08 March, 2023 06:06 PM IST | Mumbai | Morari Bapu
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
આપણે વાત કરવાની છે એ સાત પ્રકારના આહારની જેનાથી ભક્તિરૂપી પુત્રી પુષ્ટ થાય. આ સાત આહારમાં સૌથી પહેલી વાત કરવાની વિવેકની.
વિવેકનો ખોરાક જો ભક્તિને મળે નહીં તો એ અશક્ત થઈ જશે. મીરાં નાચી ત્યારે વિવેકમાં નાચી. સમજણપૂર્વકની ભક્તિ એ ખોરાક છે. આહાર કેટલો કરવો એ પણ વિવેક છે અને આહાર ક્યારે છોડવો એ પણ વિવેકની વાત છે. વિવેક વિનાની ભક્તિનો કોઈ અર્થ નથી એટલે વિવેકનો આહાર ભક્તિરૂપી પુત્રી માટે સૌથી મહત્ત્વનો છે. વાત આગળ વધારતાં પહેલાં કહેવાનું કે આહાર પવિત્ર હોવો જોઈએ અને એ આહાર પીરસનારો પણ પવિત્ર હોય એ પણ આવશ્યક છે.
બીજા નંબરે આવે છે ત્યાગ. ત્યાગ પણ એક પ્રકારનો આહાર છે, જે વસ્તુ અનર્થકારી છે અને જે વસ્તુ અર્થહીન કે પછી ઘમંડ આપી જનારી છે એનો ત્યાગ કરવો જોઈએ. ચોરી, જુગાર, ખોટી ચર્ચા, ઈર્ષ્યા, નકારાત્મકતા જેવી ભાવનાઓનો પણ ત્યાગ થાય તો ભક્તિ વધારે બળવત્તર બને, માટે ત્યાગનો આહાર પણ તમારા જીવનમાં હોવો જોઈએ.
એ પછી આવે છે ક્રિયા, ક્રિયાનો અભાવ હોય તો ભક્તિમાં સાર રહેતો નથી માટે ક્રિયા ચાલુ રાખો.
હવે વાત કરીએ ચોથા સ્થાન પર આવતા કલ્યાણની. જ્યારે કલ્યાણભાવ મનમાં જન્મે ત્યારે એ સૌની માટે સુખાકારી લઈને આવે. તમારી ભક્તિમાં સૌના કલ્યાણનો ભાવ હોવો જોઈએ, જેથી એ ભક્તિ કલ્યાણકારી બને અને સૌના જીવનમાં સુખ લાવવામાં નિમિત્ત બને; પણ હા, એ કલ્યાણકારી નીતિ વચ્ચે તમારાં ભજનો બીજાને ખલેલ પહોંચાડે એવાં ન હોવાં જોઈએ. ભજનથી સૌને આનંદ થાય એવાં ભજન કરો. જો ભજન કોઈને નડતર બને તો એ ભક્તિ પ્રભુ સુધી પહોંચતી નથી.
અપ્રમાદ. હા, આટલી વાતો જાણ્યા પછી એનો પ્રમાદ ન કરવો, કારણ કે પ્રમાદ જીવનને ખોટી દિશામાં હંકારી જવાનું કામ કરે છે, માટે પ્રમાદ રૂપે અવિવેક જીવનમાં ન પ્રવેશે એનું ધ્યાન રાખવું.
એ પછી છઠ્ઠા ક્રમ પર આવે છે અતિશય હર્ષ. અતિશય હર્ષની બાધા ન હોવી જોઈએ. અતિશય સેવામાં બાધક બને છે. અતિશય હર્ષને કારણે બીજાને ખલેલ પહોંચે છે, માટે હર્ષ સમ્યક હોવો જોઈએ.
ભક્તિની વ્યાખ્યા શાસ્ત્રોમાં આપી છે.
ભાગો ભક્તિઃ, ભજનમ્ ભક્તિઃ આ સૂત્રો શાસ્ત્રમાં આપ્યાં છે. એનો અર્થ અને ભાવાર્થ બન્ને સમજીશું આપણે હવે આવતી કાલે.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)