જીવન-મૃત્યુ વિધિના હાથમાં, પણ જીવન તમારા હાથમાં

14 September, 2023 02:55 PM IST  |  Mumbai | Morari Bapu

પ્રભુને ગમતા હોય એ ફોલાદી જ હશે. બહુ મજબૂત જ હશે. કોઈ પણ ઘટના એને હલાવી નહીં શકે. અંદરથી બેસી ગયો હશે, ઉપરની આંખ કોઈ અવાજ કરે તો પણ ખૂલી જશે, પણ ભીતરની આંખો સદા બંધ જ રાખે છે.

પ્રતીકાત્મક તસવીર

કેવા લોકો પ્રભુને ગમે?

હા, આ પ્રશ્ન બહુ અગત્યનો છે કે કેવા લોકો પ્રભુને ગમે અને એ માટે પરમાત્માનો લાડલો હોય, ભગવાનને પ્રિય હોય એ વ્યક્તિમાં કયાં-કયાં લક્ષણો હોય એ જોવાનું અને એ લક્ષણોને સમજવાનું રહે. છે કેટલાંક એવાં લક્ષણો જેકોઈ ધરાવતું હોય તો એ પ્રભુને બહુ ગમે.

એ લક્ષણોમાં સૌથી પહેલાં આવે છે પ્રમોદી.

પ્રભુને પ્રિય હોય એ પ્રમોદી હોય છે, આનંદી હોય છે. આનંદ એનું સ્વરૂપ છે, એ વ્યક્ત થઈ જ જાય છે. અવ્યક્ત સ્વરૂપમાં તો બધા છે જ, પણ વ્યક્ત થઈ જાય છે તો એ છે ફક્ત આનંદ. આનંદ જેનું સ્વરૂપ છે એ પ્રમોદી હોય છે અને ભગવાનને એવો સ્વભાવ બહુ ગમે છે.

બીજા નંબરે છે વિનોદી.

પ્રભુને લાડકા હોય છે એ વિનોદી હોય છે. બાળકો, મોટેરા બધા સાથે એ વિનોદી રહે, બધાને હસી-બોલીને ખુશ કરે. બધાને આનંદ આપે, બધાની સાથે વિનોદ કરે એ વ્યક્તિ પ્રભુને પણ વહાલી હોય છે.

ત્રીજા નંબરે છે સંવાદી.

હા, સંવાદી અને જે સંવાદી હશે એ વિવાદી નહીં હોય, વિગ્રહવાદી પણ નહીં, કારણ કે એ સંવાદી છે. બધાની સાથે સુમેળ રહે, પ્રેમભર્યા સંબંધ સાથેનું સમરસ વર્તન હશે એ સંવાદી હોય. આવા લોકો જ ઈશ્વરને પ્રિય છે. જેને વિવાદ અને વિગ્રહવાદમાં રચ્યાપચ્યા રહેવું હોય તેનાથી આપણે પણ અંતર રાખતા હોઈએ તો પછી પ્રભુ તો અંતર જાળવવાની કાળજી રાખે જ રાખે.

એ પછી આવે છે ફોલાદી.

ખૂબ મહત્ત્વનું લક્ષણ છે આ એટલું પહેલાં જ કહી દઉં. પ્રભુને ગમતા હોય એ ફોલાદી જ હશે. બહુ મજબૂત જ હશે. કોઈ પણ ઘટના એને હલાવી નહીં શકે. અંદરથી બેસી ગયો હશે, ઉપરની આંખ કોઈ અવાજ કરે તો પણ ખૂલી જશે, પણ ભીતરની આંખો સદા બંધ જ રાખે છે. શરીરના પગ બીજાને ખાતર દોડવા મજબૂર થઈ જશે અને એ દોડી જશે, પણ ભીતરનાં ચરણો બિલકુલ શાંત હોય છે. વિરામ લેતાં પહેલાં કહેવાનું કે ક્યારેય ભૂલતા નહીં, જીવન અને મૃત્યુ વિધિને હાથ છે, પણ જીવન એ માણસના પોતાના હાથની વસ્તુ છે.

 

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

astrology life and style columnists Morari Bapu