જોઈ ન શકાય એવાં અને જોઈ શકાય એવાં અસંખ્ય જંતુઓનો કચ્ચરઘાણ નીકળે ત્યારે જ ખેતી થઈ શકે છે. આ હિંસાથી કેવી રીતે બચી શકાય? કેટલાક લોકોએ ઉપાય શોધી કાઢ્યો કે ખેતી જ કરવાનું બંધ કરો. એક સમય હતો જ્યારે આ લોકોએ પ્રજાને ઉપદેશ આપવા માંડ્યો કે ખેતી મહાપાપ છે. આ ઉપદેશથી કેટલાક લોકોએ ખેતી કરવાનું છોડી દીધું અને પોતે નિષ્પાપી જીવન જીવે છે એવો ગર્વપૂર્વકનો મનોભાવ ધારણ કરીને જીવવા લાગ્યા. જોકે ખરો પ્રશ્ન હવે થાય છે. 
 
જો ખેતી મહાપાપ છે તો અનાજ ખાવું પણ મહાપાપ કહેવાય. પણ ના, અનાજ તો આપણે ખાઈએ જ છીએ. અનાજ વિના તો કેમ ચાલે? સમાધાન એવું કરવામાં આવ્યું કે જે ખેતી કરે તેને પાપ લાગે, અનાજ ખાનારને પાપ ન લાગે. ‘કરે તે ભરે.’
 
આ પણ વાંચો : જીવાણુના સામ્રાજ્ય વચ્ચે અહિંસાની વાત ગેરવાજબી
 
જો આવી જ વાત હોય તો માંસાહારમાં પણ જે કસાઈ પશુની હત્યા કરે છે તેના માંસના ખાનારને પાપ ન લાગે. જોકે ત્યાં આવી ધારણા નથી. ત્યાં એવી ધારણા છે કે જેના નિમિત્તે પશુહત્યા કરી હોય તે નિમિત્ત એટલે કે માણસને પણ પાપ લાગે.
 
ખરેખર આ વાત સાચી હોય તો અનાજની બાબતમાં આ નિયમ કેમ ન લાગુ કરાય? જો અનાજની બાબતમાં નિમિત્તને પાપ લાગે તો અનાજ જ ખાઈ ન શકાય અને તો ભૂખે મરવાના દિવસો આવે. સૂક્ષ્મ જીવાણુઓને ન મારીએ, ન મરાવીએ તો આપણે હવા, પાણી અને આહાર ગ્રહણ કરી શકીએ નહીં એટલે આ પ્રકારની અહિંસા અવ્યાવહારિક ગણાય. એ શક્ય નથી. હવે કાલે આપણેકુદરતી પરિપ્રેક્ષ્યમાં આ જ વસ્તુસ્થિતિને જોઈએ.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)
life and style astrology swami sachchidananda columnists