10 December, 2023 09:55 AM IST | Mumbai | Bhavya Gandhi
ભવ્ય ગાંધી
વેબ-સિરીઝ ‘ધ રેલવે મેન’ રિલીઝ થયાને તો સમય થઈ ગયો, પણ એની વાત અહીં અનેક કારણસર કરવી છે. કારણ નંબર એક, યશરાજ ફિલ્મ્સે પુરવાર કર્યું કે એ વેબ-સિરીઝ પ્રોડક્શનમાં એમ જ નથી આવ્યું. પૂરેપૂરી જવાબદારી સાથે આવ્યું છે. અગાઉ એણે બનાવેલી ડૉક્યુમેન્ટરી ‘રોમૅન્ટિક્સ’માં પણ એ જ વાત બહાર આવતી હતી. એ યશ ચોપડાની લાઇફ પર આધારિત ડૉક્યુમેન્ટરી હતી, પણ એમાં જે સચ્ચાઈ હતી એ જ સચ્ચાઈ તમને યશરાજ ફિલ્મ્સની પહેલી વેબ-સિરીઝ ‘ધ રેલવે મેન’માં જોવા મળે છે. સબ્જેક્ટ માટેનું જે રિસર્ચ છે એ એ સ્તરે છે કે તમને જોતી વખતે એવું મન થઈ આવે કે વેબ-સિરીઝ પૂરી કર્યા પછી પહેલું કામ ભોપાલ ગૅસ દુર્ઘટના વિશે જાણવાનું કરવું છે.
૧૯૮૪ની બીજી ડિસેમ્બરની રાતે ભોપાલમાં આવેલી યુનિયન કાર્બાઇડ ઇન્ડિયા લિમિટેડ નામની કંપનીમાંથી ગૅસ-લીકેજ શરૂ થયું, જેની અસર છેક ૨૪ કલાક સુધી રહી. આ ૨૪ કલાક દરમ્યાન હજારો લોકો માર્યા ગયા તો લાખો લોકોને એણે શારીરિક હાનિ પહોંચાડી. આ જે આખી ઘટના છે એ ઘટના પર ફિલ્મો તો ઘણી આવી છે, પણ વેબ-સિરીઝ પહેલી વાર આવી છે, જે ઑથેન્ટિસિટી સાથે બની છે. યુનિયન કાર્બાઇડમાંથી ગૅસ-લીકેજ શરૂ થાય એ પહેલાંથી વાત શરૂ થાય છે અને વાત અમુક લોકોને બચાવવાની દિશામાં આગળ વધે છે.
રેલવે-સ્ટેશન પર કામ કરતા કેટલાક જવાબદાર ઑફિસર કેવી રીતે સ્ટેશન પર રહેલા લોકોને બચાવવા માટે દોડધામ કરે છે તો કેવી રીતે ભોપાલ સ્ટેશન પર પહોંચી રહેલી એક ટ્રેનને ભોપાલ સ્ટેશન પર સ્ટૉપ અટકાવવાની બાબતમાં મથામણ કરવામાં આવે છે એની આખી વાત છે અને એ વાતમાં ક્યાંય આછકલાઈ કે સહેજ પણ લોકોને ખુશ કરી દેવાની ભાવનાથી કામ નથી થયું. જો કોઈ બીજા પ્રોડ્યુસર હોત તો તેણે દરેક એપિસોડમાં એવા ચાર સીન ઍડ કર્યા જ હોત અને તેણે વેબ-સિરીઝમાં ભરપૂર માત્રામાં ગાળો પણ ભરી દીધી હોત. ગાળો બોલાઈ જાય એવી જ એ ઘટના હતી, પણ એમ છતાં સંયમ સાથે આખા વિષયને ટ્રીટ કરવામાં આવ્યો અને એ જે સંયમ છે એની જ મજા છે. હું એમ નથી કહેતો કે એમાં ગાળ નથી, આવે છે ગાળ અને જો મારી ભૂલ ન થતી હોય તો ચારથી પાંચ વખત ગાળ આવે છે, પણ એ ગાળનું જે પ્લેસમેન્ટ છે એ એવું છે કે તમે સીનની તીવ્રતાની સાથે જ હો, તમારા ધ્યાનમાં એ ગાળની ગંદકી આવે જ નહીં. આ જે ખાનદાની છે એ ખાનદાનીની જ મજા છે અને આવી ખાનદાનીની અપેક્ષા આપણે યશ ચોપડાના બૅનર પાસે જ રાખી શકીએ.યશરાજ ફિલ્મ્સની ‘ધ રેલવે મેન’ પરથી પુરવાર થાય છે કે જો તમારે કન્ટેન્ટ જનરેટ કરવું હોય, બેસ્ટ રીતે તમારી વાત ઑડિયન્સ સામે મૂકવી હોય તો એના અનેક રસ્તા છે. બસ, તમારે એ રસ્તાને વળગેલા રહેવાનું છે. આ જ પ્રકારના વિષયની આપણે ઇન્ડિયન ઓટીટી પર રાહ જોતા હતા અને હવે આવા વિષયો પર કામ થાય એવી આપણે ઇન્ડિયન પ્રોડ્યુસર પાસે અપેક્ષા રાખીએ તો સાથોસાથ આપણે અપેક્ષા રાખીએ કે ગુજરાતીમાં પણ આપણને આ જ સ્તરનું કામ જોવા મળે. કચ્છના ધરતીકંપથી લઈને અનેક એવી દુર્ઘટનાઓ છે જે જનરેશન-નેક્સ્ટ કહેવાય એવી ૧૫-૨૦ વર્ષની ઉંમરના લોકોના ધ્યાનમાં પણ નથી અને તેમને એના વિશે વધારે ખબર પણ નથી.
હું વારંવાર એક વાત કહીશ કે જો તમે કશું નવું કરવાની તૈયારી નહીં દાખવો તો ઑડિયન્સ તમને ઇગ્નૉર કરી જ દેવાની છે. કેટલાં વર્ષો તમે ફૉરેનની ઑડિયન્સને ધ્યાનમાં રાખીને ચાલશો? કેટલાં વર્ષ સુધી તમે એ જ પ્રકારનું ટિપિકલ કૉમેડી બનાવવાનું કામ કરશો જે કૉમેડી જોઈ-જોઈને હવે રડવું આવવા માંડ્યું છે. નવું કરવું પડશે અને નવાની તૈયારી રાખવી પડશે. નવું કરવા માટે તમારી પાસે તૈયારી હોવી જોઈશે અને એ કર્યા પછી તમારે એને લોકો સુધી લઈ જવાની તૈયારી પણ રાખવી પડશે. સેફ ઝોનમાંથી બહાર આવવું પડશે અને બહાર આવીને નવું કરનારાઓનો હાથ પણ તમારે પકડવો પડશે.
‘ધ રેલવે મેન’ આ જ વાતનું બેસ્ટ એક્ઝામ્પલ છે અને એ બેસ્ટ એક્ઝામ્પલ માટે યશરાજ ફિલ્મ્સને નેટફ્લિક્સનું સરસ બૅકિંગ પણ મળ્યું છે. આપણા ઓટીટી પ્લૅટફૉર્મે પણ એવી તૈયારી રાખવી પડશે અને બૅકિંગ પણ ઊભું કરવું પડશે. જો તમે એ બૅકિંગ આપશો તો જ નવું કરવાની તૈયારી સાથે પ્રોડક્શન-હાઉસ આગળ આવશે અને આપણને આપણી વાત, આપણો ભૂતકાળ આંખ સામે જોવા મળશે.