11 May, 2023 04:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સોનાક્ષી સિંહા
સોનાક્ષી સિંહાએ તેના પાપા શત્રુઘ્ન સિંહાનું સપનું પૂરું કર્યું છે. એ સપનું એટલે કે પોલીસ બનવાનું. શત્રુઘ્ન સિંહાની ઇચ્છા હતી કે સોનાક્ષી પોલીસ-ઑફિસર બને. જોકે તે રિયલ લાઇફમાં નહીં, પરંતુ તેની આવનારી સિરીઝ ‘દહાડ’માં પોલીસ બની છે. આ સિરીઝ દ્વારા તે ડિજિટલ પ્લૅટફૉર્મ પર એન્ટ્રી કરવાની છે. એમાં તેની સાથે ગુલશન દેવૈયા, વિજય વર્મા અને સોહમ શાહ પણ જોવા મળશે. સિરીઝ ૧૨ મેએ ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર રિલીઝ થશે. રીમા કાગતી અને રુચિકા ઑબેરૉયે એને ડિરેક્ટ કરી છે. ફરહાન અખ્તર, ઝોયા અખ્તર, રિતેશ સિધવાણી અને રીમા કાગતીએ સાથે મળીને એને પ્રોડ્યુસ કરી છે. આ સિરીઝ વિશે સોનાક્ષી સિંહાએ કહ્યું કે ‘હું ઘણા સમયથી પાવરફુલ કૅરૅક્ટર શોધી રહી હતી. આ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ પાત્ર છે. એમાં મજેદાર બાબતોનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે. ઘણા વખત બાદ હું અગત્યનો રોલ કરી રહી છું. અભી તો દિલ દહાડ કર રહા હૈ. દિલ ધડક રહા હૈ. પર એક્સાઇટમેન્ટ હૈ. આ શો દ્વારા હું ડિજિટલ પ્લૅટફૉર્મ પર એન્ટ્રી કરવાની છું. પહેલી વખત લોકો મને લૉન્ગ ફૉર્મેટમાં જોશે.’
આ સિરીઝનું ટ્રેલર જોઈને પિતા શત્રુઘ્ન સિંહાનું શું રીઍક્શન હતું એ વિશે પૂછવામાં આવતાં સોનાક્ષી સિંહાએ કહ્યું કે ‘પાપા બહુત ખુશ હૈ. હું નાની હતી ત્યારે મારા પાપા હંમેશાં તેમના ફ્રેન્ડ્સને કહેતા કે મારી દીકરી પોલીસ-ઑફિસર બનશે. એથી યુનિફૉર્મ પહેર્યા બાદ મેં પહેલો ફોટો તેમને મોકલ્યો અને પાપાને કહ્યું કે મેં તમારું સપનું પૂરું કર્યું છે. તેઓ આ શો જોવા માટે આતુર છે.’
આ સિરીઝમાં વિજય વર્મા વિલનના રોલમાં દેખાશે. એ વિશે વિજયે કહ્યું કે ‘આજે હું જ્યાં છું ત્યાં હું ખુશ છું. લોકો મને વિલનનો રોલ કરવા માટે ધકેલે છે, પરંતુ સાથે જ મને પ્રેમ પણ તેઓ ભરપૂર આપે છે.’