પંજા મારતી અને પંપાળતી શેરની

04 November, 2023 04:47 PM IST  |  Mumbai | Harsh Desai

લેડી બૉસ અને કૅરિંગ મધરનું પાત્ર સુસ્મિતાએ ખૂબ જ સારી રીતે ભજવ્યું છે : આ શો લખવામાં પણ ખૂબ જ સારી રીતે આવ્યો છે જેમાં બાળકો ન ઇચ્છવા છતાં પણ કેવી રીતે મમ્મીને જોઈને હિંસા અપનાવે છે એ પણ દેખાડવામાં આવ્યું છે

આર્યા 3

આર્યા 3 (પાર્ટ 1)

કાસ્ટ : સુસ્મિતા સેન, ઇલા અરુણ, ઇન્દ્રનીલ સેનગુપ્તા, વિકાસ કુમાર, વિશ્વજિત પ્રધાન, ગીતાંજલિ કુલકર્ણી, સિંકદર ખેર
ડિરેક્ટર : કપિલ શર્મા, શ્રદ્ધા પાસી જયરથ, રામ માધવાણી
  

સ્ટાર: 3/5

 

સુસ્મિતા સેનની ‘આર્યા 3’ ગઈ કાલે ડિઝની + હૉટસ્ટાર પર સ્ટ્રીમ થઈ છે. આ સિરીઝના ચાર એપિસોડ જ રિલીઝ કરવામાં આવ્યા છે અને બાકીના ચાર એપિસોડ પછીથી રિલીઝ કરવામાં આવશે. ‘ધ નાઇટ મૅનેજર’થી ડિઝની + હૉટસ્ટારને બે પાર્ટમાં સિરીઝ સ્ટ્રીમ કરવાનો ચસકો ચડ્યો છે. આ સિરીઝને રામ માધવાણી દ્વારા ક્રીએટ કરવામાં આવી છે.

સ્ટોરી ટાઇમ
બીજી સીઝન બાદ આ શોની સ્ટોરી કન્ટિન્યુ થાય છે. પહેલી સીઝનમાં આર્યાને તેની ફૅમિલીના ડ્રગ્સ બિઝનેસ વિશે ખબર પડે છે. બીજી સીઝનમાં તે આ બિઝનેસમાં તેનાં બાળકોને બચાવવા માટે એન્ટર થાય છે. ત્રીજી સીઝનમાં તે હવે એક લેડી બૉસ બનીને આ સિરીઝને આગળ વધારે છે અને તેનાં બાળકોને બચાવવા માટે તે આ ઇલ્લીગલ બિઝનેસને સ્વીકારીને એને ચલાવે છે. બીજી સીઝન ખૂબ જ લોહીથી ખરડાયેલી જોવા મળી હતી, પરંતુ ત્રીજી સીઝનમાં દિમાગનું કામ વધુ દેખાડવામાં આવ્યું છે. કોણ કોનાથી એક સ્ટેપ આગળ ચાલે છે અને કોણ ચોક્કસ પરિસ્થિતિમાં પણ ધૈર્ય ખોયા વગર દિમાગથી કામ કરે છે એ વિશે દેખાડવામાં આવ્યું છે. આર્યા એક ઍન્ટિક શૉપ ચલાવતી વ્યક્તિ પૂજા દ્વારા ડ્રગ્સની સપ્લાય કરતી હોય છે. પૂજાની આર્યાના દીકરા વીર સાથે રિલેશનશિપ હોય છે અને તે પ્રેગ્નન્ટ થઈ જાય છે. આ દરમ્યાન આર્યાની ફ્રેન્ડના મર્ડરનો બદલો લેવા માટે તેનો પતિ સૂરજ આવે છે. સૂરજ આર્યા પાછળ પડ્યો હોય છે અને તેને ખતમ કરવા માટે તે પૂજાને કિડનૅપ કરે છે. આ તરફ પૂજાને કારણે તેનો દીકરો પણ ગુનાઓના વમળમાં ફસાય છે. બીજી તરફ આર્યાની દીકરી આરુ પણ એક છોકરાને પસંદ કરતી હોય છે. આ છોકરો પોલીસ-ઑફિસર યુનુસ ખાન સાથે મળેલો હોય છે અને તે પીઠ પાછળ આર્યા વિરુદ્ધ કામ કરતો હોય છે. આર્યાનો સૌથી નાનો દીકરો પણ સ્કૂલમાં મારામારી કરે છે. આ તમામની વચ્ચે આર્યાનું એક હજાર કરોડ રૂપિયાનું ડ્રગ્સ કન્સાઇનમેન્ટ પોલીસ પકડી લે છે. આર્યા પાછળ રશિયનો પડે છે અને એ દરમ્યાન આ સ્ટોરીમાં ઇલા અરુણની એન્ટ્રી થાય છે. તે આર્યાનો શિકાર કરવા નીકળે છે. અહીં ચાર એપિસોડ પૂરા થાય છે અને ત્યાર બાદ અન્ય ચાર એપિસોડની રાહ જોવી રહી.

સ્ક્રિપ્ટ અને ડિરેક્શન
આ શોની સ્ક્રિપ્ટ ખુશ્બૂ રાજ અને અમિત રાજ દ્વારા લખવામાં આવી છે. તેમણે આ સ્ટોરીને ખૂબ જ દિમાગથી લખી છે. આર્યા જેમ તેના દીકરાઓને આ બિઝનેસથી દૂર રાખવા માગતી હોય છે તેઓ એટલા જ એ બિઝનેસની નજીક આવે છે. આર્યા તેના દીકરાને હિંસાથી દૂર રાખવા માગે છે, પરંતુ વીર બંદૂક હાથમાં લે છે અને નાનો છોકરો સ્કૂલમાં મારામારી કરે છે. રાઇટરની આ કમાલ છે કે આર્યા ભલે તેનાં બાળકોને બિઝનેસથી દૂર રાખતી હોય, પરંતુ આ બિઝનેસ તેમનો પીછો નથી છોડતો અને તેઓ તેમની મમ્મીને જે રીતે આ પરિસ્થિતિમાંથી બહાર નીકળતી જુએ છે એ જ રીતે તેઓ પોતે પણ અનુકરણ કરે છે અને હિંસક બને છે. આ સાથે જ રાઇટર દ્વારા એ વાતનું ખૂબ જ ધ્યાન રાખવામાં આવ્યું છે કે આર્યા હંમેશાં એક કદમ આગળ રહે, કારણ કે આ સીઝનમાં તેણે આ બિઝનેસને સ્વીકારી લીધો છે અને તે લેડી બૉસ છે. જોકે ઘણી વાર એવું લાગે છે કે આર્યાને જેટલી પાવરફુલ દેખાડવામાં આવી છે એટલી તે લાગી નથી રહી, કારણ કે તે જે મોટી-મોટી વાતો કરે છે એ બધી ખૂબ જ સરળતાથી થઈ જાય છે. જોકે એની પાછળનું કારણ પણ એ છે કે તેની જાસૂસ પોલીસ ડિપાર્ટમેન્ટની સાથે દરેક જગ્યાએ છે અને તેના માટે ઘણા લોકો કામ કરે છે. આ શોને કપિલ શર્મા, શ્રદ્ધા પાસી જયરથ અને રામ માધવાણી દ્વારા ડિરેક્ટ કરવામાં આવ્યો છે. તેમણે એ વાતની ખૂબ જ ખાતરી રાખી છે કે આ શો પહેલી બે સીઝન કરતાં એકદમ અલગ લાગે એમ છતાં એ એટલો જ સ્પીડમાં ચાલે. પહેલી બે સીઝન કરતાં આ ત્રીજી સીઝનના પહેલા પાર્ટમાં ઍક્શન ખૂબ જ ઓછી છે, પરંતુ પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત. ડિરેક્ટર્સ અને રાઇટર્સે એ વાતનું ધ્યાન રાખ્યું છે કે આ દર્શકોને આ શો સાથે જોડી દે અને ત્યાર બાદ બીજા પાર્ટ માટે આતુરતાથી રાહ જોવડાવે, કારણ કે બીજા પાર્ટમાં ઇલા અરુણ વર્સસ સુસ્મિતા સેન જોવા મળશે.

પર્ફોર્મન્સ
આર્યાનું પાત્ર સુસ્મિતા સેન દ્વારા ભજવવામાં આવ્યું છે. તે સમય-સમયે એક લેડી બૉસ અને એક મમ્મીના પાત્રમાં ખૂબ જ સરળતાથી અને સ્મૂધલી સ્વિચ થાય છે. તેનામાં બન્ને વસ્તુને જોઈ શકાય છે. કોઈ કડક સ્ટેપ લેવાનાં હોય તો એ આર્યા કરી શકે છે અને એ તેની બૉડી લૅન્ગ્વેજ પરથી જોઈ શકાય છે. સુસ્મિતા ભલે ખૂબ જ શાંતિથી બોલતી હોય, પરંતુ તેનામાં એક શેરનીની દહાડ પણ જોવા મળે છે. આ સિરીઝમાં યુનુસ ખાનનું પાત્ર ભજવનાર વિકાસ કુમાર પાસે ખાસ કોઈ કામ નથી. તે ખૂબ જ ઓછો સ્ક્રીન પર જોવા મળ્યો છે, પરંતુ તેની સાથે તેની ટીમમાં કામ કરતી પોલીસ-ઑફિસર ગીતાંજલિ કુલકર્ણીએ ખૂબ જ સારું કામ કર્યું છે. સૂરજનું પાત્ર ભજવનાર ઇન્દ્રનીલ સેનગુપ્તાએ પણ સારું કામ કર્યું છે. તેને શરૂઆતમાં જેટલો ખતરનાક દેખાડવામાં આવ્યો એટલો અંતમાં નથી દેખાડાયો, પરંતુ તે આર્યા સાથે ખૂબ જ સારી માઇન્ડગેમ રમતો જોવા મળ્યો છે. આરુનું પાત્ર ત્રીજી સીઝનમાં બદલાઈ ગયું છે અને એ આરુષી બજાજે ભજવ્યું છે. તેની પાસે પણ એટલો ખાસ સ્ક્રીન ટાઇમ નથી, પરંતુ બીજા પાર્ટમાં તેને વધુ દેખાડવામાં આવશે એ નક્કી છે. વીરનું પાત્ર ભજવનાર વીરેન વઝીરાણીએ તેને આપવામાં આવેલું કામ સારી રીતે ભજવ્યું છે અને ચાઇલ્ડ ઍક્ટર પ્રત્યક્ષ પનવરે પણ સારું કામ કર્યું છે. ઇલા અરુણનું પાત્ર ચોથા એપિસોડમાં ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે છે. જોકે તેને જેટલો પણ સ્ક્રીન ટાઇમ મળ્યો છે એટલામાં તે પોતાની છાપ છોડે છે અને તે ખૂબ જ ઘાતકી અને કોઈ સ્ટેપ લેવા માટે એક વાર પણ વિચાર ન કરતી હોય એવી દેખાડવામાં આવી છે. આગામી પાર્ટમાં ઇલા અરુણ વર્સસ સુસ્મિતાને જોવાની મજા આવશે. વિશ્વજિત પ્રધાને પણ ખૂબ જ સારું કામ કર્યું છે અને સિંકદર ખેરને બાય-બાય કહી દેવામાં આવ્યું છે. જોકે તે બીજા પાર્ટમાં જોવા મળશે કે નહીં એ એક સવાલ છે, કારણ કે તેને તેનો પ્રેમ મળી ગયો હોય એવું લાગી રહ્યું છે.

આખરી સલામ
આ સિરીઝને બે પાર્ટમાં વહેંચવી નહોતી જોઈતી, પરંતુ એ મેકર્સની ફેવરમાં છે; કારણ કે શોને લઈને સતત હાઇપ બનેલી રહેશે. બીજા પાર્ટની રિલીઝ પહેલાં દર્શકો ફરી આ ચાર એપિસોડ જોઈ શકે છે અને એ તેમની ફેવરમાં રહેશે. આ અઠવાડિયે બૉક્સ-ઑફિસ પર રિલીઝ થયેલી ફિલ્મો કરતાં ઘરે બેસીને આ શો જોવામાં વધુ મજા છે.
 

 

Web Series sushmita sen entertainment news