02 December, 2024 08:55 AM IST | Mumbai | Rashmin Shah
ચિરાગ વ્હોરા વજન ઘટાડ્યા પહેલાં (ડાબે), વજન ઘટાડ્યા પછી (જમણે)
સોની લિવ પર ભારત-પાકિસ્તાનના ભાગલા વિશેની વેબ-સિરીઝ ‘ફ્રીડમ ઍટ મિડનાઇટ’ આવી છે જેમાં આપણા ચિરાગ વ્હોરા ગાંધીજીના રોલમાં છે. ડૉમિનિક લૅપિયર અને લૅરી કૉલિન્સ નામના લેખકોના આ જ નામના પુસ્તક પર આધારિત આ વેબ-સિરીઝનું શૂટ ૨૦૨૩ના ફેબ્રુઆરી મહિનામાં થવાનું હતું જે શરૂ થયું છેક આ વર્ષે. આ જે ૧૨ મહિના શૂટ મોડું થયું એણે ચિરાગ વ્હોરાની ખરી પરીક્ષા લીધી. વજન ઉતારવાની એ આખી પ્રોસેસ વિશે વાત કરતાં ચિરાગ વ્હોરા કહે છે, ‘૨૦૨૩માં શૂટ હતું એટલે વેઇટ ઘટાડવાની પ્રોસેસ તો જૂન ૨૦૨૨માં શરૂ થઈ ગઈ હતી, પણ પછી જે ૧૨ મહિના પસાર કરવાના આવ્યા એ બહુ ક્રિટિકલ હતા. એવું નહોતું કે ખાવાનું ક્રેવિંગ થતું હોય, પરંતુ ભૂલથી પણ વજન ન વધે એનું ધ્યાન રાખવાનું હતું અને એને માટે દર વીકમાં પ્રોડક્શન-હાઉસમાં મારી બૉડી અને વેઇટ ચેક થતું રહેતું.’
‘ફ્રીડમ ઍટ મિડનાઇટ’ માટે ચિરાગ વ્હોરાનો જ્યારે કૉન્ટૅક્ટ કરવામાં આવ્યો ત્યારે તેમનું વેઇટ ૭૬ કિલો હતું. ચિરાગ કહે છે, ‘પ્રોડક્શન-હાઉસ અને નિખિલ અડવાણીએ પહેલેથી જ નક્કી કરી રાખ્યું હતું કે મહાત્મા ગાંધીના રોલ માટે મને પૂછવું. અમે મીટિંગ કરી ત્યારે બીજી કોઈ વાત નહોતી, સિવાય કે બૉડી રિડ્યુસ કરવાની. ગાંધીજી આ તબક્કામાં જે પ્રકારના લુકમાં હતા એમાં તેમની અડધી બૉડી ખુલ્લી રહેતી એટલે ઑડિયન્સને ચીટ પણ નહોતા કરવાના. હું હેવી-બૉડી તો ક્યારેય નહોતો અને ક્યારેય દૂબળો પણ નહોતો.’
૯ મહિના અને ૧૬ કિલો
શું ખાવું, શું પીવું, ક્યારે જાગવું અને ક્યારે ચાલવું જેવી નાનામાં નાની વાતને ચિરાગ વ્હોરાએ ફૉલો કરવાની હતી. ચિરાગ કહે છે, ‘હું મારા ડાયટિશ્યનની સૂચનાઓને ફૉલો કરતો હતો. મગફળીના દાણા ખાવાના હોય તો એના નંગ પણ મને કહેવામાં આવતા અને રાઇસનું પણ મને વજન મોકલવામાં આવતું. મારા ફૂડના પણ મારે ફોટો પાડીને મોકલવાના અને મને કોઈ ઇચ્છા થાય કે ભૂખ લાગે તો પણ મારે તેમને પૂછવાનું. શરૂઆતમાં મને થતું કે કોઈ જોતું નથી તો હું થોડું ચીટિંગ કરી લઉં, પણ પછી મને જ વિચાર આવતો કે મારા ચીટિંગને કારણે જો આખેઆખા શૂટિંગ-શેડ્યુલ પર અસર પડે તો એ ગેરવાજબી છે. અહીં મને મારું નાટકોનું ડિસિપ્લિન કામ લાગ્યું.’
૯ મહિનામાં ૧૬ કિલો વજન તો ચિરાગે ઉતાર્યું, પણ પ્રૉબ્લેમ ત્યારે થયો જ્યારે શૂટિંગ પાછળ ખેંચાવાનું શરૂ થયું. અનેક કારણસર શૂટ પોસ્ટપોન થતું રહ્યું અને ચિરાગે વેઇટને મેઇન્ટેન કરી રાખવાની પ્રક્રિયા સતત કરવી પડી. ચિરાગ કહે છે, ‘એ સમયે પ્રૉબ્લેમ કોઈ થતો નહોતો; પણ હા, મને ઇરિટેશન થતું. બધાને એક ને એક જવાબ આપવાના અને એ પછી પણ તેમનો જે આગ્રહ આવે એને રિજેક્ટ કરવાનો; પણ હા, હું કહીશ કે વેઇટ ઘટ્યા પછી મને જેન્યુઇનલી બહુ સારું લાગવા માંડ્યું. એનર્જી અને જે ફ્રેશનેસ છે એ ગજબનાક છે.’
એક સમયે ચિરાગ દિવસની આઠ-દસ ચા આરામથી પીતા. ફૅમિલી-મેમ્બર ઘણી વાર ચા ઓછી કરવાની સલાહ આપતા, પણ ચિરાગ માને નહીં. ચિરાગ કહે છે, ‘મને એમ થતું કે ચા વિના થોડું રહી શકાય, પણ તમે માનશો નહીં, મેં એકઝાટકે ચા મૂકી દીધી અને આજે મને ચા યાદ પણ નથી આવતી.’
‘ફ્રીડમ ઍટ મિડનાઇટ’ની બન્ને સીઝનનું શૂટ પૂરું થઈ ગયું છે એટલે હવે ચિરાગ ફૂડ પર કન્ટ્રોલ ન રાખે તો ચાલે એમ છે, પણ ચિરાગ વ્હોરા એવું કરવાના નથી. ચિરાગ કહે છે, ‘આ બે વર્ષે મને એટલું સમજાવ્યું કે કન્ટ્રોલ બહુ અગત્યનો છે તો મહાત્મા ગાંધીએ શીખવ્યું કે કન્ટ્રોલ કરવાની ક્ષમતા દરેક વ્યક્તિમાં હોય જ. બસ, તમારે એ ક્ષમતાને ડેવલપ કરવાની.’
શું શીખવ્યું મહાત્મા ગાંધીએ?
ઇન્ટ્રોસ્પેક્શન એટલે કે આત્મમંથન. હા, ગાંધીજીનું પાત્ર કરતાં-કરતાં ચિરાગને જો કંઈ શીખવા મળ્યું હોય તો એ છે ઇન્સ્ટ્રોસ્પેક્શન. ચિરાગ વ્હોરા કહે છે, ‘ગાંધીજી આત્મમંથન બહુ કરતા. કહો કે દરરોજની તેમની આ પ્રોસેસ હતી. આપણે એ જ કરવાનું ચૂકી જઈએ છીએ. બસ, ફ્લોમાં ભાગતા રહીએ છીએ પણ આત્મમંથન બહુ જરૂરી છે એ મને ગાંધીજી પર સ્ટડી કરતાં-કરતાં એ સમજાયું છે.’
ગાંધીજીને સંર્પૂણ સ્વીકારવાની પ્રક્રિયા અસંભવ છે એવું કહેતાં ચિરાગ કહે છે, ‘ગાંધીજીની બીજી ક્વૉલિટી હતી, ડરીને ક્યારેય અટકો નહીં. પોતે સાચા હોઈએ તો ક્યાંય અટકવાની જરૂર નથી. આજે નહીં તો કાલે કે પછી ભવિષ્યમાં તમને સહકાર આપનારાઓ સામે આવશે જ આવશે. જોકે મને લાગે છે કે તમારામાં આ પેશન્સ ત્યારે જ આવે જ્યારે તમે અધ્યાત્મ સાથે જોડાયેલા હો.’
કેવી રીતે ગાંધી મેળવ્યા?
સૌથી બેસ્ટ વાત એ હતી કે બન્ને સીઝનની બાઉન્ડ સ્ક્રિપ્ટ અમને આપવામાં આવી હતી એવી પ્રોસેસ વિશે વાત કરતાં ચિરાગ કહે છે, ‘જેને કારણે રિલેશનશિપ અને કૅરૅક્ટરમાં આવતા ઉતાર-ચડાવ અમારી આંખ સામે હતા, તો મૂળ કૅરૅક્ટરની બૉડી-લૅન્ગ્વેજ અને ટોનલ ક્વૉલિટી માટે મેં ગાંધીજીના અનેક રિયલ વિડિયો અને રેકૉર્ડિંગ સાંભળ્યાં. ડૉક્યુમેન્ટરી જોઈ તો સાથોસાથ ગાંધીજીની આત્મકથા અને તેમના પર લખાયેલાં પુસ્તકો વાંચ્યાં. ગાંધીજીની વાત કરવાની એક ખાસિયત મેં નોંધી. તેઓ ઓછામાં ઓછા શબ્દોમાં વાત કરતા એટલે ડાયલૉગ્સમાં જરૂરી ફેરફાર કરાવ્યા, જેમાં ઓછા શબ્દોમાં પણ જવાબનો ભાવાર્થ આવી જતો હોય...’
‘ફ્રીડમ ઍટ મિડનાઇટ’ બુક ન વાંચવાની સલાહ નિખિલ અડવાણીએ આખી કાસ્ટને આપી હતી. ચિરાગ કહે છે, ‘તેમનું કહેવું હતું કે રાઇટરને એમાંથી જે લેવાનું છે એ તેણે લઈ લીધું છે એટલે બુક વાંચવાથી ઊભા થનારા સવાલ ઍક્ટરનો કૉન્ફિડન્સ તોડી શકે. માટે બુક વાંચવામાં ન આવે એ હિતાવહ રહે.’
જજમેન્ટલ ન બનો
‘ફ્રીડમ ઍટ મિડનાઇટ’ વેબ-સિરીઝ દરમ્યાન ઑલમોસ્ટ બે વર્ષ મહાત્મા ગાંધી સાથે રહ્યા પછી ચિરાગ વ્હોરા કહે છે, ‘આઝાદીનું મૂલ્ય કેટલું ઊંચું છે એ વાત હવે મને જેન્યુઇન વે પર સમજાય છે. હું કહીશ કે આપણે જજમેન્ટલ તરત બનીએ છીએ. નેહરુ પ્રાઇમ મિનિસ્ટર બન્યા એને બદલે સરદાર બન્યા હોત તો આમ થાત કે તેમ થાત એવું જજમેન્ટ બાંધવાને બદલે આપણી શું જવાબદારી છે એના પર ફોકસ કરીએ. ગાંધીજી હોય કે નેહરુ-સરદાર, આ કોઈ પણ મહાનુભાવે ક્યારેય પોતાનું વિચાર્યું નથી, તેમને માટે દેશ જ પ્રથમ રહ્યો છે. પદની ક્યારેય તેમણે ખેવના રાખી નહોતી.’
હું વોરા નહીં, વ્હોરા
‘મારે આ ખુલાસો ગુજરાતીઓને ખાસ કરવાનો કે મારી અટક વોરા નહીં, પણ વ્હોરા છે...’ હસતાં-હસતાં ચિરાગ વ્હોરા આગળ કહે છે, ‘શરૂઆતમાં તો હું બધાને બહુ ઘૂંટી-ઘૂંટીને લખાવતો, પણ પછી તો મારા નાટકની જાહેરખબરમાં પણ ‘વ્હોરા’ને બદલે ‘વોરા’ એમ ખોટી રીતે લખાવા માંડ્યું એટલે મેં સુધારવાનું પડતું મૂકી દીધું, પણ મને જે પૂછે છે તેને હું ચોખવટ સાથે કહું કે ‘વોરા’ નહીં, ‘વ્હોરા’ છું. આ જે ‘વ્હોરા’ છે એ નાગરમાં પણ આવે અને અમે નાગર છીએ.’