‘ધ રેલવેમૅન’ને ડિરેક્ટ કરવું મારા માટે ઇમોશનલ હતું: શિવ રવૈલ

07 November, 2023 04:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ સિરીઝ વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર ૧૮ નવેમ્બરે શરૂ થશે. આ સિરીઝને યશરાજ ફિલ્મ્સે પ્રોડ્યુસ કરી છે. શોને શિવ રવૈલે ડિરેક્ટ કરી છે.

‘ધ રેલવેમૅન’ સિરીઝ

ભોપાલમાં થયેલી ભયાનક ગૅસ દુર્ઘટનાની તારીખ આજે ઇતિહાસના પાને અંકિત થઈ ગઈ છે અને એના ઘા આજે પણ રુઝાયા નથી. આજે પણ એ કાળા દિવસને યાદ કરીને લોકો ધ્રૂજી ઊઠે છે. ૧૯૮૪ની બીજી ડિસેમ્બરનો એ દિવસ હતો, જ્યારે લોકો માટે શ્વાસ લેવાનું મુશ્કેલ બન્યું હતું. એ દિવસ, એ ઘટના અને એ તારીખને લોકો આજે પણ ભૂલ્યા નથી. ભોપાલમાં યુનિયન કાર્બાઇડ ફૅક્ટરીમાંથી ગૅસ લીક થવા માંડ્યો હતો એ આખી ઘટનાને ‘ધ રેલવેમૅન’ સિરીઝ રૂપે બનાવવામાં આવી છે. ૪ એપિસોડની એ સિરીઝ આખી ઘટનાનો ચિતાર આપશે. એનું ટ્રેલર આજે રિલીઝ થયું છે. એમાં દેખાડવામાં આવ્યું છે કે ભોપાલ જંક્શનના રેલવેના કર્મચારીઓએ કઈ રીતે તમામ અડચણને ફગાવીને લોકોના જીવ બચાવવાનું શરૂ કર્યું હતું. એ સિરીઝમાં આર. માધવન, કેકે મેનન, જૂહી ચાવલા, રઘુબીર યાદવ, દિવ્યેન્દુ અને બબીલ ખાન લીડ રોલમાં છે. આ સિરીઝ વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર ૧૮ નવેમ્બરે શરૂ થશે. આ સિરીઝને યશરાજ ફિલ્મ્સે પ્રોડ્યુસ કરી છે. શોને શિવ રવૈલે ડિરેક્ટ કરી છે. એ વિશે શિવ રવૈલે કહ્યું કે ‘આ સિરીઝને ડિરેક્ટ કરવાનું મારા માટે ઘણું ઇમોશનલ હતું. એની સ્ટોરી માણસાઈનો જોશ દેખાડી રહી છે, જે લોકો સુધી પહોંચાડવો જરૂરી છે. સાથે જ લોકોને એ યાદ કરાવવું પણ અગત્યનું છે કે અનેક બાધા છતાં લોકોએ એકતાની તાકાત દેખાડી હતી. આ સિરીઝ ડિરેક્ટ કરીને હું પોતાને સન્માનિત અનુભવી રહ્યો છું. યશરાજ ફિલ્મ્સ એન્ટરટેઇનમેન્ટના માર્ગદર્શન હેઠળ મારા પૅશનને અમલમાં મૂકવાની તક મળી. ટૅલન્ટેડ આર. માધવન, કેકે મેનન, જૂહી ચાવલા, રઘુબીર યાદવ, દિવ્યેન્દુ અને બબીલ ખાનને ડિરેક્ટ કરવાનો મને અવસર મળ્યો. નેટફ્લિક્સ દ્વારા આ સિરીઝ ​વિશ્વના ખૂણેખૂણે પહોંચશે, જે ખરેખર મારા માટે સપનું પૂરું થવા સમાન છે.’

Web Series web series entertainment news juhi chawla