હંસલ મહેતા દેખાડશે વધુ એક ‘Scam’, ૨૪ હજાર કરોડના કૌભાંડનો ખુલાસો થશે

16 May, 2024 03:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Scam 3: સ્કેમની ત્રીજી સિઝનની જાહેરાત, સહારા ગ્રુપના સુબ્રત રૉયના કૌભાંડની કહાની દર્શાવશે ફિલ્મ મેકર હંસલ મહેતા

ફાઇલ તસવીર

સોની લિવ (Sony LIV) ની સ્કેમ વૅબ સિરીઝ (Web Series) એક મોટી ફ્રેન્ચાઈઝી બની ગઈ છે. `સ્કેમ 1992: ધ હર્ષદ મહેતા સ્ટોરી` (Scam 1992: The Harshad Mehta Story) અને `સ્કેમ 2003: ધ તેલગી સ્ટોરી` (Scam 2003: The Telgi Story) પછી હવે આ શોની ત્રીજી સીઝન (Scam 3) ની જાહેરાત કરવામાં આવી છે. પહેલી બે સિઝનની જેમ જ આ નવી સિઝન પણ એપ્લોઝ એન્ટરટેઈનમેન્ટ (Applause Entertainment) અને હંસલ મહેતા (Hansal Mehta) લાવી રહ્યા છે. જેમાં સુબ્રત રૉય સહારા (Subrata Roy Sahara) ની વાર્તા દર્શાવવામાં આવશે, જેનું શીર્ષક છે `સ્કેમ 2010: ધ સુબ્રત રૉય સાગા` (Scam 2010 - The Subrata Roy Saga). આ વાર્તા તમાલ બંદ્યોપાધ્યાય (Tamal Bandyopadhyay) ના પુસ્તક - ‘સહારાઃ ધ અનટોલ્ડ સ્ટોરી’ (Sahara: the Untold Story by Tamal Bandyopadhyay) પર આધારિત છે.

ફિલ્મ નિર્માતા હંસલ મહેતાએ `સ્કેમ 2010`ની જાહેરાતનું ટીઝર સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. આ સાથે તેણે દર્શકોનો ઉત્સાહ વધારવા માટે કેટલીક માહિતી પણ આપી હતી.

હંસલ મહેતાએ કહ્યું કે, તે ફરીથી ત્રીજી સીઝનનું દિગ્દર્શન કરવા જઈ રહ્યો છે.

નોંધનીય છે કે, હંસલ મહેતાએ પોતે `સ્કેમ 1992`નું નિર્દેશન કર્યું હતું જે હર્ષદ મહેતા (Harshad Mehta) ની વાર્તા પર આધારિત હતી. તે જ સમયે, અબ્દુલ કરીમ તેલગી (Abdul Karim Telgi) ની વાર્તા પર આધારિત `સ્કેમ 2003`નું નિર્દેશન તેમના પુત્ર જય મહેતા (Jay Mehta) એ કર્યું હતું.

ગુજરાતી અભિનેતા પ્રતિક ગાંધી (Pratik Gandhi) એ સ્કેમની પ્રથમ સિઝન `સ્કેમ 1992`માં મુખ્ય ભૂમિકા ભજવી હતી અને તેનું કામ ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતું. બીજી સિઝન `સ્કેમ 2003`માં ગગન દેવ રિયાર (Gagan Dev Riar) એ અબ્દુલ કરીમ તેલગીની ભૂમિકા ભજવી હતી. આ સિરીજમાં તેના કામને ઘણી પ્રશંસા મળી, પરંતુ `સ્કેમ 2003` દર્શકોને `સ્કેમ 1992`ની જેમ એન્ટરટેઈન કરવામાં નિષ્ફળ રહી હતી. ત્યારે હવે સ્કેમની ત્રીજી સિઝન `સ્કેમ 2010`માં મુખ્ય ભૂમિકા કોણ ભજવશે તે જોવું રહ્યું. જોકે, આ વખતે મેકર્સે હજુ સુધી આ શોમાં લીડ કોણ હશે તેની માહિતી શેર કરી નથી.

કોણ છે સુબ્રત રૉય?

સુબ્રત રૉય (Subrata Roy) સહારા ગ્રુપ (Sahara Group) ના સ્થાપક હતા, જેની રોકાણકારોની છેતરપિંડી બદલ ધરપકડ કરવામાં આવી હતી. વર્ષ ૨૦૧૪માં તેમને ૧૦,૦૦૦ કરોડ રૂપિયાની ચૂકવણી ન કરવા બદલ જેલમાં મોકલવામાં આવ્યા હતા. બે વર્ષ જેલમાં રહ્યા પછી, સુબ્રત રૉય વર્ષ ૨૦૧૬માં પેરોલ પર બહાર આવ્યા હતા પરંતુ જ્યારે સેબી (સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બ્યુરો ઓફ ઈન્ડિયા) એ પેરોલ રદ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી, ત્યારે તેમને ફરીથી જેલમાં મોકલવામાં આવ્યા હતા.

સુબ્રત રૉયે શું કૌભાંડ કર્યું હતું?

સુબ્રત રૉયે વર્ષ ૧૯૭૮માં માત્ર ૨૦૦૦ રૂપિયાથી પોતાનો બિઝનેસ શરૂ કર્યો હતો. તેમણે ઘણી ચિટ-ફંડ યોજનાઓ શરૂ કરી અને ગરીબીમાં જીવતા ઘણા લોકો જેમને બેન્કિંગ વિશે વધારે જાણકારી ન હતી તેમની પાસેથી કરોડો રૂપિયાનું રોકાણ એકત્ર કરવામાં સફળ રહ્યા. વર્ષ ૨૦૧૦માં જ્યારે સેબીએ તેની સામે કેસ નોંધ્યો ત્યારે જાણવા મળ્યું કે તેણે ત્રણ કરોડ લોકો પાસેથી ૨૪,૦૦૦ કરોડ રૂપિયા એકઠા કર્યા હતા.

પોતાને `સહારા શ્રી` કહેતા સુબ્રત રૉયને ટાઈમ્સ મેગેઝીને ભારતીય રેલવે (Indian Railways) પછી `બીજા સૌથી મોટા રોજગારદાતા` તરીકે જાહેર કર્યા હતા. રાજનીતિ અને બોલિવૂડમાં મોટા જોડાણ ધરાવતા સુબ્રતનો ૯૦ના દાયકામાં ઝડપથી વિકાસ થયો. વર્ષ ૨૦૦૪માં બૉલિવૂડના શહેનશાહ તરીકે જાણીતા અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અને અન્ય ઘણી બૉલિવૂડ હસ્તીઓ તેમના પુત્રના ભવ્ય લગ્ન સમારોહમાં મહેમાન તરીકે હાજરી આપી હતી.

સહારા ઈન્ડિયા પરિવારે તેના રોકાણકારો સાથે હજારો કરોડની છેતરપિંડી કરી હોવાના આરોપ સાથે વર્ષ ૨૦૧૪માં સુબ્રત રૉયની ધરપકડ કરવામાં આવી હતી. નવેમ્બર ૨૦૨૩માં કાર્ડિયોરેસ્પીરેટરી અરેસ્ટને કારણે તેમનું અવસાન થયું હતું.

hansal mehta web series Pratik Gandhi entertainment news bollywood bollywood news