24 November, 2024 07:50 AM IST | Mumbai | Acharya Devvrat Jani
પ્રતીકાત્મક તસવીર
ઘરમાં પડેલો કચરો ફેંકવા માટે રોકડી પાંચ મિનિટની જરૂર હોય પણ આળસ એવું કરે કે એ કચરો પંદર દિવસ સુધી ઘરમાં જ પડ્યો રહે. અસ્તવ્યસ્ત પડેલા ટેબલને વ્યવસ્થિત કરવામાં દસ મિનિટ પણ ઘણી થઈ જતી હોય પણ મન પર કામનું ભારણ વધારે પડતું મોટું કરી લેવાના કારણે અસ્તવ્યસ્ત ટેબલ મહિનો ખેંચી કાઢે. આ તો ઉદાહરણ છે અને કામનાં આવાં અનેક ઉદાહરણો એવાં છે જે થોડા અમસ્તા સમયના અભાવે ખેંચાયા કરતા હોય છે પણ શાસ્ત્રોમાં અમુક કામોને કે પછી અમુક પ્રક્ર્યિાને પાછી ઠેલવાની ના પાડવામાં આવી છે. જો એ પાછળ ઠેલવામાં આવે તો એને લીધે ગ્રહ અને વાસ્તુદેવ નારાજ થાય છે અને એ નકારાત્મક રિઝલ્ટ આપે છે. એ કયાં કામો છે જેને પ્રાથમિકતા આપીને પહેલાં કરવાં જોઈએ એના પર નજર નાખીએ.
શરીરમાં રહેલી માંદગી
ક્યારેય બીમારી કે માંદગીને ખેંચ્યા કરવી નહીં. અમુક નાની સર્જરી પણ એવી હોય છે જેને લોકો ટાળ્યા કરતા હોય છે પણ શરીરમાં રહેલી તકલીફની સીધી આડઅસર છે એ શનિ ગ્રહ પર થાય છે, જે કામને વિલંબ કરાવવામાં કારક બને છે. વ્યવહારુ દૃષ્ટિએ પણ શરીરમાં તકલીફ લાંબો સમય અકબંધ રાખવી ન જોઈએ, એનું શક્ય હોય એટલું ઝડપથી નિરાકરણ કરવું જોઈએ. પણ ઇમર્જન્સી નહીં હોવાના કારણે ઘણી વાર ડૉક્ટર પણ સામાન્ય છૂટછાટ આપી દે, પણ જો એવું બને તો પણ ગ્રહોના અને વાસ્તુશાસ્ત્રીના દૃષ્ટિકોણથી એવું કરવાને બદલે વહેલી તકે સારવાર શરૂ કરી દેવી.
જે ઘરમાં અકારણ લાંબો સમય બીમારી રહે છે એ ઘરનાં સુખ-શાંતિ જોખમમાં મુકાય છે.
મૂરઝાયેલાં ફૂલ-ઝાડ
જો પ્લાન્ટેશનનો શોખ હોય તો નિયમિત રીતે પ્લાન્ટમાંથી સુકાયેલાં પાન કે ફૂલ કાઢી લેવાં હિતાવહ છે. સુકાયેલાં પાન, ડાળી કે ફૂલ મૃતદેહ સમાન છે અને હંમેશાં યાદ રાખવું કે મૃતદેહનો ઘરમાંથી તાત્કાલિક નિકાલ કરવામાં આવે છે તો પછી મુરઝાયેલાં ફૂલ-ઝાડ કેવી રીતે ઘરમાં લાંબો સમય રહી શકે? મુરઝાયેલાં ફૂલ-છોડ કે ઝાડ એ ઘરમાં કેતુને આકર્ષે છે અને કેતુ જીવનની સુખ-સમૃદ્ધિ પ્રત્યે નીરસતા આપવાનું કામ કરે છે તો સાથોસાથ પરિવારમાં રહેલી મોટી ઉંમરની વ્યક્તિને વૈરાગ્ય આપવાનું કામ પણ કરે છે.
ઘરમાં જો તાજાં ફૂલ કે હાર આવતાં હોય અને એનો નિયમિત ઉપયોગ થતો હોય તો એને ૨૪ કલાકમાં ઉતારી લેવાં જોઈએ. ભગવાનને ચડાવેલાં ફૂલ-હારને કૂંડામાં ખાતર તરીકે વાપરી શકાય.
બગડેલી ઇલેક્ટ્રૉનિક આઇટમ
ઇલેક્ટ્રિક સાધનોને ગ્રહ સાથે સીધો કોઈ સંબંધ નથી પણ વાસ્તુ અને મશીનોને સીધો સંબંધ છે. જે ઘરમાં બગડી ગયેલાં ઇલેક્ટ્રૉનિક સાધન હોય છે એ ઘરમાં બીમારી પહેલાં આવે છે. જો સાધનનો વપરાશ ન હોય તો એને ઘરમાં રાખવાં નહીં. કાં તો એવાં સાધનોને માળિયામાં મૂકી દેવાં પણ માળિયામાં હોય એ સાધન પણ વપરાશ યોગ્ય હોવાં જોઈએ. જો એ સાધનનો ઉપયોગ જ ન થવાનો હોય તો તાત્કાલિક એનો નિકાલ કરવો જોઈએ. એ કોઈને આપી દો. અહીં પણ એક વાતની ચોખવટ કરવાની કે જો સાધન કોઈને એમ જ વાપરવા આપતાં હો તો હંમેશાં એ રિપેર કરાવીને જ આપવું. હા, ભંગારમાં એ ચીજ આપતાં હો તો રિપેર નહીં કરાવો તો ચાલશે.
ઘરમાં રહેલાં બગડેલાં સાધનો તબિયત બગાડવાનું કામ તો કરે જ છે પણ સાથોસાથ એ સંબંધોમાં અંટસ આપવાનું કામ પણ કરે છે.
વધારાની કોઈ પણ ચીજવસ્તુ
વધારાની સામગ્રી ઘરમાં ભરી રાખવી એ પણ નેગેટિવ એનર્જી આપે છે. ઘરમાં ક્યારેય વધારાનું કશું ભરી નહીં રાખો. કાં તો એને યોગ્ય રીતે કબાટમાં કે માળિયામાં મૂકી દેવી અને કાં તો એનો નિકાલ કરી દેવો જેથી બીજા એનો વપરાશ કરી શકે. એક ખાસ વાત, ઘરને સંપૂર્ણપણે સજાગતા સાથે જાળવવું જોઈએ. ઘણાં ઘરના બેડ પર અગણિત તકિયાનો ઢગલો હોય છે અને એમાંથી વપરાશ માત્ર બે તકિયાનો થતો હોય છે. આ અયોગ્ય છે. હોટેલમાં બેડ પર મૂકવામાં આવેલા તકિયા વ્યક્તિની પસંદગી માટે છે, ઘર તમારું જ છે એટલે તમને ખબર જ છે કે તમને કેવા અને
કયા તકિયા ફાવે છે તો પછી આવી બેદરકારી શું કામ?
તકિયા જ નહીં, દરેક બાબતમાં વધારાના સામાનનો નિકાલ કરવો જોઈએ.
છલોછલ ભરાયેલો વૉર્ડરોબ પણ નેગેટિવ એનર્જી ઊભી કરવા માંડે છે એટલે
સમયે-સમયે એમાંથી પણ વપરાશમાં ન આવતાં કપડાંનો નિકાલ કરતા જવો અનિવાર્ય છે.