ભેટમાં શું આપવાની ભૂલ ન કરવી

15 September, 2024 07:15 AM IST  |  Mumbai | Acharya Devvrat Jani

અંગત સંબંધો ન હોય ત્યાં સુધી અમુક ચીજવસ્તુ ભેટ તરીકે આપવી ન જોઈએ. એવી કઈ ચીજવસ્તુ છે જે આપવાનું ટાળવું એ જાણવું જરૂરી છે

પ્રતીકાત્મક તસવીર

સામાન્ય સંજોગોમાં ભેટ આપવામાં ક્યારેય ચીજવસ્તુ પર આધાર રાખવામાં નથી આવતો. બજેટ બનાવવામાં આવે અને એ બજેટના આધારે ભેટ આપવામાં આવે, પણ એવી ભૂલ ન કરવી જોઈએ. અમુક ચીજવસ્તુઓ એવી છે જે અંગત સંબંધો ન હોય એવા સંબંધોમાં આપવી ન જોઈએ. જો એવી ચીજવસ્તુ ભૂલથી પણ આપી દેવામાં આવે તો સામેવાળી વ્યક્તિ માટે તો નુકસાનકર્તા બને જ છે, પણ સાથોસાથ એ ભેટ આપનારાનું પણ અહિત કરે છે. કઈ ચીજવસ્તુ ભેટમાં આપવાનું ટાળવું જોઈએ એ વિશે વાત કરતાં પહેલાં એક ખાસ વાત કહેવાની કે ક્યારેય સૉલ્ટી એટલે કે ખારી આઇટમની લેવડ-દેવડનો વ્યવહાર કરવો નહીં. આજે ઘણી મમ્મીઓ દીકરીની ઘરે પિકલ્સ મોકલે કે દીકરીઓ લઈ આવે, પણ એવું ભૂલથી પણ કરવું નહીં. આ પ્રકારની આઇટમની લેવડદેવડથી સંબંધોમાં ખારાશ ઊભી થાય છે. ઘણી વાર એવું પણ બને છે કે ચીજવસ્તુ લેનારા કે દેનારાના સંબંધોમાં ખારાશ ન આવે તો એ ચીજ લેનારા કે દેનારાના અન્યો સાથેના સંબંધોમાં ખારાશ લાવી દે છે.

જો અનિવાર્ય હોય તો જ આ પ્રકારનો વ્યવહાર કરવો અને આ પ્રકારનો વ્યવહાર કરતાં હો તો એ સૉલ્ટી આઇટમની સાથે, એ જ વજનનું ગળપણ પણ ભેટમાં આપી દેવું. સ્વીટ્સ આપતી વખતે પણ પ્રયાસ કરવો કે એ દૂધની આઇટમ હોય અને એ સ્વીટનો કલર સફેદ હોય. જેથી સંબંધોમાં શુક્ર સમાન સુંદરતા જળવાયેલી રહે.

હવે વાત કરીએ, અંગત ન હોય એવી વ્યક્તિને કઈ ગિફ્ટ ન આપવી જોઈએ.

વૉલેટ કે પર્સ ક્યારેય નહીં

હા, પુરુષ હોય તો તેમને વૉલેટ કે છોકરીઓને પર્સની ભેટ ક્યારેય ન આપવી. એવું બનતું હોય છે કે સામાન્ય સંજોગોમાં છોકરીઓે બીજી છોકરીને સરળતા સાથે પર્સ ભેટમાં આપી દે, પણ એવું ન કરવું જોઈએ. અગેઇન, ધારો કે નાછૂટકે એવું કરવું પડે તો અપાયેલા પર્સ માટે ટોકન અમાઉન્ટ લઈ લેવી જોઈએ, જેથી આપનારા કે લેનારામાંથી કોઈને એ પર્સને કારણે આવી શકે એવી આર્થિક નુકસાની જોવાનો વારો ન આવે.

જો પર્સ આપતા જ હો તો એ વાતનું પણ ધ્યાન રાખવું કે એ ક્યારેક ખાલી ન આપવું. લક્ષ્મીવાહકને ખાલી આપવું અશુભ કરનારું છે તો લક્ષ્મીવાહકને ખાલી હાથે લેવું એ પણ નુકસાનકર્તા છે એટલે જ્યારે પણ પર્સની ભેટ મળે ત્યારે લેનારાએ પણ એ પર્સ માટે ટોકન અમાઉન્ટ આપી દેવી.

ચાંદી તો ક્યારેય નહીં

ચાંદી આપવાથી આર્થિક રીતે પણ નુકસાની થાય છે તો સાથોસાથ એ આબરુને પણ નુકસાન પહોંચાડે છે, માટે ચાંદી કે ચાંદીની કોઈ ગિફ્ટ ક્યારેય અંગત સંબંધો સિવાય આપવી નહીં તો સાથોસાથ અંગત સંબંધોમાં પણ જો ચાંદીની કોઈ ગિફ્ટ મળે તો એ ગિફ્ટ લેનારાએ તરત જ ટોકન તરીકે અમુક રકમ આપી દેવી જોઈએ. જાણીને નવાઈ લાગશે કે ચાંદી આપવાથી જેટલું નુકસાન નથી થતું એટલું નુકસાન ભેટ તરીકે ચાંદી મેળવવાથી થાય છે. ચાંદીની ભેટ મળે અને જો સામેવાળી વ્યક્તિને આર્થિક વળતર ન આપી શકો તો વહેલામાં વહેલી મળેલી ચાંદીના ગ્રામદીઠ સવા રૂપિયાના ટોકન હિસાબથી લક્ષ્મી મંદિરે જઈને દાન કરી દેવું. નજીકમાં ક્યાંય લક્ષ્મી મંદિર ન હોય તો વિષ્ણુ મંદિર પણ જઈ શકાય પણ લક્ષ્મી મંદિર મળે તો ઉત્તમ.

વૉલ-ક્લૉક ક્યારેય નહીં

એક સમયે વૉલ-ક્લૉક આપવાનો લગભગ શિરસ્તો થઈ ગયો હતો. દર બીજી કે ત્રીજી વ્યક્તિ વૉલ-ક્લૉક ભેટમાં આપતી તો કોર્પૉરેટ કંપનીઓમાં પણ એવો જ નિયમ થઈ ગયો હતો પણ હવે જુઓ, એ ઘટના લગભગ બંધ જ થઈ ગઈ છે. એ જ રીતે એ પણ બંધ થઈ જવું જોઈએ કે જેમાં રિસ્ટ-વૉચની લેવડદેવડ થાય. હા, ક્યારેય વૉચ (કે ક્લૉક) ભેટ તરીકે ન આપવી જોઈએ. અહીં અનિર્વાય સંજોગો પણ કામ કરતા નથી એટલે નાછૂટકે આપવી પડે એવો તબક્કો પણ ન આવવો જોઈએ. જો કોઈની વૉચ કે ક્લૉક તમારાથી તૂટી જાય તો પણ તેની સાથે જઈને એ ખરીદી આપવી અને બિલ ચૂકવતી વખતે પૈસા પણ એ જ વ્યક્તિને આપવા, જેથી એ ખરીદીમાં તમે ક્યાંય સીધા જોડાયેલા ન રહો.

સમયને કાળચક્ર સાથે સીધો સંબંધ છે એ જ રીતે ઘડિયાળ અને સમયને પણ સીધો સંબંધ છે માટે ક્યારેય કોઈને ઘડિયાળ ભેટ આપવી નહીં. ઘડિયાળ એવી જ વ્યક્તિને ભેટ આપવી જેની સાથે તમે જોડાયેલા રહેવા માગતા હો કે પછી જેને તમે સાથે જોડી રાખવા માગતા હો.

astrology life and style columnists