02 March, 2024 07:20 AM IST | Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj
પ્રતીકાત્મક તસવીર
એક યુવક વ્યાખ્યાન પછી મારી પાસે આવ્યો. નવયુવાન અને ઉત્સાહના તરવરાટથી ભરેલો. આવીને તેણે મારી સામે હાથ જોડ્યા અને તેની સાથે ઘટેલી ઘટના વિશે વાત કરવાની શરૂઆત કરી.
‘મહારાજસાહેબ, બે દિવસ પહેલાં બૅન્કમાં જવાનું બન્યું. ૭ લાખનો ચેક મેં ભર્યો અને જરૂરી પ્રક્રિયા કરીને કૅશિયરે મારા હાથમાં રૂપિયા મૂકી દીધા.’ યુવકે ઉત્સાહ સાથે કહ્યું, ‘મેં એ ગણ્યા તો હું સ્તબ્ધ થઈ ગયો. રૂપિયા હતા ૭ને બદલે પૂરા ૧૧ લાખ! મેં ધાર્યું હોત તો સીધેસીધી વાત કરી હોત, પણ પછી મને થયું કે મારે એવું ન કરવું જોઈએ. મારે એ કૅશિયરને બોધપાઠ ભણાવવો જોઈએ, જેથી ભવિષ્યમાં ક્યારેય તે હેરાન ન થાય.’
‘શું કર્યું તેં?’
મેં સવાલ કર્યો એટલે યુવકના ચહેરા પર સ્માઇલ આવી ગયું.
‘બોધપાઠ ભણાવવા મેં અલગ રીતે તેની સાથે વાત શરૂ કરી અને એ કૅશિયરને મેં કહ્યું કે આમાં પૈસા ઓછા છે...’
‘બને જ નહીં...’ કૅશિયરે પૂરા આત્મવિશ્વાસ સાથે કહ્યું, ‘આટલાં વર્ષોની નોકરીમાં પૈસા ગણવામાં મારી એક પણ વખત ભૂલ નથી થઈ...’
‘હશે, પણ આજે થઈ છે.’
‘કહું છુંને, ભાઈ બને જ નહીં...’
‘હશે, પણ આજે તમારી ભૂલ થઈ છે એ પુરવાર કરી દઉં તો?’
‘તમે આક્ષેપ કરો છો...’ કૅશિયરનો અવાજ મોટો થયો, ‘એમ તમે મને દબાવી ન શકો...’
પેલા યુવકને લાગ્યું કે વાત વધી જશે એટલે તેણે પ્રેમથી કહ્યું.
‘વડીલ, તમે પોતે જ ગણી લો. તમને ખ્યાલ આવી જશે કે તમે રૂપિયા ગણવામાં કેટલી મોટી ભૂલ કરી છે...’ કૅશિયર હજી પણ દલીલ કરવા માગતો હતો, પણ પેલા યુવકે તેની સામે પૈસા ધરી દીધા, ‘મારી ભૂલ હશે તો હું જાહેરમાં માફી માગીશ... પહેલાં તમે આ રૂપિયા એક વાર ગણી લો...’
કૅશિયરે રૂપિયા ગણવાનું શરૂ કર્યું.
બે લાખ... ચાર લાખ... સાત લાખ... નવ લાખ ને અગિયાર લાખ!
તે તો ધ્રૂજી ઊઠ્યો... ‘ચાર લાખ મેં વધારે આપી દીધા?’ યુવક સામે હાથ જોડીને તે ઊભો રહી ગયો.
‘ભાઈ, આ વધારાના ચાર લાખ તમે લઈ ગયા હોત તો મારી બદનામી થાત, નોકરી જાત અને એ બધાને લીધે મેં આપઘાત કર્યો હોત.’
એ યુવકે મારી સામે હાથ જોડ્યા.
‘ગુરુદેવ, તમે કહેતા હો છોને કે જેના હૈયે આદિનાથ હોય તે અન્યનું લઈને ક્યારેય જઈ ન શકે. મને એ વાતનો સાક્ષાત્કાર થયો એટલે તમને વાત કરવા આવ્યો.’
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)