આસ્થા, પછી શ્રદ્ધા, પછી વિશ્વાસ અને આત્મીયતા

09 November, 2023 01:43 PM IST  |  Mumbai | Morari Bapu

આ ચારેયને બહુ ધ્યાનથી સમજવાનાં અને ઓળખવાનાં છે. પહેલા નંબરે છે આસ્થા. આ સંસારમાં, દુનિયામાં, જગતમાં જે પરમાત્મા છે એ આસ્થા છે. 

વિશ્વાસ, પ્રાર્થનાની પ્રતીકાત્મક તસવીર

પ્રેમની ચાર રીત દર્શાવવામાં આવી છે; 
આસ્થા, શ્રદ્ધા, વિશ્વાસ અને આત્મીયતા. 
આ ચારેયને બહુ ધ્યાનથી સમજવાનાં અને ઓળખવાનાં છે. પહેલા નંબરે છે આસ્થા. આ સંસારમાં, દુનિયામાં, જગતમાં જે પરમાત્મા છે એ આસ્થા છે. 
કોઈક તત્ત્વ છે, હું માનું કે ન માનું, તમે માનો કે ન માનો, પણ કોઈક તત્ત્વ તો છે એ સૌકોઈએ સ્વીકારવું પડે. આ જગત છે, દુનિયા છે, સૃષ્ટિ છે તો એને બનાવનારો પણ કોઈક છે. વેદ પોતાની રીતે કહે તો ભક્ત પોતાની રીતે કહે, પણ એ જે કહે એ પરમાત્મા અને આ જે પરમાત્મા છે એનું નામ આસ્થા.
પ્રેમની ચાર રીતમાંથી બીજી રીત છે શ્રદ્ધા.
પરમાત્માના જે સ્વરૂપને તમે માનો એ સ્વરૂપ એનું સર્વશ્રેષ્ઠ છે, આ જે માન્યતા છે, આ જે વિશ્વાસ છે એ વિશ્વાસ એટલે શ્રદ્ધા. બીજાની માન્યતાને તોડવી નથી, પણ મારી માન્યતા મારી પોતાની માન્યતા છે. જે સાધકની વ્યક્તિગત ધારણા છે એ શ્રદ્ધા બની જાય છે અને ધારણા જ્યારે શ્રદ્ધા બને ત્યારે જીવનમાં વિશ્વાસમય બની જાય. હવે આવે છે પ્રેમની ત્રીજી રીત.
આસ્થા, શ્રદ્ધા અને ત્રીજા નંબરે છે, વિશ્વાસ.
જેના પર મને પ્રેમ છે એ સદ્ગુણોનો ભંડાર છે, રૂપનો સાગર છે, એનો ભાવ નિર્મળ છે અને આ જે છે એનું નામ વિશ્વાસ છે. વિશ્વાસ હોવો જોઈએ અને એ સંપૂર્ણ હોવો જોઈએ. વિશ્વાસ વિનાનું દૂધ પણ છાસ જેવું છે. 
હવે વાત ચોથી રીતની. ચોથી રીત છે આત્મીયતા. આત્મીયતા વિનાનો સંબંધ આત્મા વિનાના શરીર જેવો છે. પરમાત્મા મારો છે, ગોવિંદ મારો છે, આત્મીયતા થઈ ગઈ, વાત પૂરી થઈ ગઈ. વ્યક્તિ જ્યારે પરમાત્મા સાથે સંબંધ જોડી દે ત્યારે તેનામાં આત્મીયતાનો ભાવ આપમેળે પ્રગટે છે. આ જે આપમેળે પ્રગટે છે એ આત્મીયતાનું બીજું નામ એટલે પ્રેમ અને પ્રેમ જ્યારે અંદરથી જન્મે ત્યારે એ આત્મીયતા લઈને જ આવે.
જે પ્રભુને પ્રેમ કરવા માગે છે તેણે આ ચાર રીત સમજવી જોઈએ, તો સાથોસાથ એ પણ સમજવું જોઈએ કે પ્રેમ માટે હાથમાં જળ નથી લેવું પડતું. પ્રેમ માટે બન્ને આંખમાં જળ લઈને સંકલ્પ કરવાનો હોય છે અને જ્યારે એવો સંકલ્પ થાય ત્યારે નખશિખ આસ્થા ધરાવતો, વિશ્વાસ આપતો, શ્રદ્ધાથી તરબતર હોય એવો આત્મીયતાથી છલોછલ પ્રેમનો અનુભવ થાય.

astrology columnists Morari Bapu