09 April, 2024 09:39 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પૂજાપાની ફાઇલ તસવીર
હિંદુ ધર્મમાં ચૈત્રી નવરાત્રી (Chaitra Navratri 2024)નું ખૂબ જ મહત્વ રહેલું છે. આજથી એટલે કે 9 એપ્રિલથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે આ સમયગાળા દરમિયાન નવ દિવસ સુધી દેવી દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવશે. આજથી આ પૂજા વિધિની શરૂઆત થઈ ગઈ છે.
આજનો દિવસ એટલે ખાસ માનવામાં આવે છે કારણકે આજથી હિન્દુ નવું વર્ષ પણ શરૂ થાય છે. તમને જણાવી દઈએ કે આ વર્ષની ચૈત્રી નવરાત્રી પર ખાસ 30 વર્ષ પછી ત્રણ યોગની રચના થઈ રહી છે.
આ ચૈત્રી નવરાત્રિ (Chaitra Navratri 2024)ના પ્રારંભમાં યોગ સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ અને વૈધૃતિ યોગની રચના થઈ હોવાથી આજનો દિવસ ખાસ છે. વળી એવું પણ કહેવાય છે કે જો તમે વ્યક્તિ આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા હોવ તો ચૈત્રી નવરાત્રિ દરમિયાન કેટલીક ખાસ વસ્તુઓ ઘરે લાવવામાં આવે તો ફાયદો થતો હોય છે.
આવો જાણીએ કે આજના એટલે કે ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે ઘરમાં કઈ કઈ વસ્તુઓ લાવવી જોઈએ?
આ પ્રકારનો સોનાનો સિક્કો લાવો જોઈએ
આજના દિવસે સોનાનો સિક્કો ઘરે લાવવો શુભ માનવામાં આવે છે. પરંતુ ધ્યાન રહે કે આ સિક્કામાં દેવી લક્ષ્મીની સાથે ગણેશજીની મૂર્તિ પણ અંકિત કરેલી હોય. ચૈત્રી નવરાત્રી પૂરી થયા બાદ આ સિક્કો તમે તમારી તિજોરીમાં પણ રાખી શકો છો. જો આ સિક્કો ન ખરીદી શકો તો લાલ કપડું ખરીદવું જોઈએ.
મા દુર્ગાની મૂર્તિ કે પછી પગલાં શું લાવવું જોઈએ?
ચૈત્રી નવરાત્રિ (Chaitra Navratri 2024) દરમિયાન મા દુર્ગાના પગલાં ઘરે લાવીને મંદિરમાં પધરાવવા જોઈએ. આ પગલાં કોઈપણ ધાતુના હોઈ શકે છે, જેને તમે તમારી ક્ષમતા મુજબ લઈ શકો છો. મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે ચૈત્રી નવરાત્રિનાં પ્રથમ દિવસે કમળ પર બેઠેલી દેવી લક્ષ્મીની છબી પણ લાવી શકાય. આ છબીને ઘર મંદિરમાં રાખો. જેનાથી દેવી લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થશે.
સોનાની નહીં તો ચાંદીની આ વસ્તુ પણ લાવી શકાય
ચૈત્રી નવરાત્રિનાં પ્રથમ દિવસે માતા દુર્ગા ઘોડા પર સવાર થઈને આવતા હોય છે. માટે જ આ દિવસે ચાંદીનો ઘોડો લાવીને ઘર મંદિરમાં પધરાવી શકાય. જેનાથી મા દુર્ગાની વિશેષ કૃપા પ્રાપ્ત થશે. તેમજ ઘર પર તેમના હંમેશા આશીર્વાદ બનેલા રહેશે.
કળશની પણ સ્થાપના કરવી જોઈએ
હિન્દુ શાસ્ત્રોમાં કોઈપણ ધાર્મિક વિધિની શરૂઆત કળશ સ્થાપનાથી કરવામાં આવે છે. માટે જ ચૈત્રી નવરાત્રિ (Chaitra Navratri 2024) દરમિયાન જો તમે માટી, ચાંદી, પિત્તળ અથવા કોઈપણ ધાતુથી બનેલ કળશ લઈ આવો છો તો તે શુભ માનવામાં આવે છે. જેથી તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ અને બરકત આવે છે.
(ડિસ્ક્લેમરઃ અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આની પુષ્ટિ કરતું નથી)