27 September, 2024 09:55 PM IST | Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj
પ્રતીકાત્મક તસવીર
‘અચાનક આવી પડતા દુઃખને પડકારવામાં માણસને સફળતા મળે એ શક્ય છે, પણ જે દુઃખ અનિવાર્ય હોય એને પડકારવામાં માણસ હતાશાનો શિકાર બની જાય છે અને દુર્ધ્યાનગ્રસ્ત બનીને આત્માને કર્મોથી ભારે કરતો રહે છે એ તો વધારામાં!’
ઘાટકોપરના ઉપાશ્રયમાં ચૈત્રી ઓળીની આરાધના દરમ્યાન ‘સિદ્ધપદ’ વિષય પર છણાવટ બાદ એક યુવક મળવા આવ્યો.
‘ગુરુદેવ, આજના પ્રવચનના અનુસંધાનમાં વાત કરવી છે.’ યુવકે વાત શરૂ કરી, ‘એક વ્યક્તિ પાસે મારા નવ લાખ ફસાયા છે. તેની નાલાયકતા કહો કે મારા પુણ્યની કચાશ, તે વ્યક્તિ છેલ્લા છ મહિનાથી ગુમ છે. તેની પત્ની અને ઘરના સભ્યોને ચોક્કસ તેના રહેઠાણનો ખ્યાલ હોવો જ જોઈએ. છતાં મને જવાબ આપે કે તે ક્યાં છે એની અમને ખબર નથી.’
‘હું આપને પૂછવા એ માગું છું કે નવ લાખ રૂપિયાના મારા આ નુકસાનના પાપના ઉદયને મારે અચાનક માનવો કે અનિવાર્ય? નુકસાનના દુઃખને મારે પડકારતા જ રહેવું કે પછી એનો સંપૂર્ણપણે સ્વીકાર કરી લેવો?’
‘એક પ્રશ્નનો જવાબ આપીશ?’ હકારમાં જવાબ આવ્યો એટલે મેં પૂછ્યું, ‘નવ લાખ રૂપિયા તને ચૂકવી શકવાની સ્થિતિમાં તે હશે એવું તને લાગે છે?’
‘ના...’ સહેજ વિચારીને તેણે કહ્યું, ‘તેની સ્થિતિ હોય એવું મને લાગતું નથી...’
‘એ નવ લાખ તું સામે ચડીને છોડી દે તો તારું ધનોતપનોત નીકળી જાય?’
તેણે દિલથી સાચો જવાબ આપ્યો...
‘ના, જરા પણ નહીં...’
‘મારે તને એટલું જ કહેવું છે કે આ પાપના ઉદયને તું અનિવાર્ય માનીને સ્વીકારી લે અને તે વ્યક્તિના ઘરે જઈને તેની પત્નીને કહી દે કે હું એ રૂપિયા છોડી દઉં છું, તમે તેને આ સમાચાર આપી દો.’ મેં વાત આગળ વધારતાં કહ્યું, ‘નુકસાનીને અનિવાર્ય માનીને સ્વીકારીશ તો તારી અને તે વ્યક્તિના ઘરે જઈને રૂપિયા છોડી દીધાનું કહીશ એટલે એ કુટુંબની સમાધિ ટકી રહેશે. સમાધિસ્થ ચિત્ત, સંકલેશમુક્ત ચિત્ત, કષાયમુક્ત ચિત્ત એ જ પરમાત્માની એકમાત્ર આજ્ઞા છે. જિનશાસનનો એ જ તો પડકાર છે. એ આજ્ઞાને જો તું અમલી બનાવી શકે તો તેં કરેલી પરમાત્માની આ પૂજાને ચાર ચાંદ લાગી જાય.’
પળના પણ વિલંબ વિના તે યુવકે ખોળામાં માથું મૂકી દીધું, ’‘સાહેબજી, નાખો વાસક્ષેપ અને આપો આશીર્વાદ. ખૂબ કર્યું દુર્ધ્યાન, આજથી એના પર પૂર્ણવિરામ.’
એ જ રાતે જ્યારે તે યુવક મળવા આવ્યો ત્યારે એટલું જ બોલ્યો, ‘નવ લાખ છોડી દીધાની જાહેરાતથી જે પ્રસન્નતા હું અનુભવી રહ્યો છું એવી પ્રસન્નતા તો અગાઉ સત્તાવીસ લાખ કમાયો ત્યારે પણ નથી અનુભવી સાહેબજી!’
જીવનની ધન્યતા લેવામાં નહીં, આપવામાં છે.