23 January, 2020 05:25 PM IST |
સની લીઓની
સની લીઓનીનું કહેવું છે કે તેની લાઇફના ખરાબ સમયને યાદ કરવો ખૂબ જ અસહ્ય છે. સની લીઓની તેની વેબ-સિરીઝ ‘કરનજિત કૌર : ધ અનટોલ્ડ સ્ટોરી ઑફ સની લીઓની’ની ફાઇનલ સીઝનમાં દેખાવાની છે. આ વેબ-સિરીઝની ફાઇનલ સીઝન ગઈ કાલે ડિજિટલ પ્લૅટફૉર્મ ZEE5 પર રિલીઝ કરવામાં આવી હતી. સનીએ જણાવ્યું હતું કે શૂટિંગ વખતે એવો સમય પણ આવ્યો હતો જ્યારે જૂની યાદો તાજી થતાં તે રડી પણ હતી. પોતાના અનુભવો શૅર કરતાં સની લીઓનીએ કહ્યું હતું કે ‘મારા માટે એ સરળ નહોતું કે હું મારી લાઇફની એ જૂની યાદોને તાજી કરું. મારા માટે એ ખૂબ જ અસહ્ય હતું. એને એક ખરાબ સપનું સમજીને મારે ભૂલવાનું હતું. મારી મમ્મીનું જ્યારે અવસાન થયું હતું ત્યારે જ મારા ડૅડીને પણ કૅન્સરનું નિદાન થયું હતું અને થોડા સમય બાદ તેમનું પણ મૃત્યુ થયું હતું. મારાં લગ્ન થયાં અને મને ઇન્ડિયન ટીવી-શોમાંથી ઑફર મળી હતી.
આ પણ વાંચો : કનિકા માન જોવા મળશે મા કાલીના અવતારમાં
મારી લાઇફમાં બધું ખૂબ જ ઝડપથી બનવા લાગ્યું હતું. કેટલીક એવી સ્થિતિ પણ આવી હતી જેણે મને ખૂબ તકલીફ પણ આપી હતી. એ તમામ સ્થિતિમાંથી હું ફરીથી પસાર થવા નહોતી માગતી. શૂટિંગ વખતે હું માનસિક રીતે પડી ભાંગી હતી. મારી આવી સ્થિતિ જોઈને મારો પતિ ડૅનિયલ વેબર પણ દુ:ખી થતો હતો. મારી લાઇફનાં એ ચૅપ્ટર્સને તે સુધારી શકતો નહોતો. મારા પેરન્ટ્સને ગુમાવવા મારા માટે ખૂબ જ અસહ્ય હતું.’