28 December, 2022 09:01 PM IST | Mumbai | Morari Bapu
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)
નિદ્રાજય, ક્ષુધાજય, સ્વાદજય, કામજય, દ્વેષજય, સંગજય અને એ પછી આવે સંગ્રહજય. શંકરાચાર્ય કહે છે કે જેની પ્રજ્ઞા સ્થિર થઈ ગઈ તે જીવનમુક્ત છે.
આઠેય પ્રહાર આનંદમાં રહો. આ સંસારમાં જેટલા રહી શકાય એટલા પ્રપંચથી મુક્ત રહો. બધામાં હોવા છતાં બધાથી પર. ભગવાને સઘળું આપ્યું છે છતાં મનમાં જરાય સંગ્રહ ન થવા દો. આવ્યું, ગયું, છૂટી ગયું, બસ, આ જ જીવન હોય અને આ જ જીવનનું ધ્યેય હોય. હવે બાકી રહે છે બે જય, જેમાંથી એક છે નામજય અને બીજું છે શાસ્ત્રજય.
પહેલાં વાત કરીએ નામજયની.
ભગવાનનું નામ એવી રીતે લો કે ભગવાન તમારે આધીન થઈ જાય, જેવી રીતે હનુમાનજી. તમે જુઓ કે હનુમાનજીએ ભગવાનનું નામ એવી રીતે રટ્યું કે ભગવાન તેમને આધીન થઈ ગયા. આધીન થયા એ પછી પણ ભગવાન તો હનુમાનજી માટે ભગવાન જ રહ્યા, આરાધ્ય જ રહ્યા. નામ બોલવું ન પડે, પણ નામનું નર્તન કરતા રહીએ તો એ અવસ્થા આવે જે અવસ્થામાં ભગવાનને પણ સૌથી પહેલાં તમે યાદ આવો.
હવે વાત આવે છે નવમા જય, શાસ્ત્રજયની.
શાસ્ત્ર પર વિજય મેળવો. વાતને સરખી રીતે સમજજો. શાસ્ત્રોને ખોટાં પાડીને એના પર જય નથી મેળવવાનો, પણ એવી ભક્તિ કરવાની છે કે શાસ્ત્ર પર વિજય મળી જાય, શાસ્ત્રની એકેક વાત, એની એકેક લાઇન સમજાઈ જાય. શાસ્ત્ર તો કોઈને આધીન નથી હોતું. જે કોઈ શાસ્ત્રના ખોળે બેસી જાય તેને શાસ્ત્ર મળી જાય છે અને એ સાધક દ્વારા શાસ્ત્રનાં બધાં સૂત્રો કંઠસ્થ થઈ જાય. પ્રેમથી શાસ્ત્ર ખૂલી જાય છે. શાસ્ત્રોને એવો પ્રેમ કરો કે એ તમને સરળતાથી ખોળે બેસાડે અને એકેક વાત તમને કંઠસ્થ કરાવે.
એક વાત યાદ રાખજો કે ભક્તિ કહે બ્રહ્મ મારો છે અને જ્ઞાન કહે હું જ બ્રહ્મ છું.
ભક્તિ મળે તો સાત પ્રકારનું ભોજન થાય છે, જેમાં પહેલા નંબરે આવે છે વિવેક, રહેણી-કરણી, બેસવું, ઊઠવું. આ બધો ભક્તિનો ખોરાક છે. એમાં વિવેક રાખવો જોઈએ. બીજા નંબરે આવે છે ચોરી, જૂઠ, દંભ, પાખંડ વગેરેથી મુક્તિ. ત્રણ, અભ્યાસ - જે સાંભળ્યું છે એનો અભ્યાસ કરો. ચાર નંબર પર છે કલ્યાણ. મારો પ્રભુ કલ્યાણ કરશે જ એવો દૃઢ ભરોસો રાખો. પાંચમા સ્થાન પર છે ક્રિયા–સેવા, પૂજા સઘળું ખોરાક છે. છઠ્ઠા સ્થાને છે આળસ, આળસ ક્યારેય ન કરવી. ગુરુજનોએ જે દર્શાવ્યું એનું પાલન કરવામાં આળસ ન કરો, ગુરુની આજ્ઞા સામે તર્કવિતર્ક ન કરો અને સાતમા સ્થાને આવે છે અતિ હર્ષ ન હોય, નહીં તો ભક્તિમાં સેવા ઓછી થઈ જશે.